News Continuous Bureau | Mumbai
Israel Hamas War: હમાસ-ઈઝરાયેલ (Israel Hamas War) વચ્ચે શરૂ થયેલું યુદ્ધ એક પખવાડિયા પછી પણ ચાલુ છે અને તેનો ક્યારે અંત આવશે તે કહી શકાય તેમ નથી. આવી પરિસ્થિતિમાં ઈઝરાયેલ સામે યુદ્ધના એક પછી એક નવા મોરચા ખૂલી રહ્યા છે. ઈઝરાયેલ પર આ હુમલાઓ વચ્ચે દુનિયા બે ભાગમાં વહેંચાઈ રહી છે. અમેરિકાએ (America) ખુલ્લેઆમ ઈઝારેયલનું સમર્થન કર્યું છે જ્યારે હવે હમાસે(HAmas) રશિયા (Russia) નો સંપર્ક કર્યો છે. ઈઝરાયેલની મદદ માટે અમેરિકાએ ભૂમધ્ય સાગરમાં બે યુદ્ધ જહાજ ઉતાર્યા છે ત્યારે રશિયાએ કાળા સમુદ્રમાં વિનાશક મિસાઈલોથી સજ્જ ફાઈટર વિમાન તૈનાત કર્યા છે. આમ હાલ દુનિયા મહાયુદ્ધની કગાર પર ઊભી હોવાની આશંકા સેવાઈ રહી છે.
દક્ષિણ ઈઝરાયેલમાં ૭ ઑક્ટોબરે હમાસના આતંકી હુમલા પછી છેલ્લા બે સપ્તાહમાં લેબેનોનમાંથી હિઝબુલ્લાના આતંકીઓએ ઉત્તરીય ઈઝરાયેલમાં આક્રમણ શરૂ કર્યું છે. આટલું ઓછું હોય તેમ હવે યમનમાંથી બળવાખોરો પણ ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલા કરી રહ્યા છે. જોકે, બળવાખોરોના હુમલાને અમેરિકાના નૌકાદળે નિષ્ફળ બનાવ્યા હતા.
બીજીબાજુ ઈઝરાયેલે અચાનક ગુરુવારે મોડી રાતે ગાઝા(GAza) પર હુમલા વધારતા ૧૦૦ બોમ્બ ફેંક્યા હતા, જેમાં એક ચર્ચનો નાશ થઈ ગયો હતો. વધુમાં ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાંથી આતંકી સંગઠન હમાસના ખાત્માની તૈયારી કરી લીધી છે અને તે કોઈપણ સમયે ગાઝામાં જમીની આક્રમણ કરે તેવી સંભાવના છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે ગાઝા સરહદે સૈનિકોની મુલાકાત લીધી હતી. બીજીબાજુ સંરક્ષણ મંત્રી ગેલેન્ટે ગાઝા સરહદે સૈનિકોને કહ્યું હતું કે, જેણે પણ ગાઝા બહારથી જ જોયું છે તેઓ હવે ગાઝાને અંદરથી જોવા તૈયાર રહો. આપણે હમાસનું નામોનિશાન મીટાવી દઈશું. શક્ય છે તેને એક સપ્તાહ, એક મહિનો અથવા બે મહિના લાગે. જોેકે, આ સાથે ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે ગાઝા પટ્ટી પર કબજો કરવાનો તેનો કોઈ આશય નથી. તે માત્ર હમાસનો ખાત્મો જ કરવા માગે છે.
ઈઝરાયેલના સતત હુમલાથી ઈસ્લામિક દેશોમાં પણ આક્રોશ…
ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના સતત હુમલાથી ઈસ્લામિક દેશોમાં પણ આક્રોશ ફેલાયેલો છે. દુનિયાભરના ૫૭ ઈસ્લામિક દેશોએ ઈઝરાયેલ વિરુદ્ધ જૂથ બનાવ્યું છે અને તેઓ ઈઝરાયેલ પર ગાઝા પર હુમલા રોકવા દબાણ વધારી રહ્યા છે. પરંતુ ઈઝરાયેલ આ દબાણને શરણે થવા તૈયાર નથી. આ પરિસ્થિતિમાં ઈઝરાયેલ અને હમાસનું યુદ્ધ વિસ્તરી રહ્યું છે.
દક્ષિણ ઈઝરાયેલમાં હમાસ સાથે યુદ્ધ વચ્ચે ઉત્તરીય ઈઝરાયેલમાં લેબેનોન સાથે સંઘર્ષ વધતા ઈઝરાયેલે ૨૦,૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડીને તે વિસ્તાર ખાલી કરાવી દીધો છે. આમ, હમાસના સમર્થનમાં હિઝબુલ્લાહ ઈઝરાયેલ પર હુમલા કરી રહ્યું છે. આવા સમયે યમનમાંથી હુથી બળવાખોરોએ ઈઝરાયેલ પર ક્રૂઝ મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા હતા. પરંતુ ભૂ-મધ્ય સમુદ્રમાં રહેલા અમેરિકન નેવીના યુદ્ધ જહાજે આ હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. પેન્ટાગોનના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ પેટ્રિક રાઈડરે કહ્યું કે, યુએસએસ કાર્ની ઉત્તરીય લાલ સાગરમાં ગોઠવાયેલું છે. તેણે હુથી બળવાખોરોએ લોન્ચ કરેલા ત્રણ લેન્ડ એટેક ક્રુઝ મિસાઈલ અને અનેક ડ્રોન તોડી પાડયા છે. ઈ
ઝરાયેલ અને હમાસનું યુદ્ધ વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે તેનું જોખમ એ બાબત પરથી સમજી શકાય છે કે ઈઝરાયેલની મદદ માટે ભૂમધ્ય સાગરમાં અમેરિકાના બે યુદ્ધ જહાજો ગોઠવાયા છે. બીજીબાજુ આ જહાજોનો સામનો કરવા માટે રશિયાએ કાળા સમુદ્રમાં સૌથી ઘાતક કિંજલ મિસાઈલ અને એટમ બોમ્બથી સજ્જ ફાઈટર વિમાનો ગોઠવ્યા છે. આમ, ભૂમધ્ય સમુદ્ર અને કાળા સમુદ્રની વચ્ચે ગાઝા અને ઈઝરાયેલનું યુદ્ધ ક્ષેત્ર છે, જેમાં હવે અમેરિકા અને રશિયા સીધી રીતે આમને-સામને આવી ગયા છે.
આ સમાચાર પણ વાંચો : Namo Bharat : પ્રધાનમંત્રી પ્રાદેશિક રેપિડ ટ્રેન નમો ભારતમાં મુસાફરી કરી..
હમાસના આતંકીઓએ ડ્રગ્સનો હેવી ડોઝ લીધા પછી ઘૂસણખોરી કરી…
હમાસના આતંકીઓએ ૭ ઑક્ટોબરે ઈઝરાયેલ પર અચાનક કરેલા હુમલા અને દક્ષિણ ઈઝરાયેલમાં ઘૂસણખોરી અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
હમાસના આતંકીઓએ ડ્રગ્સનો હેવી ડોઝ લીધા પછી ઘૂસણખોરી કરીને ભારે કત્લેઆમ મચાવી હતી. ધ જેરુસલેમ પોસ્ટના રિપોર્ટ મુજબ હમાસના આતંકીઓએ કેપ્ટાગન નામની ગોળીઓ ખાઈને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. સિન્થેટિક ડ્રગ કેપ્ટાગનને ‘ગરીબોનું કોકેન’ કહેવાય છે. આ ટેબ્લેટથી હમાસના આતંકીઓને લાંબા સમય સુધી ભૂખ લાગી નહીં અને તેઓ સાવધ પણ રહ્યા હતા.