ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
વિશ્વમાં કોરોનાકાળ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આજથી ૨૭ વર્ષ પહેલાં BBCએ યુનાઇટેડ કિંગડમ (UK)નાં સ્વર્ગસ્થ રાજકુમારી ડાયનાનો એક ઇન્ટરવ્યૂ કર્યો હતો. હવે તાજેતરમાં આવેલા એક રિપૉર્ટમાં કહેવાયું છે કે આ ઇન્ટરવ્યૂ લેવા માટે BBCના યોગ્ય માપદંડનો ઉપયોગ થયો નહોતો અને ખોટા દસ્તાવેજના સહારે આ ઇન્ટરવ્યૂ BBCના તત્કાલીન સંવાદદાતા માર્ટિન બશીરે મેળવ્યો હતો.
આ ઇન્ટરવ્યૂમાં પ્રથમ વખત કોઈ રાજઘરાનાની વ્યક્તિએ અંદરની વાતો જાહેરમાં કહી હતી. રાજકુમારી ડાયનાએ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેના પતિ પ્રિન્સ ચાર્લ્સનું કેમિલા પાર્કર-બાઉલ્સ સાથે અફેર છે, જેનાથી તે અસહજતા અનુભવે છે. પોતાનાં લગ્નમાં ત્રણ લોકો સામેલ હોવાની વાત પણ રાજકુમારીએ કરી હતી. આ ઇન્ટરવ્યૂ પ્રસારિત થતાં મોટો વિવાદ થયો હતો. એ બાદ મહારાણીએ રાજકુમાર ચાર્લ્સ અને રાજકુમારી ડાયનાને છૂટાછેડા લેવા માટે પત્ર પણ લખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજકુમારી ડાયનાનું એક કાર-ઍક્સિડન્ટમાં ૩૧ ઑગસ્ટ, ૧૯૯૭માં મૃત્ય થયું હતું. ત્યાર બાદ રાજકુમારીના ભાઈ અર્લ સ્પેન્સરે BBC પત્રકાર માર્ટિન બશીરે ડાયનાને ઇન્ટરવ્યૂ માટે રાજી કરવા ખોટા બૅન્ક સ્ટેટમેન્ટનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. વર્ષ ૨૦૨૦ દરમિયાન આ મામલે સ્વતંત્ર તપાસની માગ કરતાં સ્પેન્સરે એક મીડિયાને કહ્યું કે આ ઇન્ટરવ્યૂ મેળવવા માટે ‘બેઇમાની’ કરવામાં આવી હતી.
આ મામલે તપાસ થતાં હવે ખુલાસો થયો છે. નિવૃત્ત ન્યાયાધીશ લૉર્ડ ડાયસન, જે તપાસ ટીમના અધ્યક્ષ છે, તેમણે કહ્યું છે કે "ઇન્ટરવ્યૂ મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિઓ BBC દ્વારા ઓળખાયેલી અખંડિતતા અને પારદર્શિતાના ઉચ્ચ ધોરણોથી ઓછી છે."
BBCએ પણ ઇતિહાસમાં થયેલી આ ભૂલને સ્વીકારી છે અને માફી માગી છે.