પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: રામજી ( Ram ) કહે છે કે હું બીજા સંબંધમાં માનતો નથી. મારે તો સબસે ઊંચી પ્રેમ સગાઈ.
બે પડિયામાં શબરી ( Shabri ) બોર લાવ્યાં. શબરી ચાખી ચાખીને બોર આપે છે. કદાચ બોર ખાટાં ન અપાઇ જાય. અતિ પ્રેમમાં
શબરીને ભાન નથી. રામજીએ શબરીના બહુ વખાણ કર્યાં. પ્રેમમાં જ મીઠાશ છે.
પ્રેમને કલંકિત ન કરો. ઈશ્વરને પ્રેમ કરો, તો કેવળ ઈશ્વરને માટે જ પ્રેમ કરો.
રામજી શબરીના બોર આરોગી ગયા. મહાપુરુષોએ વર્ણન કર્યું છે, આ બોરનાં ઠળિયામાંથી દ્રોણાચલ પર્વત ઉપર
સંજીવની વનસ્પતિ ઉત્પન્ન થઈ. કે જેણે લક્ષ્મણજીને ( Lakshman ) જીવતદાન આપ્યું.
ખૂબ ભજન કરો. સાધુસંતોમાં ( monks ) ખૂબ વિશ્વાસ રાખો. શબરીનું ચરિત્ર માનવમાત્ર માટે આશ્વાસનરૂપ છે. ભગવાન જરૂર
મળે છે. શબરીને પૂછ્યું, તારી કોઈ ઇચ્છા છે? શબરીએ કહ્યું પંપા સરોવરનું જળ બગડી ગયું છે, તે સુધારો. એક વખત એક
ઋષિએ શબરીને લાત મારી હતી. ત્યારથી પંપા સરોવરનું જળ બગડેલું. તે સુધારવા રામજીને વિનંતિ કરતાં રામજી કહે છે, તે
જળને સુધારવાની મારી શક્તિ નથી. રામજીએ લોકોને કહ્યું, તમે શબરીનું ચરણતીર્થ તેમાં પધરાવો, શબરીએ જળમાં સ્નાન કર્યું.
સરોવરનું જળ અતિ મધુર બન્યું રામે શબરીનો ઉદ્ધાર કર્યો, શબરીજી રામજીનાં દર્શન કરતાં કરતાં યોગાગ્નિમાં સમાયાં.
રઘુનાથજી ( Raghunath ) ત્યાંથી આગળ ચાલ્યા. ઋષ્યમૂક પર્વત નજીક આવ્યા કે જ્યાં સુગ્રીવ રહે છે. ત્યાં પ્રથમ હનુમાનજીનું ( Hanuman ) મિલન થાય છે. હનુમાનજીએ પૂછ્યું:-આપ કોણ છો? ત્યારે રામજીએ ઓળખાણ આપી. હનુમાનજીએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. સ્તુતિ કરી સુગ્રીવ સાથે મૈત્રી હનુમાનજી દ્વારા થાય છે. જીવની ઇશ્વર સાથે મૈત્રી ન થાય, ત્યાં સુધી જીવન સફળ થતું નથી અને એ મૈત્રી
હનુમાનજી વગર, બ્રહ્મચર્ય વગર થતી નથી.
રામનામ અમૃત કરતાં પણ શ્રેષ્ઠ છે, રામનામ ભવરોગની દવા છે. પરંતુ સંયમ વગર એ દવા
ફળતી નથી. રામનામ તો સબ કહે, દશરથ કહે ન કોઈ.
હનુમાનજી ભલામન ન કરે, ત્યાં સુધી રામચંદ્રજી અપનાવે નહિ.
પરમાત્મા જીવમાત્રના સાચા મિત્ર છે. ઇશ્વર સાથે મૈત્રી કરે તો, જીવન સફળ થાય છે. જગતનો મિત્ર બહુ તો, આ
લોકમાં સુખ આપશે, પરલોકમાં કે અંતકાળે તે સુખ આપી શકશે નહિ.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૮૦
છે. ઇશ્વર જીવને આપે છે ત્યારે, આપવામાં સંકોચ કરતા નથી. જીવ આપે છે ત્યારે વિચાર કરીને આપે છે. પોતાના માટે થોડુંક
રાખી પછી જીવ બીજાને આપે છે. પોતાને માટે કાંઈકે રહેવું જોઈએ એવા વિચાર વગર ઇશ્વર આપે છે. પરમાત્મા સાથે મૈત્રી કરો.
ઇશ્વર સાથે મૈત્રી તે જ કરી શકશે જે કામની દોસ્તી છોડશે. કામ અને કૃષ્ણ, રાવણ અને રામ સાથે રહી શકે નહિ.
રામજીએ સુગ્રીવ સાથે મૈત્રી કરી. સુગ્રીવને હનુમાને અપનાવેલા તેથી, રામજીએ પણ તેમને પોતાના મિત્ર માન્યા છે.
હનુમાનજી બ્રહ્મચર્યનું સ્વરૂપ છે, બ્રહ્મચર્ય અને ધર્મમર્યાદા પાળે તો રામરાજયની માફક દાકતર, વકીલની જરૂર ન પડે.
હનુમાનજી જેને ન અપનાવે તેને રામ, મિત્ર માને નહિ. પરમાત્મા સાથે પ્રેમ ન થાય તો જીવન સુંદર થઈ શકે નહિ.
મનુષ્ય પ્રેમ કર્યા વગર રહી શકતો નથી. કોઈ પૈસા જોડે, કોઈ સ્ત્રીમાં, કોઈ બાળકો પર પ્રેમ કરે છે. પણ પ્રેમ કરવા લાયક એક
પરમાત્મા છે. પરમાત્મા વિના બીજા કોઈ પણ સાથે કરેલો પ્રેમ, પરિણામમાં જીવને રડાવે છે.
જગત અપૂર્ણ છે. જીવ પણ અપૂર્ણ છે. જીવ પરિપૂર્ણ ત્યારે બને છે કે જ્યારે, તે ઇશ્વર સાથે મૈત્રી કરે છે. પરમાત્મા
સાથે મૈત્રી કરનાર જીવને પ્રભુ પૂર્ણ બનાવે છે. ઇશ્વર તેને મળે છે, જે ઇશ્વરને પૂર્ણ પ્રેમ આપે છે, ઈશ્વર સાથે પૂર્ણ પ્રેમ કરે છે તેને જ
પ્રભુ પોતાનો માને છે, ઈશ્ર્વર સાથે પ્રેમ કરવો હોય તો બીજા સાથેનો પ્રેમ છોડવો પડશે. ધીરે ધીરે લૌકિક સ્નેહ છોડો તો પ્રભુ સાથે પૂર્ણ
પ્રેમ થાય.
આ પર્વત પર વાનરરાજા સુગ્રીવ રહે છે. તેની સાથે મિત્રતા કરો, તે આપનો દાસ છે. રામ લક્ષ્મણ સુગ્રીવ પાસે આવ્યા,
રામજીએ સુગ્રીવને પૂછ્યું કે તું કેમ દુ:ખી છે?
સુગ્રીવ:-મારા ભાઈ વાલીએ મને કાઢી મૂકયો છે. વાલીએ મારું સર્વસ્વ હરી લીધું છે. મારી પત્નીનું પણ અપહરણ કર્યું
છે.
મિત્રના દુઃખે દુઃખી થાય એ મિત્ર. વાલી-સુગ્રીવનું યુદ્ધ થયું રઘુનાથજીએ વૃક્ષ પાછળથી તીર માર્યું. વાલી બોલ્યો,
અવગુન કવન નાથ મોહિ મારા । તમે તો ધર્મની રક્ષા કરવા માટે અવતાર ધારણ કર્યો છે. મેં કોઈ અપરાધ કર્યો નથી. હે નાથ! મારા
કયા દોષથી તમે મારો વધ કર્યો છે?
ધર્મના રક્ષણ માટે તમારો અવતાર છે. આપે આ અધર્મ કર્યો છે.
રામચંદ્રજી બોલ્યા:-તું તારા દોષનો વિચાર કરતો નથી, અને મને ઠપકો આપે છે.
ભાઇની પત્ની, બહેન, પુત્રની પત્ની અને કન્યા ચારે સમાન છે. ભાતૃપત્ની પોતાની કન્યારૂપ હોવા છતાં તે તેના ઉપર
કુભાવ રાખ્યો. ભાઈની સ્ત્રી ઉપર કુભાવ રાખનારો તું, મહાપાપી છે. તારા જેવા પાપીનો ઉદ્ધાર કરવા તને માર્યો છે.
સ્વદોષ દર્શન વગર ઇશ્વરદર્શન થશે નહિ. પરદોષ દર્શન પરમાત્માનાં દર્શનમાં વિઘ્ન કરે છે.