ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
ભારતમાં કોરોના અને તેના વેરિયન્ટ ઓમીક્રોનના ફેલાવા બાદ પરિસ્થિતિ થોડી નિયંત્રણમાં આવી રહી છે. ઓમીક્રોનનો કેસમાં હળવો ઘટાડો જણાઈ રહ્યો છે. પરંતુ દુનિયાના અનેક દેશમાં દિવસેને દિવસે પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે.
કોવિડના નવા નવા વેરિઅન્ટ સતત આવી રહ્યા હોવાથી મુશ્કેલી વધી રહી છે. દુનિયાભરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 37.43 કરોડ થઇ ગઇ છે. જ્યારે કોરોનાનો કુલ મરણાંક 56.83 કરતાં વધી ગયો છે.
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહી છે ત્યારે યુરોપમાં ઓમીક્રોનનો ચેપ ઝડપે ફેલાઇ રહ્યો છે તો રશિયા અને ફ્રાન્સ કોરોનાના નવા હોટસ્પોટ બન્યા છે. રશિયામાં કોરોનાના નવા કેસની સંખ્યા અને મરણાંક સતત વધી રહ્યો છે.
સારા સમાચારઃ ભારતના નાગરિકોને મળશે હવે ઈ-પાસપોર્ટ, બજેટમાં કરવામાં આવી જાહેરાત; જાણો વિગત,
રશિયામાં છેલ્લા ઘણાં દિવસોથી કોરોનાના નવા કેસોની સરેરાશ સંખ્યા એક લાખ કરતાં વધારે રહી છે. એક જ દિવસમાં રશિયામાં કોરોનાના નવા 1,24,070 કેસો અને 621 જણાના મોત નોંધાયા હતા. એ અગાઉ રશિયામાં કોરોનાના 1,21,228 કેસો નોંધાયા હતા. રશિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 11,861,077 અને મરણાંકનો આંકડો 3,31,349 પર પહોંચી ગયો છે.
બીજી તરફ ફ્રાન્સમાં કોરોનાના નવા 2,49,448 કેસો નોંધાયા છે. ફ્રાન્સમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 19,058,073 થઇ છે જ્યારે મરણાંક 1,30,583 થયો છે. ન્યુઝીલેન્ડની વડાપ્રધાન જેસિન્ડા આર્ડેનને કોરોનાનો ચેપ લાગ્યો છે. તો ઇરાકના વિદેશ પ્રધાન ફવાદ હુસેનને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. ઇઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટે જણાવ્યું હતું કે ઇઝરાયલમાં ઓમીક્રોનના કેસ ઘટી રહ્યા છે પણ તેને કોરોના મહામારીનો અંત ગણવો મુર્ખામી ગણાશે. ઇઝરાયલમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 2,830,161 અને મરણાંક 8,725 થયો છે.