News Continuous Bureau | Mumbai
India-Russia Oil Deal ભારત અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ફરી એકવાર તણાવ જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 500% જેટલો જંગી ટેરિફ (કર) લાદવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. આ પગલા દ્વારા અમેરિકા ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા દબાણ કરી રહ્યું છે. જોકે, ભારતે આ મામલે પોતાનું વલણ અત્યંત સ્પષ્ટ અને મક્કમ રાખ્યું છે.
ભારતના વિદેશ મંત્રાલયની પહેલી પ્રતિક્રિયા
અમેરિકાના આ પ્રસ્તાવિત બિલ પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારત આ પરિસ્થિતિ પર અત્યંત બારીકાઈથી નજર રાખી રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતની ઉર્જા વ્યૂહરચના બજારની સ્થિતિ અને દેશના 1.4 અબજ લોકો માટે સસ્તું ઈંધણ પૂરું પાડવાની જરૂરિયાત પર કેન્દ્રિત છે. ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે કોઈ પણ બાહ્ય દબાણમાં આવ્યા વગર પોતાના રાષ્ટ્રીય હિતમાં નિર્ણયો લેવાનું ચાલુ રાખશે.
શું છે ગ્રેહામ-બ્લુમેન્થલ પ્રતિબંધ બિલ?
રિપબ્લિકન સેનેટર લિંડસે ગ્રેહામ અને ડેમોક્રેટિક સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ બિલ રશિયન તેલ, ગેસ અને યુરેનિયમ ખરીદનારા દેશો પર 500% સુધીનો ટેરિફ લાદવાની સત્તા અમેરિકી વહીવટીતંત્રને આપે છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાની સૈન્ય કાર્યવાહી માટેના ભંડોળને રોકવાનો છે. અમેરિકા માને છે કે જો ભારત જેવા દેશો રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે તો પુતિનની યુદ્ધ મશીનરી નબળી પડી જશે.
આ સમાચાર પણ વાંચો : Venezuela Oil India: ભારત માટે ખુલી શકે છે વેનેઝુએલાના તેલના દ્વાર, ટ્રમ્પ પ્રશાસન મંજૂરી આપવા તૈયાર, પણ રાખવામાં આવી આ મોટી શરત!
ભારત પર આ ટેરિફની કેવી અસર થશે?
જો આ બિલ પસાર થઈ જાય અને ટ્રમ્પ પ્રશાસન તેનો અમલ કરે, તો રશિયન તેલ અથવા યુરેનિયમની આયાત પર ભારતને મળતી છૂટછાટો નાબૂદ થઈ શકે છે. હાલમાં ભારત પરના અમેરિકી ટેરિફ પહેલેથી જ ઊંચા છે, જે વધીને 500% સુધી પહોંચી શકે છે. જોકે, આ બિલમાં એવી પણ જોગવાઈ છે કે જો રાષ્ટ્રપતિને લાગે કે તે અમેરિકાના હિતમાં છે, તો તેઓ 180 દિવસ માટે આ ટેરિફમાંથી મુક્તિ આપી શકે છે. ભારત અત્યારે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટેડ તેલ મેળવી રહ્યું છે, જે તેની અર્થવ્યવસ્થા માટે કરોડરજ્જુ સમાન છે.