ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
કંગના રાણાવતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'થલાઇવી' આખરે આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મ દ્વારા જયલલિતાના જીવનમાં આવેલા ઉતાર-ચડાવ દર્શાવવામાં આવ્યા છે. 'થલાઇવી'માં જયલલિતાની રાજકીય કારકિર્દી કરતાં વધુ તેમના અંગત જીવનની ઝલક જોવા મળી છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે જીવનની મુશ્કેલીઓ વચ્ચે એક ભોળી છોકરી પોતાની જાતને એક શક્તિશાળી સ્ત્રીમાં પરિવર્તિત કરે છે જેને દુનિયા 'અમ્મા' કહે છે.
'થલાઇવી'ના નિર્દેશક વિજયે ફિલ્મમાં જયાના જીવનનાં એ પાસાંઓને આવરી લીધાં છે, જેના વિશે તેમના ફોલોઅર્સ પણ કદાચ વધારે જાણતા ન હોય. જયલલિતાની આ બાયોપિકમાં ગીતો, ડાન્સ સિક્વન્સ અને ઘણા બધા ડાયલૉગ જોવા મળ્યા છે. ફિલ્મનાં પાત્રોના દેખાવ અને વાણી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ફિલ્મનાં પાત્રો તમને જૂના સમયમાં પાછાં લઈ જશે. ફિલ્મનો પહેલો ભાગ 1960ના દાયકાના યુગને દર્શાવે છે, જ્યારે જયલલિતાએ પરિવારને ટેકો આપવા અને અભિનય ક્ષેત્રે જોડાવા માટે વકીલ બનવાનું પોતાનું સપનું છોડી દેવું પડે છે.
સુંદર અને પ્રતિભાશાળી જયલલિતાને આ સમયગાળા દરમિયાન ઘણા સુપરસ્ટાર સાથે કામ કરવાની તક મળી. જેમાં એમ. જી. રામચંદ્રન્ પણ સામેલ હતા.તેમની લવ-સ્ટોરી ઘણા ઉતાર-ચડાવમાંથી પસાર થાય છે, પરંતુ જ્યારે રાજકારણ વચ્ચે આવે છે ત્યારે તેમનું જીવન બદલાઈ જાય છે. ‘થલાઇવી’ના પહેલા હાફમાં જયલલિતાએ એમજીઆર માટે સમર્પણ બતાવ્યું હતું. કેટલાક હૃદયસ્પર્શી દૃશ્યો દ્વારા બંને વચ્ચે પ્રેમ અને આદરની ઝલક જોવા મળે છે. તેમ જ બીજા હાફમાં તે નાટકીય રીતે બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એમજીઆર રાજકારણમાં કારકિર્દી બનાવી રહ્યા છે અને તેમની કારકિર્દીમાં જયાનું યોગદાન શું હતું.
પત્નીએ દગો આપ્યા બાદ પાગલ થઈ ગયો હતો આ અભિનેતા, હવે થઈ ગયા છે આવા હાલ; જાણો કોણ છે તે અભિનેતા
આ બધા વચ્ચે થોડી ખામી રહી ગઈ હોય તેવું લાગે છે. જયલલિતાનો સાડી અને સેન્ડલ પ્રત્યેનો પ્રેમ ફિલ્મમાં કોઈ ખાસ રીતે દર્શાવવામાં આવ્યો ન હતો. એક બાજુ કંગના રાણાવતે જોરદાર દેખાવ કરીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં, તો બીજી બાજુ 'અમ્મા'ની ભવ્ય રાજકીય કારકિર્દી વિશે વિગતવાર જાણવા માટે ફિલ્મ જોવા ગયેલા લોકોને થોડું નિરાશ થવું પડ્યું હશે.