News Continuous Bureau | Mumbai
Iran Israel War| પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો ભીષણ ઈરાન યુદ્ધ હવે એક નવો વળાંક લઈ રહ્યો છે. જે જંગની શરૂઆત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સંયુક્ત રીતે કરી હતી, હવે તે જ મુદ્દે બંને મિત્ર દેશોના નેતાઓ વચ્ચેના રસ્તા અલગ થતા જોવા મળી રહ્યા છે. વ્હાઇટ હાઉસના સત્તાવાર સૂત્રો અને આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ આ ક્ષેત્રમાં વહેલી તકે યુદ્ધવિરામ ઈચ્છે છે, પરંતુ ઈઝરાયેલ પોતાની સૈન્ય કાર્યવાહી રોકવાના મૂડમાં નથી. હાલમાં જ ટ્રમ્પની ચેતવણીને અવગણીને ઈઝરાયેલે લેબેનાનની રાજધાની બેરૂત પર બોમ્બમારો કર્યો, જેના વળતા પ્રહારમાં ઈરાને પણ ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિલાઈલો દાગી દીધી છે. આ ઘટનાક્રમ બાદ બંને નેતાઓની અલગઅલગ રાજકીય મજબૂરીઓ પર ચર્ચા તેજ બની છે.
Iran Israel War| ડોનાલ્ડ ટ્રમ્પ પર આંતરિક રાજકીય અને આર્થિક દબાણ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સમયે પોતાની સ્થાનિક રાજનીતિમાં ભારે દબાણનો સામનો કરી રહ્યા છે. અમેરિકામાં આગામી સમયમાં રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી જનતા સમક્ષ મોંઘવારી મુક્ત અમેરિકાનો વાયદો કરી ચૂક્યા છે. ટ્રમ્પ ઈચ્છે છે કે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાય જેથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવો કાબૂમાં આવી શકે. ખાસ કરીને તે હોર્મુઝની સામુદ્રધુનીને આંતરરાષ્ટ્રીય વેપાર માટે સંપૂર્ણપણે ખુલ્લી કરાવવા માંગે છે, જેથી ઈંધણની કિંમતો સસ્તી થાય અને અમેરિકી મતદારોને આર્થિક રાહત આપી શકાય. ઈરાન પણ આ જ શરતે વાટાઘાટો કરવા તૈયાર છે કે લેબેનાન અને હિઝબુલ્લાહ વિરુદ્ધના હુમલા તાત્કાલિક બંધ કરવામાં આવે, જે ટ્રમ્પ માટે પ્રાથમિકતા બની ગઈ છે.
Iran Israel War| સત્તા બચાવવા માટે નેતન્યાહૂની આરપારની લડાઈ
બીજી તરફ, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની મજબૂરીઓ ટ્રમ્પ કરતા સાવ વિપરીત છે. નેતન્યાહૂ પણ પોતાના દેશમાં ટૂંક સમયમાં ચૂંટણીનો સામનો કરવા જઈ રહ્યા છે અને તેમના પર ઇઝરાયેલી જનતાનું ભારે દબાણ છે. ઈઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા અને હિઝબુલ્લાહના રોકેટ હુમલાઓને કાયમ માટે અટકાવવા તે તેમના માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે. નેતન્યાહૂ પોતાની નબળી પડતી રાજકીય સ્થિતિને મજબૂત કરવા માટે જનતા સામે એ સાબિત કરવા માંગે છે કે તેઓ ઈરાન સમર્થિત સંગઠનો સામે સંપૂર્ણ વિજય મેળવી રહ્યા છે. આ જ કારણે તેઓ ટ્રમ્પની નસીહતને બાજુ પર મૂકીને પોતાની મરજી મુજબ આક્રમક સૈન્ય નિર્ણયો લઈ રહ્યા છે.
Iran Israel War| અમેરિકા સાથે સંબંધો જાળવવાનો અને ઝૂકવું ન દેખાડવાનો પડકાર
નેતન્યાહૂ સામે સૌથી મોટો રાજકીય પડકાર એ છે કે તેઓ ઈઝરાયેલના સૌથી મોટા સંરક્ષણ અને આર્થિક મદદગાર દેશ અમેરિકા સાથેના સંબંધો પણ બગાડવા માંગતા નથી. જોકે, સાથે-સાથે તેઓ ઈઝરાયેલની જનતા અને કટ્ટરપંથી સાથી પક્ષો સામે એવું પણ દેખાડવા નથી માંગતા કે તેઓ મહાસત્તા અમેરિકાના દબાણ હેઠળ ઝૂકી ગયા છે. ટ્રમ્પે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કહ્યું હતું કે ઈઝરાયેલે અમેરિકાની શાંતિ યોજનાનો સ્વીકાર કરવો જ પડશે, પરંતુ નેતન્યાહૂ અત્યારે બેરૂતમાં સૈન્ય કાર્યવાહી ચાલુ રાખીને અમેરિકા અને ઈરાન વચ્ચેની સંભવિત ડીલને આડકતરી રીતે પડકારી રહ્યા છે. આ પરસ્પર વિરોધી હિતોના કારણે જ હાલમાં બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે ભારે તણાવ જોવા મળી રહ્યો છે.
👉 આ સમાચાર વાચો:
Today’s Horoscope : આજનો દિવસ:૯ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ