ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
SAB ટીવી પર પ્રસારિત થતો લોકપ્રિય કૉમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દર્શકોના ચહેરા પર સ્મિત લાવવા ઉપરાંત આ સિરિયલ અમુક સમયે સામાજિક સંદેશો પણ આપે છે. શોનાં તમામ પાત્રોએ તેમના શાનદાર કૉમિક ટાઇમિંગથી ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. ‘તારક મહેતા…’માં પલક સિધવાની સોનુ ભીડેની મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.
ટપ્પુ સેનાની એકમાત્ર છોકરી સોનુ ભીડેનું પાત્ર પલક સિધવાની, આ પહેલાં પણ નાના પડદાનો ભાગ રહી ચૂકી છે. અહેવાલ અનુસાર તે સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’માં જોવા મળી હતી. તેણે કહ્યું હતું કે આ શો દ્વારા તેને પહેલો પગાર મળ્યો હતો. કહેવાય છે કે પલકે આ શો માટે એક પ્રોમો શૂટ કર્યો હતો, જેના માટે તેને થોડા હજાર રૂપિયા મળ્યા હતા.
પલક સિધવાનીએ જય હિંદ કૉલેજમાંથી પોતાનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2018માં એ જ સમયે, તેણે મૉડલિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેણે પોતાની પ્રતિભાના આધારે આ સ્પર્ધા જીતી હતી. 11 એપ્રિલ, 1998ના રોજ જન્મેલી પલકને ડાન્સનો પણ ખૂબ શોખ છે. પલક સિધવાની 'ગૂગલ' અને 'અમૂલ બટર' જેવી જાહેરાતોમાં પણ દેખાઈ છે. આ સિવાય તેણે 'ધ બાર' જેવી શૉર્ટ ફિલ્મો પણ કરી છે. આ સાથે જ પલક ‘માય સુપરહીરો’ નામના કાર્યક્રમમાં પણ જોવા મળી છે.
પલક સિધવાની 2019માં રોનિત રૉય અને ટિસ્કા ચોપરા અભિનીત વેબ સિરીઝ 'હોસ્ટેજ'ની પ્રથમ સિઝનમાં પણ જોવા મળી હતી. તેણે ટિસ્કા ચોપરાની પુત્રીનું પાત્ર ભજવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ વેબ સિરીઝને ઘણી પ્રશંસા મળી હતી. વળી પલકની ઍક્ટિંગને પણ લોકોએ ખૂબ વખાણી હતી. વર્ષ 2019માં પલક સિધવાની સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે જોડાયેલી હતી. એ પહેલાં આ પાત્ર નિધિ ભાનુશાળીએ ભજવ્યું હતું. અહેવાલ અનુસાર પલક સિધવાની સોનુનું પાત્ર ભજવવા માટે 35થી 40 હજાર રૂપિયા પ્રતિ એપિસોડ લે છે.