News Continuous Bureau | Mumbai
અફઘાનિસ્તાન પર તાલિબાનની સત્તા બાદ ત્યાં સતત વિવાદિત ફરમાન જારી થઈ રહ્યાં છે. નવા આદેશ પ્રમાણે સરકારે હવે કાબુલ યુનિવર્સિટી અને કાબુલ પોલિટેક્નિક યુનિવર્સિટીના યુવક-યુવતીઓના અભ્યાસ માટે અલગ-અલગ દિવસ નક્કી કરી દીધા છે. યુનિવર્સિટી સ્ટાફથી લઈને વિદ્યાર્થીઓએ સરકારના આ ર્નિણયનો વિરોધ કર્યો છે. ટોલો ન્યૂઝ પ્રમાણે યુનિવર્સિટીના લેક્ચરર મહદી અરેફીએ કહ્યુ કે, શિક્ષણ સંસ્થાઓમાં સરકારની દખલ પોઝિટિવ દિશામાં હોવી જોઈએ અને સરકારે નવી સુવિધાઓ સાથે નવી તક ઉપલબ્ધ કરાવવી જોઈએ. પરંતુ અહીં સરકાર તરફથી બિનજરૂરી દખલ કરવામાં આવી રહી છે. મોહમ્મદ રમીન નામના વિદ્યાર્થીએ કહ્યુ કે અત્યાર સુધી એક દિવસમાં ત્રણ વિષયોનો અભ્યાસ કરીએ છીએ પરંતુ નવા કાર્યક્રમ એક દિવસમાં છ વિષયોનો અભ્યાસ કરવો પડશે.
આ સમાચાર પણ વાંચો :ચેતીને રહેજો. મેક્સિકોમાં ૬ વર્ષના બાળકે એનર્જી ડ્રિંક પીતા હાર્ટ એટેક આવ્યો – મૃત્યુ થયું.
તે માટે વધુ સમય અને વધુ મહેનત કરવી પડશે, જે વિદ્યાર્થીઓની ક્ષમતાથી બહારની વાત છે. સોશિયલ મીડિયા પર સરકારના આ ર્નિણયનો વિરોધ થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે નવા ફરમાનથી તેની સામે આર્થિક સંકટ ઉભુ થઈ જશે. ઉચ્ચ શિક્ષણ મંત્રાલય તરફથી જારી નવા ટાઇમટેબલના આધાર પર સપ્તાહના ત્રણ દિવસ યુવતીઓએ યુનિવર્સિટી જવું પડશે, જ્યારે બાકીના ત્રણ દિવસ યુવકો જશે. આ ટાઇમટેબલ હાલ બે યુનિવર્સિટી માટે બનાવવામાં આવ્યું છે અને તે મેમાં લાગૂ થશે. આ પહેલા તાલિબાને યુનિવર્સિટીમાં યુવક-યુવતીઓને સાથે અભ્યાસ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને યુવતીઓને સવારના ક્લાસમાં બેસવાની મંજૂરી હતી, જ્યારે યુવકોને સાંજના મંજૂરી આપવામાં આવી હતી. આ ફરમાન ત્યારે આવ્યું છે જ્યારે અફઘાનિસ્તાનમાં વિદ્યાર્થિનીઓ માટે માધ્યમિક વિદ્યાલય ફરીથી ખુલવા લાગી છે.