ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
રશિયા-યુક્રેન કટોકટી વચ્ચે યુક્રેનના ભારતીયોના જીવ ઉપર-નીચે થઈ ગયા છે. યુક્રેન અને રશિયા વચ્ચેનો વિવાદ અટકતો નથી. યુક્રેનની સરહદ પરથી રશિયન સૈનિકો હટી ગયા છતાં વાતાવરણ તંગ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ચેતવણી આપી છે કે રશિયા કોઈપણ સમયે યુક્રેન પર આક્રમણ કરી શકે છે. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે યુક્રેન રહેલા ભારતીયોની ચિંતા વધી ગઈ છે.
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોએ ભારત સરકાર પાસે મદદ માંગી છે. એક અંદાજ મુજબ યુક્રેનમાં 18,000થી વધુ ભારતીયો ફસાયેલા છે, જેમાં મેડિકલ એજ્યુકેશન માટે ગયેલા મોટાભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. યુક્રેનની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે અને ભારત સરકાર તેના પર નજર રાખી રહી હોવાનું કહેવાય છે.
યુક્રેનની પરિસ્થિતિને લઈને ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મીડિયા હાઉસને કહ્યું હતું કે,'અમે આ સમયે ખાતરીપૂર્વક કહી શકતા નથી કે યુક્રેન-રશિયા સરહદ પર બરાબર શું ચાલી રહ્યું છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન પછી કોઈપણ સૂચનાઓ જાહેર કરાશે. અત્યારે પણ ત્યાંના ભારતીયો માટે કેટલીક નોટિસ બહાર પાડવામાં આવી છે. પરંતુ હજુ પણ ભારતીયોને એરલીફ્ટ કરવા બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી.’
વિદેશ મંત્રાલયના કહેવા મુજબ યુક્રેનની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ત્યાં એક હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવ્યું છે. યુક્રેનમાં દૂતાવાસ સામાન્ય રીતે કાર્યરત હોવાનું પણ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓ દૂતાવાસના સંપર્કમાં હોવાનું પણ દૂતાવાસે કહ્યું હતું.