ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. શિવમંદિરો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઊઠ્યા છે. શિવજીના પ્રિય એવા માસમાં ભક્તો દ્વારા વિવિધ અભિષેક અને બિલિપત્ર અર્પણ કરવામાં આવી રહ્યાં છે. લાંબા સમય બાદ શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવી રહ્યા છે. જેને લઈને શિવભક્તોમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. શ્રાવણમાં સોમવારનું વિશેષ મહત્વ હોવાથી પાંચ સોમવારવાળા આ શ્રાવણ માસને ભક્તો અતિશુભ માની રહ્યા છે.
આ વખતે તા. ૯ ઑગસ્ટ, સોમવારથી શરૂ થયેલો શ્રાવણ માસ તા. ૬ સપ્ટેમ્બરના સોમવારે પૂર્ણ થશે. શ્રાવણની શરૂઆત અને પૂર્ણાહુતિ સોમવારથી થતી હોવાથી આ શ્રાવણ શિવભક્તો માટે વિશેષ મનાય છે. આ મહિનામાં દેવોના દેવ મહાદેવની પૂજા કરવી, બીલીપત્ર ચડાવવાં, રુદ્રાભિષેક કરવો, શિવ નામનો જાપ કરવો, જ્યોર્તિલિંગનાં દર્શન કરવાં અત્યંત શુભ માનવામાં આવે છે.
સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે ભારે ભીડ જોવા મળી છે. ગુજરાતમાં આવેલું આ એકમાત્ર જ્યોર્તિલિંગ છે, એથી એનું શ્રાવણ મહિનામાં મહત્વ બહુ વધી જાય છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે ભાવિકોનું ઘોડાપૂર ઊમટી પડ્યું છે. આ વખતે પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને બોરસલ્લીનો શૃંગાર કરવામાં આવ્યો છે.
ટ્રસ્ટ દ્વારા કોવિડની ગાઇડલાઇન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથમાં શ્રાવણ માસ દરમિયાન દર્શન માટેની લાંબી લાઇનમાં ઊભા રહેલા ભાવિકો વરસાદમાં ભીંજાય નહીં કે તડકો ન લાગે એ માટે ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે ગત વર્ષે કોરોના મહામારીના લીધે શિવાલયોમાં ભક્તોની ભીડ ઓછી જોવા મળી હતી.