ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
ભ્રષ્ટાચાર મુદ્દે ચોતરફથી આલોચનાનો સામનો કરી રહેલી પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બુધવારે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ ઈમરાન ખાન સાથે મુલાકાલ કરી હતી. આ મુલાકાત બાદ એવી અટકળો થઈ રહી છે કે, પાકિસ્તાની સેના એક વખત ફરીથી મોટું પગલું ભરી શકે છે. ઈમરાન ખાન અને બાજવા વચ્ચેની આ બેઠક પ્રધાનમંત્રીની ઑફિસમાં થઈ હતી. હકીકતમાં પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓ ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવામાં નિષ્ફળતાને લઈને ઈમરાન ખાન સરકારની સતત ટીકા કરી રહી છે. આ બેઠકને લઈને હજુ સુધી કોઈ ચોક્કસ વિગતો જણાવવામાં નથી આવી.
આ બેઠક ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારની વૃદ્ધિ બાદ થઈ છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં ભ્રષ્ટાચાર પર નજરના ૨૦૨૧ના રિપોર્ટમાં ૧૬ સ્થાન સરકીને ૧૪૦ ક્રમે આવી ગયું. રિપોર્ટ સામે આવ્યા બાદ પ્રધાનમંત્રી ઈમરાન ખાનના સલાહકાર શહઝાદ અકબરે સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. વિપક્ષી પાર્ટીઓએ અકબરના રાજીનામાં અને રિપોર્ટને ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવામાં ઈમરાન ખાનની નિષ્ફળતા ગણાવીને પ્રધાનમંત્રીના રાજીનામાંની માંગ કરી છે.
ઈમરાન ખાનની સરકાર પર દબાણ વધારવા માટે લગભગ એક ડઝન જેટલી વિરોધી પાર્ટીઓના ગઠબંધન, પાકિસ્તાની ડેમોક્રેટિક મૂવમેન્ટ એ ૨૩ માર્ચના રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. જેથી તેમને રાજીનામું આપવા અને નવેસરથી ચૂંટણી યોજવા માટે મજબૂર કરાવી શકાય. વિપક્ષના આરોપોનું ઈમરાન ખાને ખંડન કર્યું છે. આ સાથે જ ઈમરાન ખાને ચેતવણી પણ આપી છે કે, જો તેઓ સત્તા પરથી હટશે, તો સ્થિતિ વધારે ભયાવહ બનશે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની સેના જ સત્તાને પરોક્ષ રીતે ચલાવતી રહે છે. પાકિસ્તાન બન્યાના ૭૩ કરતાં વધુ વર્ષોમાં અડધાથી વધુ સમય સુધી ત્યાં સેનાનું જ શાસન રહ્યું છે. પાકિસ્તાનની સુરક્ષા અને વિદેશ નીતિમાં તેની સેનાનો વધારે હસ્તક્ષેપ રહે છે. આજ કારણ છે કે, વિપક્ષ દ્વારા ઘેરાયા બાદ સેના પ્રમુખે ઈમરાન ખાન સાથે બેઠક કરી છે.