News Continuous Bureau | Mumbai
Garvi Gurjari :
- ગુજરાત સરકારના પ્રયત્નોથી હાથ બનાવટની વસ્તુઓ તરફ લોકોનો ઝોક વધ્યો, રાજ્યના 8 હજારથી વધુ કારીગરોને થઈ રૂ. 20.89 કરોડની કમાણી
- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ મંત્રને આગળ વધારતી ગુજરાત સરકાર, ‘ગરવી ગુર્જરી’ થકી દેશ-વિદેશમાં પહોંચ્યા રાજ્યના હસ્તકલા-હાથશાળ ઉત્પાદનો
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને અનુસરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર અનેક પરંપરાગત વારસાઓનું સંરક્ષણ સુનિશ્ચિત કરી રહી છે. આવો જ એક વારસો છે- ગુજરાતનો ભવ્ય અને ભાતીગળ હાથશાળ-હસ્તકલાનો પરંપરાગત વારસો, કે જેનો વેલો રાજ્ય સરકારના સકારાત્મક વલણને પગલે સતત વધી રહ્યો છે.
રાજ્યની હસ્તકલા અને હાથશાળની સમગ્ર દેશ અને વિશ્વમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા, તેને ટકાવી રાખવા અને તેના વિકાસના મુખ્ય ઉદ્દેશ સાથે કાર્યરત ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ (જીએસએચએચડીસી) છેલ્લા 52 વર્ષથી ગુજરાતના આ પરંપરાગત વારસાના વેલાને સતત સિંચી રહ્યું છે. જીએસએચએચડીસીના ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ થકી રાજ્યમાં ગ્રામ્ય કક્ષાના પરંપરાગત કલા-કારીગરીના વ્યવસાય ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. ‘ગરવી-ગુર્જરી’ હાથશાળ-હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરતા દૂરસુદૂર ગામોના હજારો કારીગરોના કલા-કસબ તથા પરિશ્રમને લોકો સુધી પહોંચાડે છે અને તેમના ઉત્પાદનોના વેચાણમાં વધારો કરવાના સતત પ્રયત્નો કરે છે.
ગરવી-ગુર્જરીના વિક્રમી વેચાણ પર નજર નાખીએ તો, વર્ષ 2023-24માં છેલ્લાં 50 વર્ષનાં ઇતિહાસમાં સૌથી મહત્તમ એટલે કે રૂ. 25 કરોડથી વધુના ઉત્પાદનોનું વેચાણ થયું હતું. તો આ વર્ષે એટલે કે 2024-25માં તો ગરવી ગુર્જરીએ ગત વર્ષનો રેકોર્ડ તોડીને અંદાજીત રૂ. 31.70 કરોડનું વેચાણ હાંસલ કર્યું છે.
Garvi Gurjari : નિગમનું મિશન કારીગરો માટે બન્યું વરદાન
ઉલ્લેખનીય છે કે, નિગમ સાથે રાજ્યના આશરે 8000 કરતા પણ વધારે કારીગરો જોડાયેલા છે. નિગમે આ કારીગરોના રૂ. 20.89 કરોડના ઉત્પાદનોની ખરીદી કરી હતી. આમ, નિગમનું વારસાના આ વેલાનું સિંચન કરવાનું મિશન કારીગરો માટે વરદાન બન્યું છે. નિગમે આ ઉત્પાદનોની ખરીદી કરી પોતાના રાજ્ય અને રાજ્યની બહાર આવેલ વેચાણ કેન્દ્રો થકી રૂ. 14.46 કરોડના ઉત્પાદનોનું વેચાણ કર્યું છે. એટલું જ નહીં, નિગમે કારીગરોને ઓપન માર્કેટ મળી રહે, તે માટે રાજ્ય અને રાજ્ય બહાર વિવિધ સ્થળોએ મેળા-પ્રદર્શનોનું માસવાર અસરકારક આયોજન કરી રૂ. 17.24 કરોડથી વધુના ઉત્પાદનોનું વેચાણ લક્ષ્ય હાંસલ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : INS Surat Warship: ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’ હજીરાના દરિયાકાંઠે આવી પહોંચ્યું
આ ઐતિહાસિક સિદ્ધિ અંગે નિગમના મેનેજિંગ ડિરેકટર ડૉ. પ્રશાંત જિલોવાએ જણાવ્યું હતું કે, “અમને આ માઇલસ્ટોન પર ખૂબ જ ગર્વ છે કે જે અમારી ટીમના સમર્પણ અને સખત મહેનત, સરકારની સતત સહાય અને અમારા કારીગરોની અજોડ કારીગરીનો પુરાવો છે. અમે આ નોંધપાત્ર સફળતાની ઉજવણી કરીએ છીએ, ત્યારે સ્થાનિક કારીગરોને સશક્ત બનાવવા અને ટકાઉ આજીવિકા વધારવાની સાથે સાથે ગુજરાતના સમૃદ્ધ હાથશાળ અને હસ્તકલા વારસાને જાળવવાના અમારા મિશન માટે અમે પ્રતિબદ્ધ છીએ.”
Garvi Gurjari : વારસા સંરક્ષણમાં રાજ્ય સરકારનો સંપૂર્ણ સહકાર
જીએસએચએચડીસી રાજ્યના પરંપરાગત વારસાના સંરક્ષણની સાથે રાષ્ટ્ર તેમજ રાષ્ટ્રીય એકતા પ્રત્યે સમર્પણ ભાવ પણ ધરાવે છે. સરકારી ખરીદદારો દ્વારા આપવામાં આવતું અમૂલ્ય સમર્થન વેચાણને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે નિમિત્ત બની રહ્યું છે. સરકારે વન ડિસ્ટ્રિકટ વન પ્રોડક્ટ (ઓડીઓપી) અને વોકલ ફોર લોકલ જેવી પહેલો દ્વારા પરંપરાગત હસ્તકલાને જાળવવામાં મહત્વની ઓળખ ઊભી કરવામાં અને હેન્ડલૂમ ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને બજાર હાજરીને નોંધપાત્ર રીતે વેગ આપ્યો છે. આ ઉપરાંત, નિગમ દ્વારા સ્વર્ણિમ સંકુલ-1, ગુજરાત સ્ટેટ ઇલેકટ્રોનીક મિશન (GSEM), ગુજરાત મેડીકલ સર્વિસ કોર્પોરેશન (GMSCL), કમિશ્નર હાયર એજયુકેશન ઑફ ગુજરાતની કચેરીમાં ગુજરાતની હાથશાળ અને હસ્તકલાની વિવિધ કલાકૃતિઓની સુશોભનની કામગીરી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યની હસ્તકલાની વિરાસત ઘરચોળા કલાને જી.આઇ. ટેગ મળેલ છે. નિગમના ગરવી ગુર્જરીના વેચાણ કેન્દ્રો ખાતે ઘરચોળાનું વિપુલ પ્રમાણમાં વેચાણ થઇ રહેલ છે.
Garvi Gurjari : નવા શોરૂમ અને પ્રદર્શનો દ્વારા ગરવી ગુર્જરી રાજ્યની હસ્તકલા-હાથશાળને આપી રહ્યું છે પ્રોત્સાહન
રાજ્યની હસ્તકલા-હાથશાળને વધુ પ્રોત્સાહન આપતાં નિગમ દ્વારા (1) સ્મૃતિવન, ભુજ (2) દાંડી કુટિર, ગાંધીનગર (3) નડાબેટ (4) શાળઘર ચોરણીયા લીંબડી (5) સાળંગપુર ખાતે ગરવી ગુર્જરીના નવા શોરૂમ ચાલુ કરવામાં આવ્યા છે. આ સાથે જ આ વર્ષે ગરવી ગુર્જરીએ વિવિધ જગ્યાએ પ્રદર્શનો દ્વારા દેશભરના ખરીદદારોને ઉત્કૃષ્ટ અનુભવ પૂરો પાડયો હતો. આ વર્ષે ગુજરાત ઉપરાંત, મુંબઈ, પુણે, દિલ્હી, કોલકાતા, લખનૌ, અમૃતસર, ફરીદાબાદ(હરિયાણા), મૈસુર, ચંદીગઢ જેવા મહત્વના શહેરોમાં સૌથી વધુ પ્રદર્શનો જોવા મળ્યા હતા.
Garvi Gurjari : કારીગરોને તાલીમ, નવીન ડિઝાઇન
અત્રે ઉલ્લેખનીય છે કે, કારીગરોના સશક્તિકરણ અને ઉત્પાદનની ગુણવત્તા વધારવામાં કૌશલ્ય વિકાસના મહત્વને ઓળખીને, ગરવી ગુર્જરીએ ડિઝાઇન તાલીમ માટે NIFT સાથે MOU કર્યા છે. ઉપરાંત, NID તરફથી કૌશલ્ય તાલીમ વર્કશોપનું આયોજન, અને NIFT દ્વારા પ્રશિક્ષિત માસ્ટર કારીગરોએ તાલીમની ગુણવત્તામાં સુધારો કર્યો છે. આ પહેલોએ કારીગરોને ઉચ્ચ ગુણવત્તાની હેન્ડલૂમ પ્રોડક્ટ્સ બનાવવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કર્યા છે, જે ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
