ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ફેબ્રુઆરી 2021
ટેલિવિઝન જગત પરના લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ ઇતિહાસ રચ્યો છે. છેલ્લા 12 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહેલા આ શોએ 3100 એપિસોડ પૂર્ણ કર્યા છે. આજ સુધી ટેલિવીઝનની હિસ્ટ્રીમાં કોઇ શોએ આટલા એપિસોડ પૂરા કર્યા નથી. આ શો એકમાત્ર એવો શો છે કે જેણે દરેક ઉંમરના લોકોનું મનોરંજન કર્યું છે અને કરી જ રહ્યું છે.
આ કોમેડી શોની શરૂઆત 28 જુલાઈ, 2008 ના રોજ થઈ હતી. શોની સફળતાનો શ્રેય ભારતીય સોસાયટીને પણ જાય છે અને તેમને પાત્રોના માધ્યમથી દર્શાવવામાં આવ્યા છે. આ શોમાં રહેલી ગોકુલધામ સોસાયટી એટલી પ્રસિદ્ધ છે કે તેને મિની ઇન્ડિયા નામથી ઓળખવામાં આવે છે. 24 સપ્ટેમ્બર 2020ના રોજ 3000 એપિસોડ પૂરા કર્યા હતા.
આપને જણાવી દઈએ કે સબ ટીવીના લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ગુજરાતી લેખક તારક મહેતા ની સાપ્તહીક શ્રેણી "દુનિયાને ઉંધા ચશ્મા"પર આધારિત છે.
નોંધનીય છે કે આ કોમેડી શો શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધીની કાસ્ટમાં ઘણા ફેરફાર આવ્યા છે પણ છેલ્લે છેલ્લે સોઢી અને અંજલિનું પાત્ર ભજવતા ગુરુચરણ સિંહ અને નેહા મહેતાએ શોને અલવિદા કહી દીધુ હતુ. નેહાની જગ્યાએ હવે સુનયના ફોજદાર આવી છે. તો ગુરુચરણ સિંહની જગ્યાએ બલવિન્દર સિંહ સૂરીએ લીધી છે.
તો બીજી તરફ શોનું મુખ્ય પાત્ર ભજવતી દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી છેલ્લા 3 વર્ષથી શોમાંથી બહાર છે. જોકે હાલમાં જ ચાલી રહેલી ચર્ચાઓમાં ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે દયા બેન શોમાં પરત ફરશે.
