News Continuous Bureau | Mumbai
Iran Protest ઈરાનમાં મોંઘવારી અને પડી ભાંગેલા અર્થતંત્ર સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ હવે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. તેહરાન સહિત સમગ્ર ઈરાનમાં લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ આક્રોશને ડામવા માટે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામનેઈએ પ્રદર્શનકારીઓ પર સીધી ગોળીબાર કરવાનો આદેશ આપ્યો છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 217 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.
હોસ્પિટલના અહેવાલોએ દુનિયાને હચમચાવી દીધી
રાજધાની તેહરાનના એક સ્થાનિક ડોક્ટરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે શહેરની માત્ર છ હોસ્પિટલોમાં જ 217 પ્રદર્શનકારીઓના મોત નોંધાયા છે. મૃતકોમાં મોટાભાગના યુવાનો છે. ઉત્તરી તેહરાનમાં એક પોલીસ સ્ટેશન બહાર સુરક્ષા દળોએ મશીનગનથી અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં અનેક લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જોકે, હ્યુમન રાઈટ્સ એજન્સીઓ અત્યારે સાવચેતીપૂર્વક ઓળખાયેલા પીડિતોની સંખ્યા જણાવી રહી છે, પરંતુ વાસ્તવિક આંકડો ઘણો મોટો હોવાની આશંકા છે.
ટ્રમ્પની ચેતવણીને ઈરાને ફગાવી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા જ ચેતવણી આપી હતી કે જો ઈરાન સરકાર શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની હત્યા કરશે તો તેને ભારે પરિણામ ભોગવવા પડશે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું હતું કે, “અમે તૈયાર છીએ, અમે ઈરાનના લોકોને બચાવવા આવીશું.” આમ છતાં, ઈરાને દેશભરમાં ઇન્ટરનેટ અને ફોન કનેક્શન બંધ કરીને હિંસક કાર્યવાહી ચાલુ રાખી છે. ટ્રમ્પની ધમકી છતાં ખામનેઈએ પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો છે, જેનાથી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai demography change: સાવધાન! મુંબઈની ડેમોગ્રાફી બદલવાનું સુનિયોજિત કાવતરું? વિકાસ કે વોટબેંકની આંધળી દોટ?
‘ગોળી લાગે તો ફરિયાદ ન કરતા’ – સરકારની ક્રૂર ચેતવણી
ઈરાન સરકારે હવે પ્રદર્શનકારીઓને ફાંસીની સજા આપવાની પણ જાહેરાત કરી છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના એક અધિકારીએ સરકારી ટેલિવિઝન પર માતા-પિતાને ચેતવણી આપતા કહ્યું કે, “તમારા બાળકોને પ્રદર્શનોથી દૂર રાખો, જો ગોળી લાગી જાય તો પછી ફરિયાદ કરતા નહીં.” ઈરાનના 31 પ્રાંતોમાં આ પ્રદર્શન ફેલાઈ ચૂક્યું છે. ખામનેઈએ ટ્રમ્પ પર વળતો હુમલો કરતા કહ્યું કે ઈસ્લામિક ગણરાજ્ય ટ્રમ્પને ખુશ કરવા માંગતા ‘ઉપદ્રવીઓ’ સામે ક્યારેય ઝૂકશે નહીં.