News Continuous Bureau | Mumbai
(નોંધ : વરિષ્ઠ પત્રકાર દેવાંશુ દેસાઈની ફેસબુક વોલ પરથી સાભાર)
શોલે પિક્ચરમાં ગબ્બરસિંહ પૂછતો હતો કે હોલી કબ હૈ…હોલી કબ હે... પણ આજે આ લખાય છે ત્યારે ૬’ માર્ચ ૨૦૨૩ના દિવસે દેશભરમાં લોકો એકબીજાને પૂછી રહ્યા છે કે હોલીદહન ક્યારે અને ધુળેટી ક્યારે?
લોકોને જાણવું છે કે ખરેખર હોળી ક્યારે પ્રગટાવવી? માત્ર હોળી નહિ પણ આપણા હિન્દુ ધર્મમાં એવા ઘણા તહેવાર છે કે લોકો અલગ અલગ રીતે ઉજવે છે. ખરેખર તો એક ધર્મ હોય એક તહેવાર હોય તો તિથિ પણ એક જ હોવી જોઈએ. આ વખતે મુંબઈમાં અને દેશમાં ઘણે ઠેકાણે ૬’માર્ચે સાંજે હોળી પ્રગટાવવામાં આવશે અને સાતમીએ ધુળેટીનો તહેવાર ઉજવાશે…
ખરેખર હોળી ક્યારે પ્રગટાવવી જોઈએ આ સવાલ અમે વાપી ના સરવાળા રોડ પર આવેલી પુષ્ટિમાર્ગી ભકિતસેતુ હવેલીના પરમ પૂજ્ય શ્રી ગોવિંદરાયજીને પૂછ્યું. શ્રી ગોવિંદરાયજી ખૂબ ઊંચા દરજ્જાના વક્તા તો છે જ એ ઉપરાંત વિદ્વાન તરીકે જાણીતા છે. સનાતન ધર્મ વિશે એમનું ઊંડું જ્ઞાન છે.
એઓ અમને કહે, જુઓ દેવાંશુભાઈ અમારા પુષ્ટિમાર્ગીયમાં મંગળવારે સવારે સૂર્યાદય પહેલા આશરે ૬.૫૦ વાગ્યે હોળી પ્રગટાવવામાં આવશે.

એનું શું કારણ ?
જવાબમાં પૂ. ગોવિંદરાયજી કહે, ૬’ માર્ચે સાંજે ૪.૧૭પછી પૂર્ણિમા બેસી રહી છે. એ દિવસે દિવસ દરમિયાન ચૌદસ છે. સાંજે પૂનમ લાગશે. હોળી એ પૂર્ણિમા પ્રધાન ઉત્સવ છે. સાંજે સૂર્યોદય સમયે પૂનમ લાગે છે ત્યારે વિષ્ટીકરણ યોગ છે. આ સમયે હોળી પ્રગટાવવીએ રાષ્ટ્ર, દેશ કે સમાજ કે ગામ માટે પણ યોગ્ય ન કહેવાય. બીજા દિવસે એટલે કે સાત તારીખે સૂર્યોદય પહેલા બાલવકરણ લાગે છે. જે શુભ કહેવાય.( સૂર્યોદય થાય ત્યારથી લઈને સૂર્યાસ્ત સુધી કદી હોળી પ્રગટાવી ન શકાય.) એટલે ૭’ માર્ચે સવારે સૂર્યોદય થાય એની પહેલા ૬.૫૦મિનિટથી લઈને ૬.૫૩ મિનિટ વચ્ચે અમે છરવાડા રોડની ભકિતસેતુ હવેલી સામે હોળી પ્રગટાવશુ. આ રીતે અગાઉ પણ અમે પાંચ છ વખત પંચાંગ અને મુહૂર્ત પ્રમાણે વહેલી સવારે સૂર્યોદય પહેલા હોળી પ્રગટાવી છે. એ ઉપરાંત બીજી વાત કહું, હોળીના બરાબર એક મહિના પહેલા જ્યાં હોળી પ્રગટાવવાના હો ત્યાં અમે હોળીદાંડો વિધિવત સ્થાપીએ છીએ. પૂજા કરીએ છીએ. પછી જ્યાં દાંડો સ્થાપ્યો હોય એ જ જગ્યાએ હોળી પ્રગટાવવી એવું વિધાન છે. અમે એની પણ કાળજી લઈએ છીએ.
શ્રી ગોવિંદરાયજી કહે,હોળી પ્રગટાવવા વિશે અમે અમારું દોઢસોથી વધુ વર્ષ જૂનું નિર્ણય સાગર પંચાંગ જોઈએ. ઉપરાંત શ્રીનાથજી નાથદ્વારામાં પંચાંગ સદસ થાય. સદસ એટલે એક જાતની કોન્ફરન્સ.એમાં રાજસ્થાન અને ભારત વર્ષના જ્યોતિષાચાર્યો, દૈવૈજ્ઞ અને ગણિતજ્ઞ ભેગા થાય.આ બધા ભેગા થઈને આવનારા પાંચ વર્ષનું પંચાંગ નિર્માણ કરે. ગ્રહોની ચાલને માપે અને પ્રાચીન માપદંડ સાથે બેસાડીને વૈશ્વિક સ્તરે એક ગણતરી કરીને સમય નક્કી કરે. અમે આ પંચાંગને પણ રિફર કરીએ. જેને લઈને આ વર્ષે મંગળવારે સવારે સૂર્યોદય પહેલા અમે હોળી પ્રગટાવશુ.

સામાન્ય લોકોએ તો હોળી એટલે સૂર્યાસ્ત પછી જ પ્રગટાવતા જોઈ છે. પણ વાપીની ભક્તિ સેતુ હવેલીની સામે મંગળવારે વહેલી સવારે ૬.૪૫ વાગ્યાની આસપાસ હોળી પ્રગટશે. જેમને વહેલી સ0વારની હોળી પ્રગટતી જોવાની-જાણવાની ઈચ્છા હોય તો છરવાડા રોડ નજીક આવેલી આ હવેલીમાં પહોંચી જજો.
દેવાંશુ દેસાઈ – વરિષ્ઠ પત્રકાર-લેખક
(૧૯૯૩- મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસનુ સૌથી વધુ સમય સુધી રિપોર્ટિંગ માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામનાર એકમાત્ર ભારતીય પત્રકાર અને મધુરયાત્રા પુસ્તકના લોકપ્રિય લેખક)