ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 સપ્ટેમ્બર 2020
ચીન સાથે લદાખ સરહદે તણાવની સ્થિતિ સર્જાઈ છે. એવા સમયે 5 જણાનાં અપહરણનો મામલો સામે આવતા હડકંપ મચી ગયો છે. અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ એરિને કહ્યું કે 'પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા પાંચ લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. પાંચેય લોકો જ્યારે માછલી પકડવા ગયા હતા. ત્યારે ચીની આર્મી દ્વારા અપહરણ કરવામાં આવ્યા હતાં.
અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર સુબાનસિરી જિલ્લા હેઠળ આવેલા સેરા વિસ્તારમાંથી પાંચ લોકો તનુ બાકર, પ્રસત રીંગલિંગ, નાગરુ દીરી, ડોંગટુ ઇબીયા અને તોચ સિંગકમનું અપહરણ કરાયું હોવાનું જણાવાયું છે'. વધુમાં કહ્યું હતું કે 'લદાખ અને ડોકલામ બાદ ચીની સેનાએ અરુણાચલ પ્રદેશમાં પણ ઘુસણખોરી શરૂ કરી દીધી છે.'
એક તરફ ચીન વાતચીત કરી સમસ્યાનો ઉકેલ લાવવા નો ડોળ કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ કાલા ટોપ હિલ પર ઘુસણખોરી નિષ્ફળ જતા ફાયરિંગ કરવા સુધી પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે ચીને લદાખ સરહદે પેન્ગોન્ગ સરોવર નજીક જઈને ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ભારતીય લશ્કર સાથે અથડામણમાં પોતાના સૈનિકો ગુમાવ્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો હાથ ઊંચો રહ્યો હતો. મોસ્કોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન ની મીટિંગમાં હાજરી આપવા ગયેલા ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની મુલાકાતનો સમય માંગનારા ચીની સંરક્ષણ પ્રધાનને કડક શબ્દોમાં કહી દીધું છે કે 'પહેલાં ભારતની સરહદથી આઘા ખસો પછી વાતચીત કરીશું..'