ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ ઑગસ્ટ, ૨૦૨૧
સોમવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલની ફૅમસ કિરદાર દયાબહેન ભલે શો છોડી ચૂક્યાં હોય, પરંતુ દર્શકો હંમેશાં તેમને યાદ કરે છે. તેઓ હંમેશાં એવી માગ કરે છે કે દયાબહેન સિરિયલમાં પાછાં આવી જાય, પરંતુ તેઓ હજુ સુધી સિરિયલમાં પરત ફર્યાં નથી. દયાબહેનનો કિરદાર નિભાવવાવાળી દિશા વાકાણીની આ પહેલી હિન્દી સિરિયલ હતી. દિશાએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે જેમાં તેણે માધુરી દીક્ષિતની સાથે ફિલ્મ ‘લજ્જા’ અને ‘દેવદાસ’માં કામ કરેલું. માધુરીનો ડાન્સ જોઈને દિશા વાકાણીને પણ ડાન્સ શીખવાની ઇચ્છા થઈ હતી અને તેણે ડાન્સ શીખ્યો પણ હતો. આ વાતનો ખુલાસો દિશાએ BBCને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘હું ડાન્સ ના શીખી શકી. મને કથક બહુ પસંદ છે, તેથી મને માધુરી દીક્ષિત બહુ પસંદ છે. મેં ફિલ્મ ‘લજ્જા’ અને ‘દેવદાસ’માં માધુરી દીક્ષિત સાથે કામ કર્યું છે. મને આજે પણ યાદ છે કે જ્યારે માધુરી સાથે ફોટો લેવા માટે હું સાથે ઊભી રહી ત્યારે મારા ગળામાંથી અવાજ જ ના નીકળ્યો.’ દિશા વાકાણી માધુરી દીક્ષિતની બહુ મોટી ફેન રહી છે. જ્યારે તે પહેલીવાર માધુરી દીક્ષિતને મળી હતી ત્યારે તે એટલી નર્વસ થઈ ગઈ હતી કે તે કંઈ બોલી જ ન શકી.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબહેન એક ખાસ લહેકામાં વાત કરતાં જોવા મળે છે. દિશાનો સામાન્ય અવાજ આ અવાજથી બિલકુલ જ અલગ છે. તેણે જણાવ્યું હતું કે અવાજ બદલવામાં તેને કોઈ તકલીફ પડી ન હતી, કેમ કે તે એક વૉઇસ આર્ટિસ્ટ રહી ચૂકી છે.