ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 ઓક્ટોબર 2020
સરહદ પર જારી તણાવ વચ્ચે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે આગામી મહિને મુલાકાત થશે. કોવિડ કાળમાં આ મુલાકાત વર્ચ્યુઅલ હશે. સૂત્રો અનુસાર બંન્ને દેશના પ્રમુખ 17 નવેમ્બરે બ્રિક્સ સમિટમાં મળશે.. ત્યારબાદ 20-21 નવેમ્બરે જી-20 સમિટમાં પણ બંન્ને દેશોના વડાઓ આમને-સામને હશે, જેનું આયોજન સાઉદી અરબ કરી રહ્યું છે. ત્યારબાદ વધુ એક વાર એસસીઓ સમિટમાં પણ બંન્ને દેશના પ્રમુખ સામ-સામે થશે તેવી સંભાવના છે.
વિદેશ મંત્રાલયના અધિકારીઓ અનુસાર આ અલગ-અલગ દેશોનું સંગઠન છે અને આવી સમિટમાં બે પક્ષીય વાતચીત થવાની આશા ઓછી હોય છે. પરંતુ બંન્ને દેશના પ્રમુખ એક કાર્યક્રમમાં એક જ મંચ પર હોવાથી એક મોટો સંદેશ જઈ શકે છે અને પીએમ મોદી ઇશારામાં મંચ પરથી ચીનને પણ સંદેશ આપી શકે છે. પીએમ મોદી અત્યાર સુધી કૂટનીતિક સ્તર પર ચીનને કડક સંદેશ આપતા રહ્યાં છે અને તમામ મંચથી તેની વિસ્તારવાદી નીતિઓ પર આક્રમક પ્રહાર કરતા રહ્યાં છે. આ પહેલા બંન્ને દેશોના તણાવ વચ્ચે રક્ષામંત્રી અને વિદેશ મંત્રીઓની મુલાકાત થઈ ચુકી છે.
