ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑક્ટોબર, 2021
શનિવાર
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લોકોના સૌથી પ્રિય શોમાંનો એક છે અને એણે 13 વર્ષ પૂર્ણ કર્યાં છે. લૉકડાઉન દરમિયાન પ્રેક્ષકો એના નવા એપિસોડની આતુરતાથી રાહ જોતા હતા અને હવે એના નવા એપિસોડ આવવા લાગ્યા છે. આ શોમાં ખૂબ જ મજબૂત કલાકારોને કાસ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે આ કલાકારોએ ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. હા, તો ચાલો આ અભિનેતાઓ પર એક નજર કરીએ જેમણે ફિલ્મોમાં કામ કર્યું છે
દિશા વાકાણી
દિશા વાકાણી ઑનસ્ક્રીન દયાબહેન તરીકે ઓળખાય છે, જેણે પોતાના અભિનયથી લોકોનાં દિલ જીતી લીધાં હતાં, પરંતુ ટીવી પર આવતાં પહેલાં તેણે કેટલીક ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. તે શાહરુખ ખાન-ઐશ્વર્યા રાયની ‘દેવદાસ’, ઋત્વિક રોશન-ઐશ્વર્યા રાય બચ્ચનની ‘જોધા અકબર’, આમિર ખાનની ‘મંગલ પાંડે : ધ રાઇઝિંગ’ વગેરે જેવી ફિલ્મોમાં જોવા મળી છે. દીકરાના જન્મ બાદ દિશાએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પુનરાગમન કર્યું નથી.
શ્યામ પાઠક
શોમાં પત્રકાર પોપટલાલની ભૂમિકા ભજવનાર અભિનેતા શ્યામ પાઠકે ચીની ફિલ્મ ‘lust caution’માં કામ કર્યું છે. આ ફિલ્મમાં તે સુવર્ણકાર એટલે કે જ્વેલરી દુકાનદાર બન્યો. બહુ ઓછા લોકો જાણે છે કે અભિનેતા નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાંથી આવે છે.
દિલીપ જોશી
દિલીપ જોશીને બધા જાણે છે. મનોરંજન ઉદ્યોગમાં તેનું મોટું નામ છે. જેઠાલાલના પાત્રથી પ્રખ્યાત થયેલા દિલીપ જોશી લગભગ 26 વર્ષથી આ ઉદ્યોગમાં છે. તેનો પહેલો શો 1995માં 'કભી યે કભી વો' હતો. જોકે દિલીપની પહેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ (1989) હતી. તેણે રામુ નામના ઘરેલુ મદદગારની ભૂમિકા ભજવી હતી. તે ‘હમ આપકે હૈં કૌન’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘વ્હૉટ્સ યૉર રાશિ’ સહિત ઘણી ફિલ્મોમાં દેખાયો છે.
ઘનશ્યામ નાયક
ઘનશ્યામ નાયક, જેમણે શોમાં નટુકાકાના પાત્રથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા છે, તેઓ લગભગ 60 વર્ષથી ઉદ્યોગનો એક ભાગ હતા. તેમણે ફિલ્મ ‘માસૂમ’ (1960)માં બાળકલાકારની ભૂમિકા ભજવી હતી. જોકે તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. સંજય લીલા ભણસાલીની ‘હમ દિલ દે ચૂકે સનમ’માં ઘરેલુ મદદનીશ તરીકેની ભૂમિકા માટે તેમને સૌથી વધુ યાદ કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓ ‘બેટા’,’ તિરંગા’, ‘ક્રાંતિવીર’, ‘ચાઇના ગેટ’ સહિત ઘણી ફિલ્મોનો ભાગ રહ્યા.
શરદ સાંકલા
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ભાગ્યે જ કોઈ એપિસોડ હશે, જેમાં ગોકુલધામમાં જમ્યા પછી સોડા પીવા માટે અબ્દુલની દુકાનમાં ન જાય. શરદ સાંકલા શોમાં અબ્દુલ દુકાનદારની ભૂમિકા ભજવી રહ્યો છે. શરદ એક મહાન હાસ્ય કલાકાર છે. તેણે ‘પ્યાર તો હોના હી થા’, ‘હમ હૈ બેમિસાલ’, ‘જાગૃતિ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે તેને સૌથી વધુ ઓળખ અબ્દુલના પાત્રથી મળી છે.
કવિ કુમાર આઝાદ
શોમાં હંસરાજ હાથીની ભૂમિકા ભજવનાર કવિ કુમાર આઝાદ હવે આ દુનિયામાં નથી. તેમનો સંવાદ 'સહી બાત હૈ…' આજે પણ દરેકની જીભ પર છે. જોકે તેમણે શો કરતાં પહેલાં ફિલ્મો કરી હતી અને પ્રથમ ‘રાજુ બન ગયા જેન્ટલમૅન’ (1992), ‘બાઝીગર’ (1993), ‘આબરા કા ડાબરા’ (2004) અને ‘જોધા અકબર’ (2008)માં દેખાયા હતા.
મુનમુન દત્તા
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં મુનમુન દત્તાએ બબિતાજીનું પાત્ર ભજવ્યું છે, પરંતુ એ પહેલાં તે ફિલ્મોમાં પણ જોવા મળી છે. મુનમુને ‘મુંબઈ એક્સપ્રેસ’, ‘હૉલિડે’, ‘ધીંચક એન્ટરપ્રાઇઝ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને 16 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. આ સાથે તેણે બૉલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે પેન કૉમર્શિયલમાં પણ કામ કર્યું છે.
નેહા મહેતા
શોમાં અંજલિ તારક મહેતા તરીકે જાણીતી અભિનેત્રી નેહા મહેતાએ એક હિન્દી ફિલ્મ, બે ગુજરાતી ફિલ્મો તેમ જ તેલુગુ ફિલ્મમાં અભિનય કર્યો હતો.
જેનિફર મિસ્ત્રી બંસીવાલ
જેનિફર મિસ્ત્રી બંસીવાલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં શ્રીમતી રોશન સિંહ સોડી તરીકે જોવા મળે છે. આ શો કરતાં પહેલાં તેણે અજય દેવગણની ફિલ્મ ‘હલ્લા બોલ’ (2008)માં અભિનય કર્યો હતો. આ ઉપરાંત તેણે અક્ષયકુમારની 2016ની ફિલ્મ ‘ઍરલિફ્ટ’માં પણ કામ કર્યું છે.
ભવ્ય ગાંધી
ભવ્ય ગાંધી આ શોમાં જેઠાલાલના પુત્ર ટપુની ભૂમિકા ભજવતો હતો. બાદમાં તેણે શો છોડી દીધો અને તેની જગ્યાએ રાજ અનાડકટ આવ્યો. જોકે ભવ્યએ ફિલ્મ ‘સ્ટ્રાઇકર’ (2010)માં બાળકલાકાર તરીકે કામ કર્યું છે. આ સિવાય તેણે કેટલીક ગુજરાતી ફિલ્મો પણ કરી છે.
અક્ષયકુમાર છે 2,000 કરોડની સંપત્તિનો માલિક, વિશ્વના છે આ ચાર દેશમાં વૈભવી બંગલા; જાણો વિગત