ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
04 ડિસેમ્બર 2020
ઘણા લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરતું ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના લેખકો પૈકીના એક અભિષેક મકવાણા એ આત્મહત્યા કરી લીધી છે, જેની એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. અભિષેક લાંબા સમયથી આ સીરિયલ માટે લેખક તરીકે કામ કરી રહ્યો હતો. પોલીસ દ્વારા સામે આવી રહેલી જાણકારી મુજબ અભિષેકે આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી છે જેમાં તેણે 'આર્થિક પરેશાનીઓ'નો ઉલ્લેખ કર્યો છે.
લેખક અભિષેક મકવાનાના પરિવારનો આરોપ છે કે તે સાઇબર છેતરપિંડીનો શિકાર બન્યો હતો અને તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો. એક સ્થાનિક અખબારના અહેવાલ મુજબ, અભિષેકના પરીવારના સભ્યો એન દોસ્તોનો આરોપ છે કે તેના મોત બાદથી જ તેની સાથે છેતરપિંડી કરનારાઓ તરફથી સતત ફોન આવી રહ્યા છે કે તેમના પૈસા પરત કરી દો કારણ કે અભિષેકે તેમને લોનમાં ગેરંટર બનાવ્યા હતા.
અભિષેક મકવાનાના ભાઈ જેનિસે મુંબઇ પોલીસને જણાવ્યું છે કે, દિવંગત લેખકના ઈ-મેઈલ્સ પરથી આર્થિક છેતરપિંડીની ઘટના પણ સામે આવી છે. આ ઉપરાંત પોલીસના જણાવ્યા અનુસાર અભિષેકની સુસાઇડ નોટમાં પણ આર્થિક છેતરપિંડીની વાત સામે આવી છે, જે તેઓ ઘણા મહિનાથી સહન કરી રહ્યા હતા. પરંતુ અભિષેકે આ બાબતે વધુ લખ્યું નથી.
આપને જણાવી દઈએ કે અભિષેક મકવાના 27 નવેમ્બરે પોતાના કાંદિવલીના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા, ત્યારબાદ ચારકોપ પોલીસે આ મામલામાં એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો હતો. આ મામલામાં પરિવારના નિવેદન નોંધવામાં આવ્યા છે.