ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
સાંગલી પંચાયતન સંસ્થાનમાં ચોર ગણપતિની સ્થાપના થઈ ગઈ છે. આ ચોર ગણપતિની પરંપરા ૨૦૦ વર્ષ પૂર્વે ચિંતામણરાવ અપ્પા સાહેબ પટવર્ધને શરૂ કરી હતી. કોઈ પણ જાતના શોરબકોર વગર રાતના અંધારામાં ભાદરવા સુદ પ્રતિપદાના દિવસે એટલે કે અન્ય ગણપતિ ચતુર્થીના દિવસે આવે છે, જ્યારે આ ગણપતિનું ચાર દિવસ પહેલાં જ ચોર પગલે મંદિરમાં આગમન થવાથી તેમને ચોર ગણપતિ કહેવાય છે. ભાવિકોને તેમના આગમનની જાણ સુધ્ધાં થતી નથી. કાગળની લુગદીમાંથી આ ગણપતિની ઇકોફ્રેન્ડલી મૂર્તિ બને છે.
સાંગલીના રહેવાસીઓના ગણપતિ આરાધ્ય દેવ હોવાથી ચોર ગણપતિ માટે તેમને બહુ જ ઉત્સુકતા હોય છે. કોરોના મહામારીને લીધે મંદિર બંધ હોવાથી ભક્તોએ બાપ્પાનાં દર્શન બહારથી જ કર્યાં છે. આ દોઢ દિવસના ચોર ગણપતિની વિશેષતા એ છે કે જેમ ચૂપચાપ તેમનું આગમન થાય છે તેમ તેમનું વિસર્જન થતું નથી અને રાતનાં અંધારામાં જ ફરીથી એ ઠેકાણે મૂર્તિને મૂકવામાં આવે છે, જ્યાંથી તેને લાવવામાં આવી હતી. એટલે કે આ મૂર્તિનું વિસર્જન નહીં પણ જતન થાય છે.