ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 સપ્ટેમ્બર 2020
સાચી શ્રદ્ધાથી પિતૃઓની આત્માની શાંતિ માટે કરવામાં આવેલ તર્પણને સાચા અર્થમાં શ્રાદ્ધ કહેવાય છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર પિતૃઓ પોતાના પરિવારજનો પાસે જઈ તર્પણ ગ્રહણ કરી શકે એ માટે મૃત્યુના દેવતા યમરાજ પણ શ્રાદ્ધપક્ષમાં જીવ ને મુક્ત કરે છે. શ્રદ્ધાથી કરેલા શ્રાદ્ધથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કોઈપણ પરિવારમાં પરણિત કે અપરણિત, બાળક કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ જ્યારે એમનું અવસાન થાય ત્યારે એ પોતાના પરિવારજનો માટે પિતૃ કહેવાય છે. પિતૃપક્ષમાં પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ વિધિ કરવામાં આવે છે. ઘરનો વરિષ્ઠ પુરુષ કે અન્ય કોઈ મોટું સદસ્ય તર્પણ કરી શકે છે. પૌત્ર અને નાતીને પણ તર્પણ કરવાનો અધિકાર છે. પિતૃઓના પ્રસન્ન થવાથી ઘરમાં સુખ શાંતિ જળવાય રહે છે.
એવું કહેવામાં આવે છે કે મહાભારત યુદ્ધમાં જયારે દાનવીર કર્ણની મૃત્યુ પછી, તેમની આત્મા સ્વર્ગમાં પહોંચી. ત્યાં તેમને નિયમિત ભોજનને બદલે જમવામાં સોનાના દાગીના આપવામાં આવ્યા. ત્યારે કર્ણની આત્મા નિરાશાવશ ઇન્દ્રદેવને પૂછે છે કે આનું શુ કારણ..? ત્યારે ઇન્દ્રદેવ કર્ણની આત્માને કહે છે કે તમે જીવનભર અન્યને સોનાના આભૂષણો દાન કર્યા છે પરંતુ તમારા પૂર્વજોને ક્યારેય અન્નનું દાન આપ્યું નથી. ત્યારે કર્ણે કહે છે કે તે પૂર્વજો વિશે કઈં જાણતો નથી. આ પછી ઇન્દ્રદેવે કર્ણની આત્માને 15 દિવસ પૃથ્વી પર જવાની અનુમતિ આપી, જેથી તે તેમના પૂર્વજોને અન્નદાન કરી શકે. આ જ 15 દિવસનો સમયગાળો પિત્રુ પક્ષ તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે આ 15 દિવસ દરમિયાન પિતૃઓ ધરતી પર આવી પરિવારજનોને આશીર્વાદ આપી તેમની સમસ્યાઓ દૂર કરે છે.
પિતૃપક્ષમાં પૂર્વજોનું સ્મરણ અને પૂજન કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. જે તિથિએ પરિજનનું મૃત્યુ થયું હોય એ તિથિને શ્રાદ્ધની તિથિ કહેવાય. પરંતુ અમુક સંજોગો વસાત ઘણા લોકોને પિતૃઓની શ્રાદ્ધતિથિ યાદ નથી હોતી. આવા સમયે શાસ્ત્રો પ્રમાણે આસ્વીન અમાસના દિવસે તર્પણ કરી શકાય છે. એટલા માટે જ શ્રાદ્ધપક્ષની અમાસને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે…