2.2K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
હિન્દુ ધર્મમાં માનતા દરેક વ્યક્તિને હનુમાનજી પર વિશ્વાસ હોય છે. હનુમાન ચાલીસા(Hanuman Chalisa)નું તો ઘર-ઘરમાં પઠન થતું હોય છે. પવનસુતને પ્રસન્ન કરવાની આ એક એવી સ્તુતિ છે કે જેના વિશે ભાગ્યે જ કોઈ અજાણ હોઈ શકે. અલબત્, આ ચાલીસાની રચના કોણે અને કયા સંજોગોમાં કરી તેના વિશે ભાગ્યે જ કોઈ માહિતગાર હશે.
શ્રીરામચરિતમાનસ(ShreeRamcharitmanas)ના રચયિતા તુલસીદાસજીથી તો ભલાં કોણ અજાણ હોવાનું ! માન્યતા અનુસાર એ સંત તુલસીદાસજી જ હતા કે જેમણે હનુમાન ચાલીસાની રચના કરી. એટલું જ નહીં, તુલસીદાસજી જ એ પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે હનુમાન ચાલીસાના પ્રયોગથી હનુમંતકૃપાની પ્રાપ્તિ કરી.
પ્રચલિત કથા અનુસાર એકવાર તુલસીદાસજી(Tulasidasji) મથુરા જતા હતા. રાત પડી જતા તેમણે મથુરામાં મુકામ કર્યો. લોકોને ખબર પડતા જ તેઓ તુલસીદાસજીના દર્શને ઉમટવા લાગ્યા. ખુદ બિરબલ પણ તુલસીદાસજીને મળવા આવ્યા.
બાદશાહ અકબરને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે બિરબલ(Birbal) પાસેથી તુલસીદાસજી પાસેથી વધુ જાણકારી મેળવી. અકબરને પણ તુલસીદાસજીને મળવાની ઈચ્છા થઈ. તેમણે તુલસીદાસજીને મહેલે લઈ આવવા સૈનિકોની ટુકડી મોકલી.સૈનિકોને તુલસીદાસજીએ જણાવી દીધું કે તે તો રામભક્ત છે. તેમને બાદશાહ સાથે કે તેમના મહેલ સાથે કોઈ લેવા-દેવા નથી. એટલે, તે તેમની સાથે નહીં આવે. આ વાતથી ગુસ્સે થઈ બાદશાહે તુલસીદાસજીને પકડી લાવવાનો આદેશ આપી દીધો.
સૈનિકો તુલસીદાસજીને બેડીઓ પહેરાવી લાલકિલ્લે લાવ્યા. બાદશાહ તુલસીદાસજીને મળ્યા અને કંઈક ચમત્કાર દેખાડવા કહ્યું. તુલસીદાસજીએ ફરી કહ્યું કે, “હું તો રામભક્ત(Rambhakat) છું, કોઈ જાદૂગર નહીં કે ચમત્કાર દેખાડું !” ગુસ્સે થયેલા બાદશાહે તુલસીદાસજીને કોટડીમાં પૂરાવી દીધાં.
કહે છે કે આ ઘટનાના બીજા દિવસે લાલકિલ્લા પર સંખ્યાબંધ વાંદરાઓ એકસામટા તૂટી પડ્યા. વાંદરાઓએ બધું જ ખેદાન-મેદાન કરી દીધું. બાદશાહ ચિંતામાં પડી ગયા કે આ શું થઈ રહ્યું છે. ત્યારે બિરબલ બોલ્યા કે, “હજૂર, આપને ચમત્કાર જોવો હતો ને, જોઈ લો હવે !” બાદશાહને તેમની ભૂલ સમજાઈ. તેમણે તુલસીદાસજીને મુક્ત કરી તેમની માફી માંગી. બિરબલે તુલસીદાસજીને વાંદરાઓવાળી ઘટના કહી. તો, તુલસીદાસજીએ કહ્યું કે, “મને વગર વાંકે સજા મળી એટલે હું કોટડીમાં પૂરાઈ રામચંદ્રજી અને હનુમાનજી(Hanumanji)નું સ્મરણ કરતા રડી પડ્યો. કોઈ ગૂઢ પ્રેરણાથી મારા હાથે હનુમાનજીની 40 ચોપાઈ લખાઈ ગઈ.”
તુલસીદાસજીએ કહ્યું કે, “આ ચાલીસ ચોપાઈ(Chopai) હનુમાન ચાલીસાના નામે ઓળખાશે. સંકટ કે દુ:ખમાં પડેલી વ્યક્તિ તેનો પાઠ કરશે તો મારી જેમ જ તેના સઘળા કષ્ટ દૂર થશે.” આ ઘટના બાદ અકબરે ફરી માફી માંગી પૂરાં સન્માન, ઠાઠ અને સૈન્ય પહેરા સાથે તુલસીદાસજીને મથુરા માટે વિદાય આપી.
આ કથામાં તથ્ય કેટલું છે તે કહેવું મુશ્કેલ છે. પણ, હકીકત એ છે કે હનુમાન ચાલીસા આજે પણ અનેક શ્રદ્ધાળુઓને તેનો પરચો પૂરી રહી છે. ભક્તોને મન તો તે સંકટમોચન(Sankatmochan)ની કૃપાને પ્રાપ્ત કરવાની સૌથી સિદ્ધ અને સરળ સ્તુતિ છે.
આ સમાચાર પણ વાંચોઃ તમે HDFC Business Cycle Fundમાં ઇન્વેસ્ટ કરવા ઇચ્છો છો, તો જાણી લો માહિતી અને પ્રોસેસ