News Continuous Bureau | Mumbai
Board Exams 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૧૧મી માર્ચથી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જાય ત્યારે અને જ્યારે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપીને પરત આવે ત્યારે કેટલીક બાબતો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જેથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય, અને વિદ્યાર્થી શાંતચિત્તે અને કશા પણ ભય વિના પરીક્ષા આપી શકે. વિદ્યાર્થીમિત્રો, બોર્ડની પરીક્ષા માટે તૈયાર હોવ તો કેટલીક ટીપ્સ આપને ચોક્કસ મદદરૂપ બનશે:-
વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે શક્ય હોય તો બૂટ-મોજા ન પહેરતાં ચંપલ કે સેન્ડલ પહેરીને જઈએ કે જેથી પગને અકળામણ ન થાય.
પરીક્ષાના અડધા કલાક પહેલાં પરીક્ષાની તૈયારી બંધ કરી દેવી જોઈએ.
પરીક્ષાને લગતા કોઈપણ નકારાત્મક વિચારો ન કરીએ. હકારાત્મક બની પરીક્ષાને હળવા થઈને આપવી જોઈએ.
અફવાઓ પર ધ્યાન ન આપીએ, પેપર અઘરૂં છે, લાંબુ છે, કોણે પેપર કાઢયું છે જેવી બાબતોમાં રસ ન લઈએ.
પેપર આપવા જઈએ ત્યારે સાથે રિસિપ્ટ, પેન, સંચો, રબ્બર, ફુટપટ્ટી, જરૂરી હોય તો કંપાસ અથવા પાઉચ લઈને જઈએ પણ મોબાઈલ સાથે ન લઈ જવો. બોટલમાં પાણી કે લીંબુનું શરબત લઈ જવું.
પરીક્ષા કેન્દ્રો ઉપર મિત્રો કે અન્ય સાથે બને તો વાતચીત કરવાનું ટાળવું. બિનજરૂરી ચર્ચા કરવાથી અનેક પ્રકારનો ડર પેદા થાય છે.
બોર્ડની પરીક્ષા દરમિયાન બાળકે બને ત્યાં સુધી મિત્રો સાથે જેતે વિષય અને તૈયારીની ચર્ચા ન કરતાં પોતાની વર્ષ દરમિયાનની મહેનત પર ભરોસો અને વિશ્વાસ દાખવવો જોઈએ.
જ્યારે પરીક્ષા આપવા બેસીએ ત્યારે પ્રથમ ભાગની પરીક્ષામાં ઓએમઆર/આન્સર શીટમાં વિષયનું નામ અને નંબર સામે વર્તુળમાં જે વિષયની પરીક્ષા આપતા હોય તેની સામે વર્તુળમાં ઘટ્ટ કરવું. ઓએમઆર/આન્સર શીટને વાળવી નહીં.
ગણિત જેવા વિષયમાં રફકામ માટે પ્રશ્નપત્રમાં જે જગ્યા આપવામાં આવી હોય તે જગ્યાનો ઉપયોગ કરવો.
વાંચી શકાય તેવા અક્ષરો અને શબ્દો વચ્ચે જરૂરી જગ્યા છોડવી. વિસ્તૃત પ્રશ્નોના મુદ્દાઓ છૂટા પાડીને લખવા. એક જ બ્લ્યુ રંગની શાહીથી લખવું. જેલ પેનનો ઉપયોગ ટાળવો.
ઓળખ છતી થાય તેવા ચિહ્નો ક્યારેય લખશો નહિ. ઓએમઆર શીટમાં ઈશ્વર કે અન્ય કોઈ દેવી દેવતાનું નામ કે કોઈ ધાર્મિક સંજ્ઞાઓકે નિશાની કરવી નહીં.
મોબાઈલ ફોન, પેનડ્રાઈવ, સ્માર્ટવોચ જેવા કોઈ પણ પ્રકારના કોમ્યુનિકેશન ડિવાઈસ/ગેઝેટ્સ પરીક્ષા કેન્દ્રમાં સાથે લઈ જવાની મનાઈ હોય છે. જેથી આવા સાધનો ઘરે જ મૂકી રાખો.
કેટલાક અગત્યના વિષયોની ટૂંકી નોટ્સ બનાવવાનું રાખવું, જેથી પરીક્ષા પૂર્વે ઝડપી વાંચન શક્ય બને.
આ સમાચાર પણ વાંચો : કાબુલમાં ભારતનું પ્રતિનિધિમંડળ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને મળ્યું.. પાકિસ્તાન ચોંકી ઉઠ્યું.. જાણો શું થઈ ચર્ચા..
ખાસ કરીને વાલીઓએ પણ કેટલીક બાબતનું ધ્યાન રાખવું: જેમ કે;
જ્યારે પોતાનું બાળક પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા જાય ત્યારે વાલીઓએ રિસિપ્ટ, કંપાસ કે પાઉચ તથા જરૂરી સાધન-સામગ્રી તેણે લીધી છે કે કેમ તે જોઈ લેવાની કાળજી રાખવી.
બાળક જે વિષયનું પેપર આપીને આવે તે વિષયના પુસ્તકો, અન્ય સાહિત્ય વગેરેને તેના વાંચન સ્થાનેથી દૂર કરી દેવાં.
જે શાળામાં પોતાનું બાળક પરીક્ષા આપવા જતો હોય તે શાળાનો ફોન નંબર, પરીક્ષા કંટ્રોલ રૂમનો નંબર, પોલીસ તેમજ ફેમિલી ડૉકટરના નંબર હાથવગાં રાખવા.
વિદ્યાર્થીને કોઈ નિયમિત દવાની જરૂરિયાત રહેતી હોય તો તેની અગાઉથી વ્યવસ્થા કરી લેવી તેમજ જયારે બાળક પરીક્ષા આપીને ઘરે આવે ત્યારે પેપર કેવું ગયું ? કેટલા ગુણ આવશે તેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું.
વિદ્યાર્થી સાથે હળવાશભર્યા સંવાદો કરીને તેને આગામી પેપર આપવા માટે પ્રોત્સાહન પૂરૂ પાડવું.
માતા-પિતા બાળક પર ગુણ વધારે લાવવા અંગે તેમજ પરીક્ષાના સમયે ભવિષ્યની યોજનાઓ અને કારકિર્દીના આયોજન અંગેની ચર્ચા કરવાનું ટાળે.
ઘરે આવતાં મહેમાનો બાળકને પરીક્ષાલક્ષી વધુપડતી પૂછપરછ કરે તેનું ધ્યાન રાખવું.
તમારા સંતાનની ક્ષમતા ઓળખવામાં તેની મદદ કરો અને તેના પ્રયાસો પર વિશ્વાસ રાખો. પરીક્ષા તેમના માટે સુખદ અનુભવ બની રહે તે માટે મદદરૂપ થવું.
વાલીઓએ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા કે તેની બહાર એકત્રિત ન થવું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.