પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: ક્રિયા અને લીલાનો તફાવત યાદ રાખવાનો છે. જેની પાછળ કર્તૃત્વનું અભિમાન છે, સુખી થવાની ભાવના છે, તે ક્રિયા.
અને જે ક્રિયા પાછળ કર્તૃત્વનું અભિમાન નથી, ફક્ત બીજાને સુખી કરવાની ભાવના છે તે લીલા. જીવ જે કરે તે બધી ક્રિયા અને
ભગવાન જે કરે તે બધી લીલા.
યશોદાજી ( Yashoda ) વિચારે છે આખું ગામ મારે ત્યાં આવવાનું છે. લાલાનું પારણું ઘર બહાર ગાડાની નીચે રાખું, તો ઘરમાં
મોકળાશ વધારે રહે. બધી ગોપીઓ આવવાની એટલે જગ્યાના અભાવે યશોદાજીએ કનૈયાનું પારણું આંગણામાં ગાડા નીચે રાખ્યું.
અને ગાડામાં દહીં દૂધ વગેરે રાખ્યાં.
યશોદા એક, એક ગોપીનું સન્માન કરે છે. બાળકને સુંદર કંઠી આપે એટલે માને આનંદ થાય છે. ગોપીઓ હ્રદયથી
આશીર્વાદ આપે છે. બાળકૃષ્ણ ( Bal krishna ) લાલકી જય હો, જય હો. આવેલ વ્રજવાસીઓનું સન્માન કરતાં યશોદા તન્મય થયાં છે.
આ બાજુ શ્રીકૃષ્ણ ( Shri Krishna ) જાગ્યા, મારી મા કયાં છે? મારી મા ઉત્સવ મારો કરે છે અને મને અહીં ગાડા નીચે રાખ્યો છે.
ઉત્સવને દિવસે ભગવાનને ભૂલી જાવ, એ બરાબર નથી. યશોદા આજે શ્રીકૃષ્ણને ભૂલી ગયાં છે, યશોદા શ્રીકૃષ્ણને ભૂલ્યાં
એટલે વિપત્તિ આવી.
વ્યવહાર છૂટતો નથી. વ્યવહાર કરવો પડે છે. જયાં સુધી કાંઈક અપેક્ષા છે, ત્યાં સુધી વ્યવહાર છૂટતો નથી. વ્યવહાર
છોડશો નહિ, પણ વ્યવહાર સાથે એક થશો નહિ. વ્યવહાર કરવો તે દોષ નથી. પણ વ્યવહારમાં ભગવાનને ભૂલી જવા એ દોષ
છે. ધંધો કરવો એ પાપ નથી. પણ ધંધો કરતાં ભગવાનને ભૂલી જવા એ પાપ છે. વેપારી દુકાનમાં ભગવાનની પૂજા કરે છે. પરંતુ
ગ્રાહક વસ્તુ લેવા આવે એટલે તરત તે ભગવાનને ભૂલી જાય છે. ગ્રાહકને તે ઈશ્વરની સન્મુખ છેતરે છે.
પાંચ રૂપિયાની કિંમતની વસ્તુનો માલ પચ્ચીસમાં આપે, છતાં ગ્રાહકને કહે છે તમે મારા મિત્ર છો એટલે પડતર ભાવે
માલ તમને આપું છું. લેનાર સમજે છે ભાઈબંધ છે, એટલે ખોટ ખાઇને પણ મને માલ આપે છે, પણ તે પડતર ભાવનો જે શબ્દ
વેપારી બોલે છે તેનો અર્થ તે સમજતો નથી. પડતર ભાવ એટલે તું પડવાનો અને હું તરવાનો, ગ્રાહક પડે અને વેપારી તરે-વેપારી
દ્દષ્ટિએ પડતર ભાવનો, આ અર્થ છે.
લક્ષ્યને લક્ષમાં રાખો અને વ્યવહાર કરો. લક્ષ છે શ્રીકૃષ્ણને મળવાનું, મારે શ્રીકૃષ્ણને મળવું છે. જ્ઞાની મહાત્મા ઈશ્વરને
ભૂલ્યા વિના વ્યવહાર કરે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૨
યશોદા ગોપીઓનું સન્માન કરતાં, શ્રીકૃષ્ણને ભૂલ્યાં છે. કેટલાક ઉત્સવના દિવસે ઠાકોરજીને ( Thakorji ) ભૂલી જાય છે. અરે,
ઉત્સવ તો ઠાકોરજી સાથે એક થવા માટે છે. વ્યવહારનું કામ કરતાં વારંવાર ઠાકોરજીને નિહાળજો. ઘરનું કાર્ય કરતાં કરતાં વારંવાર
પ્રભુને નિહાળો. સાધારણ કોઈ મહેમાન ઘરે આવ્યા હોય તેને મળ્યા પછી તેને રાજી રાખવા વારંવાર તેની સાથે વાતો કરવી પડે છે.
તેવી રીતે ઇશ્વર આપણા ઘરે આવ્યા પછી સતત તેનું ધ્યાન રાખવું જોઈએ.
સેવાની સમાપ્તિ થતી નથી. શરીરની સાથે સેવાની સમાપ્તિ. સેવાની સમાપ્તિ કરે એ વૈષ્ણવ નહીં. સત્કર્મમાં સંતોષ ન
માનો.
ગોપીઓનું ( Gopi ) સન્માન કરતાં યશોદા લાલાને ભૂલી ગયાં છે. લાલાને આ ઠીક ન લાગ્યું. તેને થયું આજે થોડી ગમ્મત કરું.
બાલકૃષ્ણ રડે છે. મા સાંભળતી નથી. બાળક રડે એટલે પગ ઊંચા કરે છે. ઉપર નજર કરે તો ગાડા ઉપર રાક્ષસ શકટાસુર-
પૂતનાનો ભાઈ. બહેનનું વેર લેવા આવ્યો છે. કનૈયો મનમાં કહે, આ તો કંસમામા તરફથી રમકડું આવ્યું છે. ગાડાને પગની ઠોકર
મારી, તે ગાડું ઊઘું પડી ગયું અને ગાડામાં જે દહીં, દૂધ તેમજ રસોઈ રાખેલી તે ઢોળાઈ ગયાં. શક્ટાસુર ઉથલી પડતાં, મરી ગયો.
આ ભાણો એવો છે કે મામાએ મોકલેલા રમકડાં તોડીફોડી નાંખે છે. બાળકોએ કહ્યું, લાલાએ ઠોકર મારી એટલે ગાડું ઊંધુ વળી
ગયું.
આ ચરિત્રમાં રહસ્ય છે. તમે પણ ગાડા નીચે શ્રીકૃષ્ણને રાખશો તો તમારું ગાડુ ઊંધુ વળી જશે, જે વસ્તુ
પ્રધાન હોય તેને ગાડાની ઉપર રાખવાની અને જે વસ્તુ ગૌણ હોય તેને નીચે રાખવાની. જેના જીવનમાં પરમાત્મા ગૌણ છે તેનું
ગાડું ઊંધુ વળે તો તેમાં શું આશ્ર્ચર્ય!
ગૃહસ્થાશ્રમ એ ગાડું છે. પતિપત્ની પૈડાં છે. આ ગાડાં ઉપર શ્રીકૃષ્ણને પધરાવો. આ જીવન ગાડીના સારથિ શ્રીકૃષ્ણ
છે, ઈન્દ્રિયો ઘોડા છે, શરીર રથ છે. પ્રભુને કહો નાથ! તમારે શરણે આવ્યો છું. અર્જુન જેમ મારા શરીર રથ ઉપર સારથિ બની તેને
સીધે માર્ગે લઈ જાવ. જેના શરીરરથના સારથિ ઇશ્વર બનતા નથી, તેનો સારથિ મન બને છે. મન સારથિ બને તો જીવનરથને
ખાડામાં નાખે છે. તમારા ગાડા ઉપર પરમાત્મા બિરાજતા ન હોય તો, આ ઈન્દ્રિયરૂપી ઘોડાઓ તમારા ગાડાંને ખાડામાં નાખશે-
અર્જુને પોતાના રથ ઉપર પરમાત્માને પધરાવેલા, તેથી અર્જુન ( Arjun ) જે જે ઠેકાણે ગયા ત્યાં તેની જીત થઈ હતી.