ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
27 ઓક્ટોબર 2020
કોરોના વાયરસ રસીની આતુરતાથી રાહ જોતા વિશ્વ માટે એક સારા સમાચાર છે. અહીં હોસ્પિટલોને કોરોના વાયરસના રસીકરણ માટેની તૈયારીઓ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, હોસ્પિટલોને કહેવામાં આવ્યું છે કે, ટુંક સમયમાં તેઓને ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોરોના વાયરસ રસીનો પ્રથમ બેચ સોંપવામાં આવશે. બ્રિટિશ મીડિયાના એક અહેવાલ મુજબ લંડનની મોટી હોસ્પિટલને વેક્સીન રિસીવ કરવાની તૈયારી કરવાનું કહેવામાં આવ્યું છે. હોસ્પિટલમાં ઑક્સફર્ડ રસીનો પહેલો જથ્થો પૂરો પાડવાની યોજના છે. રિપોર્ટ અનુસાર રસી 2 નવેમ્બરથી રોલઆઉટ કરવાની તૈયારી છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે યુકેની હોસ્પિટલમાં તમામ ક્લિનિકલ ટ્રાયલ બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ ડોકટર્સ, નર્સીસ અને અન્ય ફ્રન્ટલાઈન સ્ટાફ તૈયાર થતાં જ હવે રસી આપવાની તૈયારી છે. જો કે, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કિલનિકલ ટ્રાયલમાં ‘સલામત’ અને ‘અસરકારક’ સાબિત થશે તો જ રસી તૈનાત કરવામાં આવશે. એસ્ટ્રાઝેનેકાએ સીરમ ઇન્સિટ્યુટની સાથે એક અબજ ડોઝની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ 100 કરોડ રસી ઓછી અને મધ્યમ આવકવાળા દેશોને આપવામાં આવશે. આ સિવાય એસ્ટ્રાઝેનેકાએ ‘કોઅલિશન ફોર એપીડેમિક પ્રિપેયર્ડનેસ ઇનોવેશન’ (CEPI) અને Gavi પાસેથી પણ 30 કરોડ ડોઝ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. SII વિશ્વની 60 ટકા રસી તૈયાર કરે છે અને Gavi પણ વિવિધ પ્રકારની રસીઓનો મુખ્ય ઉત્પાદક છે. આવી સ્થિતિમાં જો યુકેમાં આ રસી રોલઆઉટ થાય છે તો તેની ભારત પહોંચવાની સંભાવના પણ વધી જશે. જો કે સ્થાનિક સ્તરે આ રસીને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI)ની મંજૂરી લેવી પડશે.
ઓક્સફોર્ડની રસીને લઈને વધુ એક સારા સમાચાર એ છે કે તાજા રિપોર્ટમાં 18 થી 55 વર્ષની વયના લોકોમાં જેટલી રસી અસરદાર રહી છે તેટલી જ વૃદ્ધો પર પણ રસી અસરદાર રહી હોવાનું જાણવા મળ્યું છે. આખી દુનિયાની નજર આ રસી પર છે.
