ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઓક્ટોબર, 2021
રવિવાર
વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસની 'બ્લુ ઓરિજિન' કંપની 12મી ઓક્ટોબરના રોજ અવકાશમાં બીજી માનવીય ઉડાન ભરશે. તે પહેલાં કંપનીના 21 વરિષ્ઠ કર્મચારીઓએ જેફ બેઝોસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે બ્લુ ઓરિજિનનું વાતાવરણ ખૂબ જ ખરાબ છે. બેઝોસ સ્પેસએક્સના માલિક એલોન મસ્ક અને વર્જિન ગેલેક્ટીકના સ્થાપક રિચાર્ડ બ્રેન્સનને પાછળ છોડી દેવાની સ્પર્ધા કરી રહ્યા છે. આ કારણે તેઓ કર્મચારીઓને છોડીને માત્ર કંપનીને જ પ્રાધાન્ય આપે છે. કર્મચારીઓને તણાવમાં કામ કરવા મજબૂર કરે છે.
કંપનીના ભૂતપૂર્વ હેડ ઓફ એમ્પ્લોઇ કમ્યુનિકેશન એલેક્ઝાન્ડ્રાએ પણ આ મુદ્દો અગ્રણી રીતે ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું- 'સ્પેસ કંપનીમાં પુરુષોને પ્રાધાન્ય આપવામાં આવે છે. અહીં મહિલાઓ સુરક્ષિત નથી. મહિલા કર્મચારીઓ જાતીય સતામણીનો ભોગ બની રહી છે. મહિલાઓને 'બેબી ગર્લ', 'બેબી ડોલ' અથવા 'સ્વીટહાર્ટ' કહીને બોલાવવામાં આવે છે. કંપનીના ઉચ્ચ અધિકારીઓ મહિલા કર્મચારીઓને તેમની અંગત ક્ષણો વિશે પૂછે છે. એટલું જ નહિ બ્લુ ઓરિજિનના એક અધિકારીએ નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રીને કહ્યું કે તમારે મહિલાઓને બદલે મારી સલાહ લેવી જોઈએ, કારણ કે હું એક પુરુષ છું અને સ્ત્રીઓ કરતાં વધુ સારો અભિપ્રાય આપી શકું છું.
જોકે બ્લુ ઓરિજિનના પ્રવક્તાએ આ આરોપોને નકારતા કહ્યું હતું કે, 'એલેક્ઝાન્ડ્રાને બે વર્ષ પહેલાં કંપનીમાંથી કાઢી મૂકવામાં આવી છે. બ્લુ ઓરિજિનના કોઈ કર્મચારી સાથે ભેદભાવ કે સતામણીની કોઈ ઘટના બની નથી.'