ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
હીરાનો ભાગેડુ વેપારી મેહુલ ચોકસી હવે એન્ટીગુઆથી પણ ગુલ થઈ ગયો છે. મેહુલ ચોકસી સોમવારે ડિનર કરવા માટે બહાર નીકળ્યો હતો અને ત્યાર બાદ તે લાપતા છે. સ્થાનિક મીડિયા હાઉસના અહેવાલ મુજબ તેની કાર મોડી સાંજે જૉલી હાર્બરમાંથી મળી આવી હતી, પરંતુ મેહુલ એમાં નહોતો.
મેહુલ ચોકસીના વકીલ વિજય અગ્રવાલે એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં દાવો કર્યો છે કે હવે એન્ટીગુઆ પોલીસે તેની શોધ શરૂ કરી દીધી છે. અગ્રવાલે એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં ઉમેર્યું હતું કે “મેહુલ ચોકસી ગાયબ છે. તેના પરિવારના સભ્યો તેની સુરક્ષાને લઈને ચિંતિત છે. પરિવારે મને ચર્ચા માટે બોલાવ્યો છે. એન્ટીગુઆ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.”
ઉલ્લેખનીય છે કે ૬૧ વર્ષનો મેહુલ ચોકસી રિટેલ આભૂષણનો વેપારી ગીતાંજલિ ગ્રુપનો માલિક છે. તેણે તેના ભાણિયા નીરવ મોદી સાથે ભેગા મળીને પંજાબ નૅશનલ બૅન્કના અધિકારીઓ સાથે કાવતરું ઘડી, પંજાબ નૅશનલ બૅન્કને ૧૪ હજાર કરોડનો ચૂનો લગાવ્યો હતો.