પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: હ્રદય ( ગોકુળ )માં શ્રીકૃષ્ણ ( Shri Krishna ) પધારે પછી નંદે ( જીવે ) બીજે રખડવું ન જોઈએ. નંદબાબા ( Nand Baba ) કંસને કર આપવા મથુરા ગયા છે. કંસ દરબારમાં નંદજી આવ્યા. વાર્ષિક કર આપ્યો. સુવર્ણનો થાળ અને પાંચ રત્નોની ભેટ આપી. નંદબાબાએ કહ્યું, વૃદ્ધાવસ્થામાં મારા ઘરે દીકરો થયો છે.
કંસ ( Kansa ) જાણતો નથી કે નંદબાબાનો કનૈયો એ મારો કાળ છે. કંસને આશ્ર્ચર્ય થયું. તેણે વિચાર કર્યો મારે આશીર્વાદ પણ,
ભેટના પ્રમાણમાં આપવા જોઈએ. ભેટ જોઈ, ભેટના પ્રમાણમાં આશીર્વાદ આપે એ કંસ છે. કંસ રાજાએ અનેક પ્રકારના આશીર્વાદ
આપ્યા છે. તમારો બાળક મોટો રાજા થશે. એનો જયજયકાર થશે. તમારા બાળકના શત્રુઓનો જલ્દી વિનાશ થશે. કંસ પણ
શ્રીકૃષ્ણનો જયજયકાર કરે છે. આશીર્વાદ આપે છે. સારું થયું. શત્રુ પણ જેને આશીર્વાદ આપે અને વંદન કરે તે ઈશ્વર.
નંદબાબા કહે છે:-વ્રજવાસીઓએ મારા માટે એકાદશીનું વ્રત કર્યું. તેઓએ મારા માટે વ્રત કર્યાં, તેથી આ બાળક થયો
છે.
નંદબાબા બીજાને યશ આપે છે. ત્યાર પછી નંદજી વસુદેવને મળવા જાય છે
શુકદેવજી ( Shukdev ) વર્ણન કરે છે. રાજન્! નંદબાબાને જોઈ વસુદેવને આનંદ થયો. કુશળ સમાચાર પૂછ્યા. કોઇ મિત્ર મળે ત્યારે
તમારા સુખની-આનંદની વાત તેને ન કરો. પણ મિત્રના સુખદુઃખની વાત પૂછી તેને દિલાસો આપો.
નંદજી વસુદેવના ( Vasudev ) દુઃખની વાત પૂછે છે. સાંભળ્યું હતું કે તમારે ત્યાં કન્યાનો જન્મ થયો હતો. કંસ તેને મારવા આવ્યો
હતો.
વસુદેવજી કહે છે:-એ સાચી વાત છે. તેમાં કંસનો દોષ નથી. પરંતુ મારા કર્મનો દોષ છે. પણ બાબા તમારે ઘરે બાળક છે, તે મારો જ છે.
નંદબાબા ભોળા હતા. નંદબાબાએ કહ્યું:-હા, હા, મારા ઘરમાં દીકરો છે તે તમારો જ છે.
વસુદેવ મનમાં વિચાર કરે છે. કનૈયો મારો જ છે. હું જ રાત્રે તમારે ત્યાં મૂકી ગયો છું. પણ નંદબાબા ગૂઢાર્થ ભરેલી વાણી
સમજતા નથી.
વસુદેવજીએ ક્હ્યું આ દિવસ તમારા માટે સારા નથી. જલદી ગોકુળમાં ( Gokul ) જાવ. ત્યાં ઉત્પાત થાય તેમ લાગે છે.
નંદ-જીવ ગોકુળ છોડીને જાય, ત્યારે રાક્ષસ આવે. કામ, લોભ, ક્રોધ બધા રાક્ષસો છે. નંદ કૃષ્ણને છોડી કંસને ત્યાં
જાય છે, ત્યારે ગોકુળમાં વિપત્તિ આવે છે અને ઉત્પાત થાય છે. નંદબાબા વિચારે છે. કનૈયા માટે થોડાં રમકડાં લઈશ, કનૈયાને
આનંદ થશે.
બહારગામ જાવ ત્યારે ઠાકોરજી માટે કાંઇક ઉત્તમ વસ્તુ જરૂર લાવજો. તમારો પ્રવાસ પણ ભક્તિમય બનશે.
પૂતનાવધ:-કંસને યોગમાયાએ આકાશવાણી દ્વારા કહ્યું કે તારો કાળ જન્મી ચૂકયો છે. તેથી કંસ ગભરાયો. તરતનાં
જન્મેલાં બાળકોને મારી નાંખવા, તેણે હુકમ કર્યો. પૂતનાને ગોકુળ તરફ મોકલી.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૦૪
પૂતના ચતુર્દશીના ( Chaturdashi ) દિવસે પ્રાત:કાળે ગોકુળ આવી. પૂતના શબ્દનો જરા વિચાર કરો. પૂત એટલે પવિત્ર. ના એટલે નહિ.
જે પવિત્ર નથી તે પૂતના. પવિત્ર શું નથી? અજ્ઞાન, માટે પૂતના એટલે અજ્ઞાન, અવિદ્યા,પવિત્ર શું? જ્ઞાન. કારણ ગીતાજીમાં
કહ્યું છે:-
ન હિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિહ વિધતે
જ્ઞાન સમાન પવિત્ર કરવાવાળું આ સંસારમાં બીજું કશું નથી. જ્ઞાન સમાન પવિત્ર બીજું કાંઈ નથી. જ્ઞાન એટલે પૈસો
કમાવાનું જ્ઞાન નહિ. આત્મસ્વરૂપનું જ્ઞાન, એ જ્ઞાન છે.
જ્ઞાન પવિત્ર અને તેથી ઊલટું અજ્ઞાન એ અપવિત્ર, જે પવિત્ર નથી તે અજ્ઞાન છે. અજ્ઞાનમાંથી વાસના જાગે છે. પૂતના
વાસનાનું સ્વરૂપ છે. કેટલાક મહાત્મા, પૂતનાનો અર્થ વાસના કરે છે.
પૂતના ચતુર્દશીના દિવસે આવે છે. પૂતના ચતુર્દશીએ કેમ આવી કારણ પૂતના ચૌદ ઠેકાણે રહેલી છે, તે બતાવવા.
અવિદ્યા-વાસના ચૌદ ઠેકાણે રહે છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અને અહંકાર. આ ચૌદ
જગ્યાએ પૂતના રહે છે. એટલે પૂતના ચૌદશને દિવસે આવેલી.
રામાયણમાં પણ કૈકેયીએ રામનો ચૌદ વર્ષનો વનવાસ કેમ માગ્યો? કારણ રાવણ-કામ ચૌદ ઠેકાણે રહેલો છે. આ
ચૌદ ઠેકાણે રહેલા રાવણ-કામને મારવા રામજી ચૌદ વર્ષ તપશ્ચર્યા કરે, તો જ રાવણને મારી શકે, એટલે કૈકેયીએ રામને ચૌદ
વર્ષનો વનવાસ આપ્યો હતો.
પૂતના-વાસના સર્વ ઠેકાણે રહેલી છે. કાનમાં, આંખમાં પૂતના રહેલી છે.
નીતિ ના પાડે. ધર્મ ના પાડે છતાં આંખ કોઈ સ્ત્રીનું શરીર જુએ, તો માનજો કે આંખમાં પૂતના આવી છે. પાપદ્રષ્ટિથી
કોઈ સ્ત્રીને જુઓ તો આંખમાં પૂતના આવી એમ સમજજો. સ્ત્રીને સ્ત્રીરૂપે ન જુઓ, બ્રહ્મરૂપે જુઓ. આંખમાંથી પાપ મનમાં આવે
છે. આંખમાં પૂતના હોય તો, કામ મનમાં આવશે. જગતની કોઇ પણ વ્યક્તિને ભગવદ્ભાવથી જુઓ તો, વાંધો નથી. પણ
સંસારિક ભાવથી, કામભાવથી જુઓ તો માનજો પૂતના આવી.