ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક લોકોમાં એટલો ડર ધરાવે છે કે લોકો કોઈ પણ રીતે દેશ છોડવા આતુર છે. 16 ઑગસ્ટના જ્યારે કાબુલ ઍરપૉર્ટ પરથી એક વિમાને ટેક ઑફ કર્યું ત્યારે તેને જગ્યા ન મળી ત્યારે ત્રણ લોકો ટાયર પકડીને લટકી રહ્યા હતા, પરંતુ ફ્લાઇટમાંથી પડી ગયા અને મૃત્યુ પામ્યા. વિમાનમાંથી પડીને મોતને ભેટનારા ત્રણ લોકોમાં અફઘાનિસ્તાનની નૅશનલ ફૂટબૉલ ટીમના 19 વર્ષના ખેલાડી ઝાકી અનવારીનું મોત પણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ અફઘાન ફૂટબૉલર કાબુલમાં અમેરિકી સૈન્ય વિમાનમાંથી પડી ગયો હતો. અફઘાનિસ્તાનની નૅશનલ ફૂટબૉલ ટીમે તેના મોત બાબતે ફેસબુક પેજ પર પુષ્ટિ કરી છે. ફેસબુક પેજ પર ઝાકી અનવરીનો ફોટો શૅર કરીને તેને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે તેનું મોત વિમાનમાંથી પડ્યા બાદ થયું હતું. ઝાકી અનવરી અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય યુવા ફૂટબૉલ ટીમનો ભાગ હતો.
ઉલ્લેખનીય છે કે ગત સોમવારે એટલે કે 16 ઑગસ્ટના રોજ કાબુલ પર તાલિબાનના કબજા બાદ હજારો લોકો પોતાનો જીવ બચાવવા કાબુલ ઍરપૉર્ટ પહોંચ્યા હતા અને અંધાધૂંધીમાં ઘણા લોકો ત્યાંથી ઊપડતા C-17 કાર્ગો પ્લેનમાં સવાર થયા હતા.