ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
વિશ્વમાં કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિ વચ્ચે એક નવો વિવાદ સર્જાયો છે. બેલારુસના તાનાશાહ પ્રમુખ એલેક્ઝેન્ડર લુકાશેંકોના આદેશ પર એક વિમાનને હાઈજૅક કરી એમાં પ્રવાસ કરી રહેલા એક પત્રકાર અને તેની ગર્લફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાને યુરોપિયન યુનિયને આતંકવાદી ઘટના ગણાવી છે.
હકીકતે રયાન ઍરનું એક વિમાન યુનાનથી લિથુઆનિયા જઈ રહ્યું હતું. આ દરમિયાન જ્યારે એ બેલારુસના હવાઈક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ત્યાંના તાનાશાહ લુકાશેંકોના આદેશથી એક ફાઇટર જેટ મિગ-૨૯ મોકલવામાં આવ્યું હતું અને વિમાનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી, બેલારુસની રાજધાની મિંસ્કના ઍરપૉર્ટ તરફ ડાયવર્ટ કરાવ્યું હતું. ત્યાર બાદ પત્રકાર રોમન પ્રોટસેવિચ અને તેની ગર્લફ્રેન્ડ સોફિયાની ધરપકડ કરવામાં આવી હતી. યુરોપિયન યુનિયનના ૨૭ દેશોએ બેલારુસની ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને પોતાની તમામ ઍરલાઇન્સને બેલારુસ પરથી ઉડાન નહીં ભરવાની તાકીદ કરી છે.
ભાગેડુ મેહુલ ચોકસી એન્ટીગુઆથી પણ ગુલ થઈ ગયો; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે રોમન પ્રોટસેવિચ એક ટીવી ચૅનલનો પત્રકાર છે. તેણે ૨૦૧૯માં લિથુઆનિયામાં શરણ લીધું હતું અને બેલારુસમાં ૨૦૨૦માં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીઓનું કવરેજ કર્યું હતું. ત્યાર બાદ તેના પર આતંકવાદ અને હિંસા ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હવે તેની ધરપકડ કરી છે અને તેને ૧૫ વર્ષની સજા થવાની શક્યતા છે.