ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑગસ્ટ, 2021
ગુરુવાર
અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રીય ઝંડાને લઈને ચાલી રહેલો વિવાદ આગળ વધી રહ્યો છે. અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર અસાદાબાદ શહેરમાં અફઘાન યુવાઓએ એક રૅલીમાં જ્યારે પોતાના દેશનો સત્તાવાર ધ્વજ ફરકાવ્યો તો તાલિબાની ભડકી ઊઠ્યા હતા. તાલિબાનીઓએ જનતા પર ગોળીબાર કર્યો, જેમાં અનેક લોકોનાં મોત થવાની માહિતી છે.
હકીકતમાં તાલિબાની આતંકી અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હવે દેશના રાષ્ટ્રીય ઝંડાને બદલવા ઇચ્છે છે, પરંતુ યુવાઓને એ મંજૂર નથી. તાલિબાનના સફેદ ઝંડાને યુવાનોએ નકારી દીધો છે. એનાથી બંને વચ્ચે અનેક શહેરોમાં ઘર્ષણ થયું છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે જલાલાબાદ શહેરમાં તાલિબાન અને અફઘાની જનતા વચ્ચે અથડામણ થઈ હતી. જલાલાબાદના નિવાસીઓએ એક મિનારા પર લાગેલા તાલિબાની ઝંડાને નીચે ઉતાર્યો અને એની જગ્યાએ અફઘાનિસ્તાનનો ઝંડો ફરકાવ્યો હતો. તાલિબાનને આ પસંદ આવ્યું નથી અને તેના આતંકીઓએ ગોળીઓ વરસાવી હતી. ઘણા યુવાઓએ મળી તાલિબાની ઝંડો ફાડી નાખ્યો એવી પણ માહિતી છે.