ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
જેમના સ્મરણ માત્રથી સઘળા સંકટ-વિઘ્નો દૂર થવા લાગે છે તેવા દુંદાળાદેવ ગણપતિજીના પર્વ 'ગણેશચતુર્થી'ની આજથી આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ગણેશસ્થાપન માટે આજે બપોરે 12:12થી બપોરે 1:01 દરમિયાન અભિજિત મુહૂર્ત છે. 19 સપ્ટેમ્બરે અનંતચતુર્દશી સાથે ગણેશોત્સવની પૂર્ણાહુતિ થશે. ગણેશચતુર્થીને વિનાયકચતુર્થી અથવા વિનાયકચોથ પણ કહે છે.
સામાન્ય રીતે દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ કે અગિયાર દિવસ ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હોય છે. ગણેશચતુર્થી એટલે કે ભાદરવા સુદ ચતુર્થીની વિશેષતા એ હોય છે કે વર્ષમાં એક જ દિવસ એવો હોય છે જ્યારે ભગવાન ગણેશજીને તુલસી અર્પણ કરવામાં આવે છે. આજે ગણેશજીને લાડુ-મોદકનો પ્રસાદ પણ ધરાવવામાં આવશે.
આજે તારીખ ૧૦.૯.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ
શિવપુરાણ અનુસાર માતા પાર્વતીએ પોતાના મેલથી એક પૂતળું બનાવીને એને જીવંત કર્યું હતું. ત્યાર બાદ તેમણે એને કહ્યું કે તે સ્નાન કરવા જઈ રહ્યાં છે અને આ દરમિયાન મહેલની અંદર કોઈને પણ પ્રવેશ કરવા દેવામાં ન આવે. સંજોગોથી એ જ સમયે ભગવાન શિવનું આગમન થયું. તેમને અંદર જતાં જોઈને ગણેશજીએ બહાર જ અટકાવ્યા. શિવજીએ બાળગણેશને ખૂબ સમજાવ્યા, પરંતુ તેઓ ન સમજ્યા. અંતે ભગવાન શિવે ક્રોધમાં આવીને પોતાના ત્રિશૂળ વડે બાળગણેશનું માથું ધડથી અલગ કરી નાખ્યું. સ્નાન કરીને પરત આવ્યા બાદ દેવી પાર્વતીને આ વાતની જાણ થતાં તેઓ ખૂબ ક્રોધિત થયાં. તેમના ક્રોધને શાંત કરવા ભગવાને શિવે ગણેશજીના ધડ પર હાથીનું મસ્તક લગાવી ફરી જીવનદાન આપ્યું.