પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: જેની બુદ્ધિ અતિ સૂક્ષ્મ છે, તેને વેદાંતનો વિવર્તવાદ ધ્યાનમાં આવશે. જેની બુદ્ધિ લાગણી પ્રધાન છે, તેને
વૈષ્ણવાચાર્યનો ( Vaishnavacharya ) સિદ્ધાંત ગમશે. આ બન્ને સિદ્ધાંતો દિવ્ય છે.
કોઈપણ રીતે માનો પણ મુક્તિ મળે છે મનને. આત્માને મુક્તિ મળતી નથી. આત્મા નિત્ય મુક્ત છે. જીવને ઈશ્વરરૂપ
માનો કે તેનો અંશ માનો, તો પણ તે આત્મા મુક્ત છે.
સુખ દુઃખ આત્માને થતાં નથી. તે થાય છે મનને, પણ તેનો આરોપ આત્મા ઉપર કરવામાં આવે છે. પરીક્ષિત રાજાને સાત જ દિવસમાં મુક્તિ અપાવવી છે. રાજાનું મન શ્રીકૃષ્ણ ( Shri Krishna ) સિવાય બીજા કોઇમાં ન જાય તો રાજાને મુક્તિ મળે. મુક્તિ તેને મળે કે જેનું મન મરે છે. પૂર્વજન્મનું શરીર ભલે મર્યું પણ પૂર્વજન્મનું મન લઈને જીવાત્મા આવ્યો છે. મન:ષઠાષ્ઠાનીંદ્રિચાણિ પ્રકૃતિ સ્થાનિ કર્ષતિ । મનને કોઈપણ રીતે મારવું છે. થોડા પાણીમાં માછલી સુખેથી રહે નહિ, તેમ મરે પણ નહિ. તેમ સંસારના વિષયોનું ચિંતન મન છોડે તો તેનો ઇશ્વરમાં લય થાય. શ્રીકૃષ્ણ કથામાં ખાસ આકર્ષણ, તે મનને ઇશ્વરમાં લીન કરે છે. મનને સંસારના વિષયો ન આપો, પણ શ્રીકૃષ્ણલીલામાં ( Shri Krishna Leela ) મૂકી દો. દા.ત. શ્રીકૃષ્ણ ગાયો ચરાવવા નીકળ્યા છે. કનૈયો ગાયોને બોલાવે છે, નવડાવે છે, ખવડાવે છે, આ બધી લીલાનું ચિંતન કરો. મનને પ્રતિકૂળમાંથી હઠાવો અને અનુકૂળમાં જોડો, તે ઉદ્દેશથી આ કથા કરવામાં આવી છે. આ કથાથી જ્ઞાન અને વૈરાગ્ય વધે છે. આ કથાથી મનુષ્યને પ્રવૃત્તિ છોડવાની ઈચ્છા થાય છે. ભાગવતની ( Bhagavat Gita ) કથા જ્ઞાન વૈરાગ્યને વધારનારી છે. ભાગવતની કથા શ્રીકૃષ્ણપ્રેમને વધારનારી છે. ભાગવતની કથા શ્રીકૃષ્ણપ્રેમમાં પાગલ બનાવે છે.
પરીક્ષિત રાજાનો સંસારનો મોહ છૂટે અને શ્રીકૃષ્ણલીલામાં તે તન્મય થાય તો, તેના મનનો નિરોધ થાય. શ્રીકૃષ્ણલીલા
નિરોધલીલા છે. મનનો નિરોધ કરવાનો છે. જગત વિસ્મરણપૂર્વક ભગવત આસક્તિ, એનું જ નામ નિરોધ. ભગવત આસક્તિ એ
નિરોધ છે. સંસારના વિષયોનું વિસ્મરણ થાય ત્યારે જ ખરો આનંદ પ્રગટ થાય છે. સંસારનો સંબંધ છૂટે ત્યારે બ્રહ્મસંબંધ થાય છે.
જો સંસારના વિષયોમાં ખરો આનંદ હોત, તો બધું છોડીને મનુષ્યને નિદ્રા માટે ઈચ્છાજ ન થાત. મનુષ્ય બધું છોડી નિદ્રા લેશે,
ત્યારે તેને આનંદ મળશે.
કૃષ્ણકથા ( Krishna Katha ) એવી છે કે તે જગતને ભૂલાવે છે. જગતમાં રહીને જગતને ભૂલવાનું છે. સંસાર છોડીને જશો કયાં? જયાં જાવ
ત્યાં સંસાર સાથે છે. સંસાર છોડીને જવાનું નહિ. પણ સંસાર મનમાંથી કાઢી નાંખવાનો અને સંસારમાં રહેવાનું. સંસારને છોડવાનો
નથી, પણ મનમાંથી બહાર કાઢવાનો છે. સંસારમાં રહી, સંસારથી અલગ થઈ જવાનું છે. ભાગવતની કથા સંસારને ભૂલાવે છે. આ
કથામાં ભૂખ તરસ ભૂલાય છે.
દશમ સ્કંધની શરૂઆતમાં શુકદેવજીએ ( Shukdev ) પરીક્ષિત રાજાની પરીક્ષા કરી છે. રાજન્! આજે પાંચ દિવસથી, તું એક આસને
બેઠો છે. તારે જળપાન કરવું હોય, કાંઈ ખાવું હોય તો ખાઈ લે.
પરીક્ષિત રાજાએ સુંદર જવાબ આપ્યો છે. ભગવાન, અન્નની તો શી વાત કરવી? મેં તો જળનો પણ ત્યાગ કરી દીધો છે,
તો પણ તે અસહ્ય ભૂખ-તરસ (કે જેને કારણે મેં મુનિના ગળામાં મરેલો સાપ નાંખી પા૫ કરેલું) મને જરાપણ ત્રાસ આપતાં નથી.
કારણ કે તમારા મુખકમળમાંથી નીકળતા શ્રીહરિકથારૂપી અમૃતનું હું પાન કરી રહ્યો છું.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૧
સુપાત્ર. રાજાએ પરીક્ષા પાસ કરી છે. કથામાં તેની તન્મયતા થયેલી છે.
કથામાં આવી તન્મયતા થવી જોઈએ. શ્રીકૃષ્ણકથામાં અનાયાસે સંસાર ભૂલાય છે. શ્રીકૃષ્ણકથામાં જગત ભૂલાય છે.
કૃષ્ણકથા જગતનું વિસ્મરણ કરાવે છે.
કથા કીર્તનમાં કંઇક દેહધર્મ ભૂલાય છે. આ શ્રીકૃષ્ણકથાનો મહિમા છે. શ્રીકૃષ્ણલીલાનો મહિમા છે. સંસારનું સંપૂર્ણ
વિસ્મરણ અને પરમાત્માનું સતત સ્મરણ એ જ મુક્તિ છે. શ્રીકૃષ્ણલીલા કથાનું વર્ણન કરતાં, મન જગતને ભૂલે છે.
કથા તમને તમારા દોષનું ભાન કરાવે છે. કથા સાંભળ્યા પછી મનુષ્ય રડે, તો માનજો તેણે કથા સાંભળી. અંબરીષની
ભક્તિ કેવી છે અને કયાં મારું જીવન? હાય! મારું જીવન વ્યર્થ ગયું. મારું જીવન કૂતરાં બિલાડાં જેવું ગયું.
આ શ્રીકૃષ્ણકથામાં સર્વને આનંદ મળે છે, કારણ કે શ્રીકૃષ્ણકથામાં સર્વ રસોનો સમન્વય છે. આ શ્રીકૃષ્ણકથા બાળકને
પણ આનંદ આપે અને સંન્યાસીને પણ આનંદ આપે છે. શ્રીકૃષ્ણ બાળક સાથે બાળક, યુવાન સાથે યુવાન છે. શ્રીકૃષ્ણ જ્ઞાની
સાથે જ્ઞાની અને યોગી સાથે યોગી છે.
શ્રીકૃષ્ણ ભોગી છે, પણ રોગી નથી. ભોગી હોવા છતાં તેઓ યોગી છે, સાધારણ નિયમ છે કે જે ભોગી હોય તે રોગી
થવાનો જ. એકાદશ સ્કંધમાં વર્ણન આવે છે કે શ્રીકૃષ્ણ ૧૨૫ વર્ષે સ્વધામમાં પધાર્યા, ત્યારે પણ માથાનો એક વાળ પણ ધોળો
થયો ન હતો.
મનુષ્યનું મન કોઇ પણ રસમાં ફસાયેલું હોય છે. આ કથામાં પ્રેમરસનો-આનંદ છે. બાળલીલામાં હાસ્યરસ છે.
રાસલીલામાં કરુણરસ, તેમજ શ્રૃંગારરસ છે. ચાણૂર, મુષ્ટિક, કંસ વગેરેને મારે છે ત્યારે, વીરરસ ઝળકે છે-કોઈ પણ રસમાં રુચિ
હોય તો આ કથા સર્વને ગમે છે, શ્રીકૃષ્ણકથામાં વિશેષતા છે કે કોઇ પણ રસમાં રુચિ રાખનારને શ્રીકૃષ્ણકથામાં આનંદ મળે છે
અને કનૈયો તેને દસમો રસ આપે છે. પ્રેમરસ. સૌથી શ્રેષ્ઠ, પ્રેમરસ શ્રીકૃષ્ણકથામાં છલોછલ ભર્યો છે.
પ્રેમરસનો સ્વાદ જેણે ચાખ્યો એને જગતના અન્ય સ્વાદ ફિક્કા લાગે છે. મીરાબાઈના ( Mirabai ) શબ્દોમાં કહીએ તો તે કડવા લાગે
છે.