ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
11 નવેમ્બર 2020
જગપ્રસિદ્ધ શ્રીનાથજી બાવા મંદિર, નાથદ્વારા અંતે વૈષ્ણવ ભક્તો માટે ગઈ 1 નવેમ્બરથી દર્શન માટે ખૂલી ગયું છે. મંદિર મંડળ, નાથદ્વારા તરફથી નાથદ્વારા બહાર વસતા દર્શનાર્થીઓ માટે ઠાકુરજીનાં દર્શનના ઓનલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ માટે દર્શનાર્થીઓએ નાથદ્વારા મંદિર મંડળની ઓફિશિયલ વેબસાઈટ www.nathdwaratemple.org પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવનારને નિશ્ચિત તારીખ અને સમયનાં દર્શન માટેનો સ્લોટ ફાળવાશે અને એ મુજબ હવે પછીની તારીખે દર્શન કરી શકાશે, જેમાં મુખ દર્શન કરવા માટે રૂ.50 અને સન્મુખ દર્શન માટે રૂ.350 રજિસ્ટ્રેશન ફી નિયત કરવામાં આવી છે.
મંદિર મંડળ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે નવી વ્યવસ્થાના ભાગરૂપે દર્શનાર્થે આવતા દરેક વૈષ્ણવે ફક્ત એક જ વખત રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવાનો રહેશે. એક વખત આ ચાર્જ ચૂકવ્યા બાદ વૈષ્ણવ ફરીથી દર્શન માટે પોતાના રજિસ્ટર્ડ આઈડી પરથી લોગિન કરીને ફરી સ્લોટ બુકિંગ કરાવશે તો અગાઉ જે વૈષ્ણવનો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવાઈ ગયો છે તેના માટે ફરી ચાર્જ ચૂકવવો નહીં પડે, પરંતુ નવા કોઈ વૈષ્ણવનું દર્શનાર્થે રજિસ્ટ્રેશન કરાવવું હશે તો જ અલગથી ચાર્જ ચૂકવવાનો રહેશે..
સ્થાનિક નિવાસીઓ માટે ધીરજધામ અને બહારગામથી આવેલા વૈષ્ણવો માટે ન્યૂ કૉટેજ પરિસરમાં કાઉન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. સ્થાનિક નાગરિકો અને વૈષ્ણવોનાં સૂચનો મુજબ વ્યવસ્થામાં સતત સુધારો કરવાના પ્રયાસ પણ થઈ રહ્યા છે. તિલકાયત રાકેશ મહારાજની આજ્ઞાથી રવિવારથી `તત્કાલ દર્શન' પાસ પણ શરૂ કરવામાં આવ્યા છે. એમાં દરેક દર્શનમાં ઓનલાઈન અને ઓફલાઈન બુકિંગની 800 વ્યક્તિઓ માટે દર્શનની ક્ષમતા છે..
ભાવિકોને જણાવવામાં આવ્યું કે આ સાથે જ સરકારી ગાઈડલાઈન્સનું પાલન કરવામાં નહીં આવે તો દર્શન ફરીથી બંધ કરી દેવામાં આવશે..
