ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 22 ડિસેમ્બર 2021
બુધવાર
બ્રિટનની પ્રથમ શીખ મહિલા સાંસદ પ્રીત કૌર ગિલને અમૃતસરના સુવર્ણ મંદિરમાં માર મારીને મારી નાખવામાં આવેલા એક વ્યક્તિ અંગે કરવામાં આવેલા ટિ્વટને લઈને સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે. ટ્વીટમાં ગિલે સુવર્ણ મંદિરમાં આ વ્યક્તિની હત્યા પાછળ એક ‘હિંદુ આતંકવાદી’નો હાથ હોવા તરફ ઈશારો કર્યો હતો.
ગત શનિવારના રોજ ‘અપવિત્ર’ કરવા માટે કથિત રીતે માર મારવામાં આવેલો આ વ્યક્તિ અંદરના ગર્ભગૃહમાં પ્રવેશ્યો હતો જ્યાં ગુરુ ગ્રંથ સાહિબ રાખવામાં આવ્યો હતો. ત્યાં હાજર લોકોએ તરત જ તે વ્યક્તિને પકડી લીધો અને પછી તેને કથિત રીતે માર મારવામાં આવતા વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બ્રિટિશ ઇમિગ્રેશન વકીલ હરજાપ ભંગાલના શનિવારે સુવર્ણ મંદિરમાં કથિત તોડફોડના વિડિયોનો જવાબ આપતા, લેબર સાંસદ ગિલ તેમના સંદેશ સાથે સંમત થયા હતા કે તે સ્પષ્ટપણે એક આતંકવાદી ઘટના હતી.
ગિલે જે ટ્વિટને ટીકા બાદ હટાવ્યું તેમાં કહેવામાં આવ્યું હતું કે હિંદુ આતંકવાદીને સ્વર્ણ મંદિરમાં શીખો વિરુદ્ધ હિંસાના કૃત્યથી રોકવામાં આવ્યો. લંડનમાં ભારતીય હાઇકમિશને પણ આ ટ્વિટને વખોડયું હતું. સોશિયલ મીડિયા પર પણ ઘણાં લોકોએ ગિલ પર આ મામલાને કોમવાદી રંગ આપવાનો આરોપ લગાવ્યો હતો.
બર્મિંગહામ એજબેસ્ટન સાંસદે સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કર્યા પછી ટિ્વટને ડીલીટ કરી નાખ્યું હતું. ત્યાર બાદ તેમણે પૂજા સ્થાનો વિશે વધુ સામાન્ય ટિપ્પણી કરી. પોતાના બીજા ટ્વીટમાં તેમણે કહ્યું, ‘કોઈ પણ પૂજા સ્થળ કે સમુદાયને આ રીતે નિશાન બનાવવું જોઈએ નહીં. હરમંદિર સાહિબમાંથી ભયાનક દ્રશ્યો જોવા મળ્યા છે.’ અમૃતસરની સ્થાનિક પોલીસનું કહેવું છે કે જ્યારે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો હતો અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.