પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: શુકદેવજી ( Shukdev ) જેવા મહાપુરુષે કથા છોડી નથી. મહાપુરુષોને લાગે છે કે નાક પકડીને બેઠા છીએ ત્યાં સુધી ઠીક છે, પણ ઊઠયા પછી મન કયારે છટકી જાય છે તેની ખબર પડતી નથી. મનને નિર્વિષય બનાવો. મનને શ્રીકૃષ્ણલીલામાં પરોવો. ચિંતન
કરવું હોય તો આ શ્રીકૃષ્ણલીલાનું ( Shri Krishna Leela ) ચિંતન કરો. વેદાંત કહે છે મનને નિર્વિષય બનાવો. પણ આ અઘરું છે તેથી વૈષ્ણવો ( Vaishnavas ) કહે છે મનને પ્રતિકૂળ વિષયોમાંથી હઠાવી, અનુકૂળ વિષયોમાં જોડી દો. વેદાંતીઓ કહે છે, આત્માને બંધન નથી તો મુક્તિ કયાંથી? વૈષ્ણવોને ભગવત સેવામાં એવો આનંદ આવે છે કે, તેઓને મુક્તિ મળવા આવે તો પણ જોઇતી નથી.
યોગીઓ જયાં સુધી આંખ બંધ રાખી સમાધિમાં બેસે, ત્યાં સુધી મન સ્થિર રહે છે. પણ યોગમાંથી ઉઠયા પછી આંખ
ઉઘડે છે એટલે મન સંસારમાં, ચંચળ થાય છે.વિશ્વામિત્રે આંખ બંધ કરી સાઠ હજાર વર્ષ સમાધિ કરી, પણ આંખ ઉઘાડયા પછી
મેનકાથી ફસાયા. અરે, આંખ ઉઘાડી હોય અને સમાધિ લાગે એ સમાધિ સાચી. આંખ-કાન ઉઘાડા હોય અને સમાધિ લાગવી
જોઈએ. સાધો સહજ સમાધિ ભલી. સમાધિના બે પ્રકાર બતાવ્યા છે. એક જડ અને બીજી ચેતન. જડ સમાધિમાં યોગીઓ મન ઉપર
બળાત્કાર કરે છે. મન ઉપર બળાત્કાર કરી, જબરજસ્તીથી વશ કરવું એ એટલું ઉત્તમ નથી. કોઇ ઠેકાણે હઠયોગની નિંદા કરી છે.
હઠયોગી કદી રોગી બને છે. મન ઉપર બળાત્કાર કરવા કરતાં તેને પ્રેમથી સમજાવીને વશ કરવું એ સારું છે. હઠયોગીને પણ
ભક્તિનો સાથ ન હોય તો પતનનો સંભવ છે. માટે મન સજ્જન છે. મનને કોઈ સત્તા નથી. મન આત્માની સત્તાથી કામ કરે છે.
આત્મા તેને હુકમ ન કરે, ત્યાં સુધી મન કામ કરી શક્તું નથી. મનને શાસ્ત્રમાં નપુંસક કહ્યું છે. આત્માની સત્તાથી મન દોડે છે.
યોગીઓ બળાત્કારથી મનને પકડી બ્રહ્મસંબંધ સ્થાપે છે. તે વખતે તેમનું શરીર જડ થાય છે. જડ સમાધિમાં શરીરનું ભાન રહેતું
નથી. જડ સમાધિ કરતાં ચેતન સમાધિ શ્રેષ્ઠ છે. ગોપીઓની સમાધિ ચેતન સમાધિ છે. ગોપી આંખ બંધ કરીને, કાન બંધ કરીને
બેસતી નથી. ગોપી આંખ, કાન ઉઘાડા રાખી, શ્રીકૃષ્ણના ધ્યાનમાં તન્મય બને છે. ગોપી આંખમાં શ્રીકૃષ્ણને ( Shri Krishna ) , કાનમાં શ્રીકૃષ્ણને રાખે છે. આ જોઈ ઉદ્ધવ (ઊંધો) સીધો(સરળ) બન્યો.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૪
આ ગોપીઓને ઉઘાડી આંખે સમાધિ લાગે છે. તેમની દ્દષ્ટિ જયાં જાય ત્યાં તેમને શ્રીકૃષ્ણનાં દર્શન થાય છે. યત્ર યત્ર
મનો યાતિ તત્ર તત્ર સમાધય: ।। સમાધિ આવી સહજ જોઈએ. તેથી ઉદ્ધવજીએ જ્યારે કહ્યું કે તમે નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું
આરાધન કરો ત્યારે ગોપીઓ કહે છે અમને તો ઉઘાડી આંખે, સર્વત્ર સાકાર બ્રહ્મ શ્રીકૃષ્ણનાં દર્શન થાય છે. તો આ સાકાર બ્રહ્મને
છોડીને, તારા નિર્વિકારી ઈશ્વરનું ધ્યાન-ચિંતન કોણ કરે? ઉદ્ધવ! જેને ઉઘાડી આંખે બ્રહ્મ ન દેખાય, એ આંખ બંધ કરીને,
લલાટમાં બ્રહ્મના ( Brahma ) દર્શન કરવા પ્રયત્ન કરે છે. હું તો શ્રીકૃષ્ણનાં દર્શન કરું છું. તેનું ચિંતન કરું છું, તેનું ઘ્યાન કરું છું.
આંખ બંધ કર્યા પછી જેને સમાધિ લાગે છે, સંભવ છે કે કદાચ આંખ ઉઘડયા પછી તેનું મન સંસારમાં લાગશે.
ગોપીઓ મહાપરમહંસ છે. ગૃહસ્થી હોવા છતાં મહાપરમહંસ છે. ઉત્તમમાં ઉત્તમ પરમહંસ વ્રજભક્તો છે. જે સર્વથી અલિપ્ત
થઈ કૃષ્ણપ્રેમમાં તન્મય છે. શ્રીકૃષ્ણ પણ મહાન ગૃહસ્થ છે, તેમ મહાન સંન્યાસી પણ છે. ઘરમાં રહીને પણ સંન્યાસી જેવું પવિત્ર
જીવન રાખવાનું શ્રીકૃષ્ણ બતાવે છે. શ્રી દ્વારીકાધીશ અનેક વાર ભોગ આરોગે છે અને ૧૬૦૦૦ સ્ત્રીઓના સ્વામી હોવા છતાં સદા
અચ્યુત છે. કદી જીર્ણ નહિ કે વૃદ્ધ નહિ. વળી દુર્યોધનને અને અર્જુનને સમતાથી જ જોતા અને બંનેને મદદ કરી. યદુવંશનો
વિનાશ થયો અને સોનાની દ્વારીકાનો પણ વિનાશ થયો પણ શ્રીકૃષ્ણની શાંતિ અચળ રહી. આ પરમહંસોની સંહિતા છે.
પરીક્ષિત કહે છે:-મહારાજ! આપ યોગી છો છતાં શ્રીકૃષ્ણકથા છોડી નથી. કથા મનુષ્યોનો થાક ઉતારે છે. ભગવાનની
કથા સાંભળતાં આતુરતા વધે છે. કથા સાંભળતાં તૃપ્તિ થતી નથી. શિખંડ ખાવાથી તૃપ્તિ થાય છે. સંસારના વિષયો ભોગવ્યા પછી
તૃપ્તિ થાય છે. સૂગ પણ આવે છે. પણ તે સૂગ કાયમ માટે ટકતી નથી. સૂગ કાયમ માટે ટકે તો બેડો પાર છે.
મહારાજ! આ શ્રીકૃષ્ણકથા સાંભળવાની મારી ઇચ્છા છે. તો વિસ્તારપૂર્વક આ શ્રીકૃષ્ણકથા સંભળાવો. ભગવાનની
બાળલીલાઓ તેમ જ બીજી જે જે લીલાઓ ભગવાને કરી હોય તે આપ સંભળાવો. આપના ચરણમાં હું વારંવાર વંદન કરું છું.