News Continuous Bureau | Mumbai
US Iran Conflict 2026 ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને પગલે મિડલ ઈસ્ટમાં ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ હતી. જોકે, સાઉદી અરેબિયા, કતાર અને ઓમાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ત્રણેય દેશોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમજાવવા માટે ‘છેલ્લી ઘડી સુધી કડો સંઘર્ષ’ કર્યો હતો. આ હસ્તક્ષેપ ત્યારે થયો જ્યારે અમેરિકાએ ઈરાનમાં પ્રદર્શનકારીઓ પર થઈ રહેલા દમનના વિરોધમાં લશ્કરી કાર્યવાહીની ચેતવણી આપી હતી. સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પને સમજાવવામાં આવ્યા હતા કે ઈરાન પર કોઈ પણ સૈન્ય હુમલો સમગ્ર વિસ્તારમાં ‘વિનાશક પરિણામો’ લાવી શકે છે. આ કૂટનીતિક મિશનને અધિકારીઓએ ‘બોમ્બને ડિફ્યુઝ કરવા જેવી અનિદ્રા ભરી રાત’ ગણાવી હતી.
અલ-ઉદેદ એરબેઝ અને યુદ્ધની તૈયારીઓ
તણાવ એટલી હદે વધી ગયો હતો કે કતાર સ્થિત મિડલ ઈસ્ટના સૌથી મોટા અમેરિકી સૈન્ય મથક ‘અલ-ઉદેદ’ પર સુરક્ષા એલર્ટ વધારી દેવામાં આવ્યું હતું. યુદ્ધની આશંકાએ કેટલાક અમેરિકી કર્મચારીઓને ત્યાંથી હટાવવાની સૂચના પણ અપાઈ હતી. જોકે, ખાડી દેશોએ વોશિંગ્ટન અને તેહરાન બંને સાથે સીધી વાત કરી હતી. ઈરાનને સ્પષ્ટ સંદેશ અપાયો હતો કે જો તેણે ખાડીમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો કર્યો, તો તેના પ્રાદેશિક દેશો સાથેના સંબંધો કાયમ માટે બગડી જશે.
ટ્રમ્પનું વલણ બદલાયું: ‘મહત્વના સૂત્રો’ તરફથી મળ્યું આશ્વાસન
સતત ધમકીઓ આપ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક નરમ વલણ અપનાવ્યું. ટ્રમ્પે જણાવ્યું કે તેમને ‘બીજી બાજુના અત્યંત મહત્વપૂર્ણ સૂત્રો’ દ્વારા એવું આશ્વાસન મળ્યું છે કે ઈરાન પ્રદર્શનકારીઓને ફાંસીની સજા નહીં આપે. આ ખાતરી બાદ અમેરિકાએ હાલ પૂરતો સૈન્ય વિકલ્પ પડતો મૂક્યો છે. ટ્રમ્પના આ નિર્ણયથી મિડલ ઈસ્ટમાં હાલ પૂરતી શાંતિ સ્થપાઈ છે.
આ સમાચાર પણ વાંચો : Nobel Peace Prize Rules: મચાડોએ ટ્રમ્પને આપ્યો પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર, શું આ એવોર્ડ કોઈ બીજાના નામે ટ્રાન્સફર થઈ શકે? જાણો શું કહે છે નિયમો.
શું ખતરો કાયમ માટે ટળી ગયો છે?
જોકે રાજદ્વારી સૂત્રોનું માનવું છે કે સ્થિતિ હજુ પણ નાજુક છે. સાઉદી અને ઓમાનના અધિકારીઓ સતત બંને દેશોના સંપર્કમાં છે જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય. કતારના એરબેઝ પર પણ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને સૈન્ય વિમાનો પાછા ફરી રહ્યા છે. ઈરાનને મળેલી આ ‘મોહલત’ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છબી સુધારવાની તક આપે છે કે કેમ તે જોવું રહ્યું.