ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઓક્ટોબર, 2021
રવિવાર
જાહોજલાલીનું જીવન જીવવાની ઘણાને ઈચ્છા હોય છે. રાતોરાત કરોડપતિ બનવાની ઝંખના પણ અનેક લોકોની હોય છે, પરંતુ આ સપનું બધાનું પૂર્ણ થતું નથી. સખત મહેનત કરવી પડે છે. જોકે ક્યારેક ભાગ્ય ચમકે અને વ્યક્તિને અચાનક કરોડપતિ પણ બનાવી શકે છે. આવું જ ઇંગ્લેન્ડની એક મહિલા સાથે થયું. આ મહિલા અને તેના પતિને 17 કરોડ રૂપિયાની લોટરી લાગી. છતાં દંભ કરવાને બદલે તેઓ પહેલાંની જેમ સાદું જીવન જીવી રહ્યા છે અને એ જ મામૂલી નોકરી કરી રહ્યા છે.
ઇંગ્લેન્ડના સાઉથ યોર્કશાયરમાં રહેતી 51 વર્ષની ટ્રીશ એમસન અને તેના પતિ ગ્રાહમ નોર્ટનને 17 કરોડની લોટરી લાગવાથી આશ્ચર્ય થયું હતું. વર્ષ 2003માં તેમણે એક લોટરી ટિકિટ ખરીદી હતી. જ્યારે તેના પરિણામ જાહેર થયા ત્યારે તેમના હોશ ઉડી ગયા, પરંતુ એમના પરિચિતોના હોશ તો આજે પણ ઊડી રહ્યા છે. કારણ કે ટ્રીશ અને તેના પતિ 18 વર્ષ બાદ પણ ધનવાન હોવાનો દેખાડો કરતા નથી. આ બંનેના નમ્ર સ્વભાવને કારણે ટ્રીશ આજે પણ એક સ્કૂલમાં બાળકોને ખાવાનું પહોંચાડવાનું કામ કરે છે અને તેના પતિ એક ડેકોરેટરનું કામ કરે છે.
એક મીડિયા સંસ્થા સાથે વાત કરતી વખતે આ દંપતીએ જણાવ્યું હતું કે, તેમણે તેમના 17 વર્ષના દીકરા બેન્જામિનને પણ પ્રાઇવેટ સ્કૂલમાં મોકલ્યો નથી. કારણ કે તેઓ રૂપિયા ઉડાવવા માગતા નથી. પોતાના બાળકને પૉકેટમની પણ આપતા નથી. જેથી તેમનું બાળક રૂપિયાની કિંમત સમજી શકે.
ટ્રીશ અને તેના પતિએ આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, ધનવાન થવાનો મતલબ એ નથી કે તમે સારા માણસ બની ગયા. તમારું વર્તન તમને સારી વ્યક્તિ બનાવે છે. અમને દેખાડો કરવો પસંદ નથી. વાસ્તવિકતામાં જીવવાનું પસંદ કરીએ છીએ.
આ દંપતીને લોટરી લાગી એના પાંચ વર્ષ પહેલાં તેઓ બાળક માટે ઝંખી રહ્યા હતા. ઘણી કોશિશ કર્યા બાદ પણ ટ્રીશ પ્રેગ્નેન્ટ થઈ નહીં. આ બન્નેના જણાવ્યા અનુસાર લોટરી લાગ્યા બાદ તેમનું નસીબ તો ખુલ્યું પણ કેટલાક મહિના બાદ તેને ખબર પડી કે તે પ્રેગ્નન્ટ છે. આ બન્ને સાધારણ જીવન જીવી રહ્યા છે અને હંમેશા સુપરમાર્કેટમાં શોપિંગ કરે છે, ફાલતુ ખર્ચ કરતા નથી.