ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
દેશ-દુનિયામાં જગત મંદિર તરીકે જાણીતા એવા જગવિખ્યાત ભગવાન દ્વારકાધીશના મંદિર પર ગયા મંગળવારે કડાકાભડાકા સાથે પડેલા વરસાદ બાદ જગત મંદિર પર આકાશી વીજળી પડી હતી, જેમાં મંદિરની ધજા અને દંડની પાટલીને નુકસાન પહોંચ્યું હતું. જગત મંદિર પર વીજળી પડ્યા બાદ ધજા આરોહરણ અડધી કાઠીએ થતું હતું.

ભારતીય પુરાતત્ત્વ વિભાગ અને ધજા સમિતિએ ધજા તથા દંડના નુકસાન અંગેનો સર્વે કર્યો હતો અને શનિવારે 15 જેટલા અનુભવી કારીગરોએ જગત મંદિરના શિખર પર રિપેરિંગ કામ હાથ ધર્યું હતું. ગઈ કાલે એટલે કે રવિવારે પહેલી કેસરી ધજા જગત મંદિરના શિખર પર આરોહણ કરવામાં આવી હતી. ધજા આરોહણ કરાતાં ભાવિક ભક્તોએ આનંદ વિભોર બની આ સ્મૃતિને દૂરથી કૅમેરામાં કેદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગયા મંગળવારે દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, જેમાં જગત મંદિરની ધજા પર વીજળી પડતાં દંડને નુકસાન થયું હતું. ધજા પર વીજળી પડતો લાઇવ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. જ્યારે લોકો માની રહ્યા છે કે ભગવાન દ્વારકાધીશજીએ જ દ્વારકા શહેર પરની ઘાત ટાળી દીધી.
