ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
ગુજરાત સહીત દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે, એવા સમયે લોકો મંદિરમાં જઈને ભગવાનના પ્રાર્થના કરવા માંગો છો, પરંતુ કોરોનાનો ચેપ લાગવાનો પણ ડર રહેલો છે. ત્યારે વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા સદીઓ જૂના હનુમાન મંદિરમાં એક અનોખી સુવિધા ભક્તો માટે શરૂ કરવામાં આવી છે.
કોરોનાના સંકટમાં હરણી ભીડભંજન હનુમાનજીને હવે તેલ ચઢાવવામાં કોરોનાનું સંકટ નહીં નડે. ભક્તો માત્ર એક બટન દબાવીને સોશિયલ ડિસ્ટન્સ જાળવી હનુમાનજીને તેલ ચઢાવી શકશે. બટન દબાવતાં જ જ્યાંથી તેલ ચડતું હશે ત્યાં લાઈટ થશે અને સાથે મંત્ર વાગશે. મંદિર પરિવાર દ્વારા ભક્તો એકબીજાના સંપર્કમાં આવ્યા વગર માત્ર બટન દબાવી તેલ ચઢાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મંદિર પરિવારના સભ્યોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર શનિવાર-મંગળવાર અને તહેવારોના દિવસે હજારો ભક્તો હનુમાનજીના દર્શને આવે છે. ભક્તો દાદાને તેલ ચઢાવી નારિયેળ પણ ધરાવે છે. જોકે કોરોના મહામારીમાં લોકો હનુમાનદાદાને સોશિયલ ડિસ્ટન્સ રાખી તેલ ચડાવી શકે તે માટે ઓટોમેટીક સિસ્ટમ ડેવલપ કરાઈ છે. જેમાં ભક્તો બટન દબાવતાં જ હનુમાનદાદાની મૂર્તિ પર તેલ ચઢશે. ભક્તોને મંદિર પરીસરમાં ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરાઈ છે.
આ અનોખી પહેલ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ભક્તો મશીન થકી રૂા.૫, ૧૦, ૨૦ અને ૫૦નું તેલ ચઢાવી શકશે. મહત્વની વાત એ છે કે, મશીનમાં ભક્તો રૂા.૫નું બટન દબાવશે તો ઓમનો મંત્ર બોલાશે અને ભગવાન પર તેલ ચઢશે, આ રીતે રૂા.૧૦નું બટન દબાવતા ઓમ શ્રીનો મંત્ર વાગશે, રૂા.૨૦નું બટન દબાવતા ઓમ શ્રી હનુમંતે નમઃ મંત્ર વાગશે અને રૂા.૫૦નું બટન દબાવતા ઓમ શ્રી હનુમંતે નમઃ મંત્ર બે વાર બોલાશે અને તેલ ભગવાન પર ચઢશે.
ઉલેખનીય છે કે કોરોના મહામારી પહેલા હરણી ભીડભંજન હનુમાન મંદિરમાં દર શનિવારે ૮ થી ૧૦ હજાર ભક્તો દર્શનાર્થે આવતા હતા. પરતું કોવિડમાં દર શનિવારે ૧ હજારથી વધુ ભક્તો દિવસ દરમિયાન દર્શનાર્થે આવે છે. દરેક ભક્તો હનુમાનજીને તેલ અવશ્ય ચઢાવે છે.