ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
04 નવેમ્બર 2020
ભારત અને નેપાળ વચ્ચે સબંધ સારા બનાવવા માટેના પ્રયાસ ઝડપી થઈ રહ્યા છે. સરહદ વિવાદ બાદ પહેલી વખત ભારતીય સેનાધ્યક્ષ એમ એમ નરવણે 4થી 6 નવેમ્બર વચ્ચે નેપાળ પ્રવાસે જશે. નેપાળ સેનાએ આ બાબતે કહ્યું કે તેમના પ્રવાસને નેપાળ સરકારે 3 ફેબ્રુઆરીએ જ મંજૂરી આપી દીધી હતી. પણ બંને દેશમાં કોરોનાના કારણે લોકડાઉન થતાં પ્રવાસ ટાળવામાં આવ્યો હતો.
નેપાળ-ભારતના સંબંધોમાં અચાનક સરહદી વિવાદના કારણે તંગદિલી આવી ગઈ હતી. એ દરમિયાન નેપાળે સરહદે સૈન્ય ચોકીઓ બનાવી હતી. નેપાળે રાજકીય નકશો જાહેર કરીને વિવાદ સર્જ્યો હતો. એ પછી હવે ફરીથી મામલો થાળે પાડવા માટે બંને દેશો કટિબદ્ધ થયા છે. ભારતના આર્મી વડા પોતાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન સાથે વાર્તાલાપ કરશે.
નવરણેની આ મુલાકાતથી ખૂબ જ ઊંડી આશા છે. આર્મીના વડાની નેપાળ મુલાકાત પછી બંને દેશોના વિદેશ સચિવ સ્તરનો સંવાદ ફરીથી શરૃ થાય એવી શક્યતા છે. બંને દેશો વચ્ચે વિદેશી સચિવ સ્તરનો સંવાદ પણ સીમા વિવાદ બાદ અટકી પડયો છે, પરંતુ નરવણેની મુલાકાત પછી ફરીથી એ સંવાદ માટે દરવાજા ખુલશે.
આ દરમિયાન, નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારી જનરલ નરવણેને નેપાળ આર્મીની માનદ ઉપાધિ આપશે. જેમાં નેપાળ સેનાના માનદ જનરલનો રેન્ક સોંપાશે. તે 1950 થી ચાલી રહેલી 70 વર્ષ જૂની પરંપરા છે. આ અંતર્ગત, બંને દેશો એક બીજાના લશ્કરી વડાઓને માન-સન્માન રેન્ક સોંપે છે.