પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ગોપ્ય: સુમૃષ્ટમણિકુણ્ડલનિષ્કકણ્ઠયશ્ર્ચિત્રામ્બરા:પથિશિખાચ્યુતમાલ્યવર્ષા: ।
નન્દાલયં સવલયા વ્રજતીર્વિરેજુર્વ્યાલોલકુણ્ડલપયોધરહારશોભા:।।
ગોપીઓએ યશોદાને ( Yashoda ) ત્યાં પુત્ર જન્મના સમાચાર સાંભળ્યા. ગોપીઓ કૃષ્ણદર્શન માટે દોડે છે.જાણે નવધાભક્તિ
દોડતી ઈશ્વરને મળવા જાય છે. જયારે ગોપીઓ દોડતી પ્રભુને મળવા જાય છે, ત્યારે એક એક અંગ હાલે છે. જાણે સર્વને જ
પ્રભુના મિલન માટે ઉતાવળ થઇ હોય એવું લાગે છે. આંખો બોલવા લાગી:-મારા જેવી ભાગ્યશાળી કોઈ નથી, શ્રીકૃષ્ણદર્શનનો
આનંદ મને મળશે. હાથ બોલે છે:-પ્રભુને ભેટ હું ધરીશ, હું ભાગ્યશાળી, કાન બોલે છે, કનૈયાનાં પ્રાગટયની વાર્તા મેં સાંભળી,
તેથી તમે બધા ભાગ્યશાળી છો. હું કનૈયાની વાંસળી સાંભળીશ. તે વખતે હ્રદય બોલ્યું કે હૈયું ન પીગળે ત્યાં સુધી આનંદ આવે
નહિ. પગ બોલ્યા, હજારો જન્મમાં અનેક સ્ત્રીઓ તથા પૈસા પાછળ હું રખડતો હતો તે આજે પ્રભુદર્શન માટે દોડું છું. હવે
જન્મમરણના ત્રાસમાંથી છૂટી જઈશ. પ્રત્યેકને આનંદનો અનુભવ થયો. ગોપીઓની વેણીમાંથી પુષ્પો ખરી જાય છે. પુષ્પો કહે
છે:-તમે શ્રીકૃષ્ણદર્શન માટે આતુરતાથી દોડો છો. તમે ભાગ્યશાળી છો. તમારા માથા ઉપર રહેવાને અમે લાયક નથી. એમ
વિચારી ફૂલો વેણીમાંથી ખરી પડે છે. કારણ આવી ગોપીઓની ચરણરજ પામી કૃતાર્થ થઈએ.
ગોપીઓ યશોદાની ગોદમાં સર્વાંગ સુંદર બાલકૃષ્ણલાલને ( Bal Krishna ) દહીંથી અભિષેક કરવા લાગી. કેટલીક ગરીબ ગોપીઓ તેથી
તે દહીંદૂધ લઈને આવી છે. તેમને લાલાનું દર્શન થતાં દેહભાન રહ્યું નહિ. તેથી પોતાને જ અભિષેક કરવા લાગી. દરેક ગોપીના
મનનું આકર્ષણ પ્રભુએ કર્યું છે. હ્રદયમાં આનંદ સમાતો નથી. ગોપીઓને સમાધિ લાગી છે. ગોપીઓ જેટલું લઇને આવી હતી,
તેનાથી દશ ગણું આપવું છે. એકને ચાંદીની થાળી આપી. બીજીને ચંદ્રહાર આપ્યો. યશોદાજીએ વિચાર કર્યો કે ઘરમાં કાંઇ ન રહે
તો વાંધો નહિ પણ દરેકનો આશીર્વાદ લેવો છે. ગોપી જે માંગે તે આપવું. આનંદમાં પાગલ થયેલી ગોપી લાલાનો જય જયકાર કરે
છે. એક કહે મને આપવું હોય તો, કનૈયો જ આપો. મને બીજું ન જોઇએ. યશોદાએ તેને પાસે બેસાડી, લાલાને ગોપીની ગોદમાં
આપ્યો. અતિશય આનંદ થયો. હજારો જન્મોથી વિખુટો પડેલો જીવ આજે ઇશ્વરને મળ્યો છે. જીવ અને ઈશ્વરનું મિલન થતાં જીવ
નાચે છે.
સર્વને આનંદ આપનાર નંદને ઘરે પરમાનંદ પ્રગટ થાય છે. સર્વનો આશીર્વાદ મેળવશો તો સર્વેશ્ર્વર તમારે ઘરે આવશે.
સર્વનો આશીર્વાદ મેળવવો કઠણ છે. પણ કોઈનો નિસાસો તો ન જ લેશો. કોઈનો નિસાસો ન લેશો, તો તમે પણ નંદ જેવા થશો.
નંદયત્તિ સર્વ જીવાન્ સ નંદ: ।
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૯
વાણી, વિચાર અને વર્તનથી સર્વને આનંદ આપે તે નંદ.
સર્વને માન આપજો. ઉત્તમમાં ઉત્તમ દાન માનદાન છે. જીવ એ શિવસ્વરૂપ છે, એમ સમજીને સર્વને માન આપજો.
જ્ઞાનીનું લક્ષણ બતાવ્યું છે કે જેનાથી કોઈને પણ ઉદ્વેગ અને અશાંતિ ન થાય તે જ્ઞાની.
બીજાના વર્તનથી તમારા મનમાં અશાંતિ આવવા દેશો નહિ. નંદબાબા સદા સર્વદા આનંદમાં રહેતા. નંદબાબા સર્વને
આનંદ આપતા હતા. આવા નંદને ત્યાં પરમાનંદ આવે છે. સર્વને આનંદ ન આપી શકાય તો કાંઈ નહિ, પણ કોઇને દુઃખ ન
આપો. કોઈ દુ:ખી થાય તેવું ન કરો.
નંદમહોત્સવ ( Nandamhotsav ) રોજ કરવો જોઇએ. લોકો વર્ષમાં એક જ વાર નંદમહોત્સવ કરે છે. સવારે ૪ થી પા। સુધીમાં નંદમહોત્સવ રોજ કરો. ઉત્=ઈશ્વર અને સવ=પ્રાગટય. ઈશ્વરનું પ્રાગટય એ ઉત્સવ. ઉત્સવમાં પૈસા મુખ્ય નથી, પ્રેમ મુખ્ય છે.
નંદમહોત્સવ મંદિરમાં નહિ, પરંતુ આપણા ઘરમાં કરવો જોઈએ. જીવાત્માનું ઘર એ આપણું શરીર છે.
નંદમહોત્સવ કરવાનો એટલે શું પેંડા વહેંચવાના? દહીં દૂધ ઉડાવવાનાં? ના, ના આ આનંદનો અતિરેક છે. ઉત્સવ તો
હ્રદયમાં થાય. ઈશ્વરનું પ્રાગટય ત્યારે થાય છે, જયારે મનુષ્ય દેહમાં હોવા છતાં તેને
દેહનું ભાન ન રહે.
દેહ ધર્મ ભૂલાય ત્યારે ઉત્સવ સફળ થાય છે. પરમાત્માને હ્રદયમાં પધરાવો. પરમાત્મા હ્રદયમાં પ્રગટ થાય તો ભૂખ
તરસ ભૂલાય છે. નંદમહોત્સવ રોજ કરે તેનો આખો દિવસ આનંદમાં જાય છે. ગરીબમાં ગરીબ પણ નંદમહોત્સવ કરી શકે છે.
ઉત્સવમાં ધન મુખ્ય નથી, પણ મન મુખ્ય છે.
નંદમહોત્સવની તૈયારી કરવી પડે છે. તમારા શરીરને મથુરા ( Mathura ) બનાવો, હ્રદયને ગોકુળ ( Gokul ) બનાવો. પછી નંદમહોત્સવ થશે. તે પછી હ્રદય ગોકુળમાં પરમાત્મા પ્રગટ થાય છે.ગો એટલે ઈન્દ્રિય અને કુલ એટલે ઇન્દ્રિયોનો સમૂહ. ગોકુળ એટલે ઈન્દ્રિયોનો
સમૂહ જ્યાં ભેગો થાય છે તે હ્રદય.
શરીર એ મથુરા છે. હ્રદય એ ગોકુળ છે. નંદ એ જીવ છે. આ શરીરને મથુરા બનાવજો. હ્રદય ગોકુળમાં બાલકૃષ્ણ ને
પધરાવજો. મનને આસક્તિમાંથી બચાવશો તો તમારું શરીર મથુરા બનશે અને હ્રદય ગોકુળ બનશે. પવિત્ર કાયા એ જ મથુરા છે.