ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
30 જાન્યુઆરી 2021
બાર્કની 55 મા અઠવાડિયાની ટીઆરપી રેટિંગ આવી ગઈ છે. જોકે આ અઠવાડિયાની ટીઆરપી ચાર્ટમાં બહુ પરિવર્તન જોવા મળ્યું નથી. ટેલિવિઝન જગતનો સૌથી લોકપ્રિય શૉમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એકવાર ફરીથી ટૉપ-5 શૉઝની લિસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેમ જ અન્ય શૉઝએ ટીઆરપી લિસ્ટમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. સલમાન ખાનનો શૉ બિગ-બૉસ 14 સતત ટીઆરપી માટે ઝઝૂમી રહ્યો છે અને આ વખતે પણ શૉ આ સૂચિમાં પોતાનું સ્થાન બનાવી શક્યો નથી. મહત્વપૂર્ણ છે કે ગયા અઠવાડિયે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પાંચમા સ્થાન પર રહ્યો હતો.
બાર્ક દ્વારા 16-22 જાન્યુઆરી વચ્ચે જાહેર કરવામાં આવેલા શૉની રેન્કિંગ જોઈએ તો રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડેનો શો 'અનુપમા'એ ટૉપ પર છે. ઉલ્લેખનીય છે કે આ શૉ ઘણા અઠવાડિયાથી પહેલા નંબર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ત્યારે બીજા અને ત્રીજા સ્થાન પર પણ સ્ટાર પ્લસનો શૉ 'ઈમલી' અને 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' રહ્યો છે. તો ચોથા અને પાંચમાં સ્થાન પર ઝીટીવી પર પ્રસારિત થતો શૉ 'કુંડળી ભાગ્ય' અને 'કુમકુમ ભાગ્ય' છે.