ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ત્યાંના નાગરિકોમાં જ નહીં, પણ નેતાઓમાં પણ દહેશત જોવા મળી રહી છે. રાષ્ટ્રપતિ સહિતના સરકારના પ્રધાનો અફઘાનિસ્તાન છોડી અને બીજા દેશોમાં શરણ લઈ રહ્યા છે. આવામાં પૂર્વ અફઘાનના સંચારપ્રધાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે પિઝા ડિલિવરી કંપનીનો યુનિફૉર્મ પહેરીને ડિલિવરી માટે જતા જોવા મળી રહ્યા છે. સૈયદ અહમદ શાહ સઆદતે અફઘાનિસ્તાનમાં સંદેશાવ્યવહાર પ્રધાન સાથે અન્ય ઘણી મહત્ત્વની જગ્યાઓ સંભાળી છે. આવી સ્થિતિમાં આ રીતે પિઝા પહોંચાડતી તસવીરો સામે આવી એ દરેક માટે આઘાતજનક છે. જોકે સૈયદને પોતાને ડિલિવરી બૉય કહેવામાં કોઈ શરમ નથી.
પ્રાપ્ત જાણકારી મુજબ એક જર્મન પત્રકારે તેના સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ભૂતપૂર્વ અફઘાન સંચારપ્રધાનની તસવીર શૅર કરી છે. પત્રકારે ભૂતપૂર્વ પ્રધાન સાથે પણ વાત કરી હતી, જેમાં તેમણે અફઘાનિસ્તાન અને પોતાની સ્થિતિ વિશે જણાવ્યું હતું. સૈયદ અહેમદ શાહ સાદતે 2020 વર્ષના અંતમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને જર્મની જતા રહ્યા હતા. દેશ છોડ્યા પછી તેમણે થોડો સમય સારી રીતે વિતાવ્યો, પરંતુ પૈસા પૂરા થવા લાગ્યા ત્યારે તેમણે પિઝા ડિલિવરી બૉય તરીકે કામ શરૂ કર્યું. મીડિયા અહેવાલો અનુસાર સાદત હવે જર્મનીના લીફરાંદો નેટવર્ક માટે કામ કરી રહ્યા છે. તેઓ જર્મનીના લિપજિગ શહેરમાં સાઇકલ પર લોકોને પિઝા પહોંચાડવાનું કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે સાદત 2018માં અફઘાન સરકારમાં સંચારપ્રધાન બન્યા અને તાલિબાનના કબજાના થોડા સમય પહેલાં 2020માં તેમના પદ પરથી રાજીનામું આપ્યું. આ પહેલાં તેમણે 2005થી 2013 સુધી કૉમ્યુનિકેશન અને ઇન્ફૉર્મેશન ટેક્નોલૉજી પ્રધાનના મુખ્ય ટેક્નિકલ સલાહકાર સહિત અનેક મહત્ત્વના હોદ્દાઓ પર કામ કર્યું હતું. તેઓ 2016થી 2017 સુધી લંડનમાં એરિયાના ટેલિકૉમના CEO રહ્યા હતા.