પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: સનાતન ગોસ્વામી ( Sanatana Goswami ) અર્થ કરે છે કે નારાયણ જેવા શ્રીકૃષ્ણ છે એમ કહો તો નારાયણ શ્રેષ્ઠ ઠરે છે. માટે નારાયણ સમાન શ્રીકૃષ્ણ નહીં પણ શ્રીકૃષ્ણ સમાન નારાયણ ( Narayan ) છે. વૃંદાવનના સાધુઓએ અર્થ કર્યો છે કે નારાયણ સમાન નહીં પણ નારાયણ શ્રીકૃષ્ણ જેવા છે.
નારાયણ સમાન શ્રીકૃષ્ણ છે. તેમાં નારાયણ મુખ્ય ને શ્રીકૃષ્ણ ( Shri Krishna ) ગૌણ છે. શ્રીકૃષ્ણ સમાન નારાયણ છે, તેમાં શ્રીકૃષ્ણ મુખ્ય ને નારાયણ ગૌણ છે. શ્રીકૃષ્ણ અને નારાયણમાં કાંઈ ફેર નથી, આ પ્રેમનો મધુર કલહ છે. શ્રીકૃષ્ણ સમાન નારાયણ છે
એવો અર્થ કરીએ તો શ્રીકૃષ્ણ પ્રધાન અને નારાયણ ગૌણ બને છે. નારાયણમાં સાઠ ગુણો છે. જયારે મુરલી મનોહર શ્રીકૃષ્ણમાં
ચોસઠ ગુણો છે. નારાયણ કરતાં ચાર ગુણો વધારે છે (૧) રૂપમાધુરી (૨) લીલા માધુરી (૩) વેણુમાધુરી (૪) પ્રિયામાધુરી.
આ ચાર ગુણો શ્રીકૃષ્ણમાં વધારે છે. નારાયણમાં આ ચાર ગુણો નથી.
નારાયણને ચાર હાથ છે તેથી તેઓ થોડા બેડોળ લાગે છે. તેથી આ બે હાથ વાળો કનૈયો શ્રેષ્ઠ છે. વૈકુંઠના ( Vaikuntha ) નારાયણ
રાજાની જેમ ઉભા રહે છે, તેથી જરા અભિમાની હોય તેમ લાગે છે. નારાયણ તો અક્કડ ઉભા રહે છે, અમારી સાથે બોલતા પણ
નથી. ત્યારે અમારો કનૈયો અમારી સાથે બોલે છે. અમારી સાથે રમે છે. અમારી સાથે ફરે છે. તેથી અમારો કનૈયો શ્રેષ્ઠ છે.
અતિશય આતુરતા થાય એટલે પરમાત્મા દોડતા આવે છે. ગોકુલમાં એક નવી વહુ આવી હતી, તે કનૈયાનાં દર્શન કરવા
માટે આતુર હતી. તેની સાસુ તેને શ્રીકૃષ્ણનાં દર્શન કરવા જવા દેતી ન હતી. આજે તે જળ ભરવા જાય છે. શ્રીકૃષ્ણનું ચિંતન કરતી
જાય છે. લાલાના કેશ વાંકડિયા છે. મસ્તક ઉપર મોરપીંછ છે. હોઠ ઉપર મોરલી ધારણ કરી છે, કાનમાં મકરાકૃતિ કુંડળ અને કેડ
ઉપર પીતાંબર ધારણ કર્યા છે. આજે તેને દેહનું ભાન નથી. છુમ છુમ કરતો કનૈયો પાછળથી આવે છે. શ્રીકૃષ્ણનાં દર્શન માટે જે
આતુર બને છે તેની પાછળ પાછળ કનૈયો આવે છે. બાલકૃષ્ણે ( Bal krishna ) આવીને સાડીનો છેડો પકડયો. ગોપી જુએ છે, તો કનૈયાએ
આવીને સાડી પકડી છે. ત્રણ વર્ષનો કનૈયો છે. ગોપીએ કનૈયાને ઉઠાવી છાતી સરસો ચાંપ્યો.
લાલાએ તેના ગળામાં હાથ નાંખ્યો. કનૈયો સખીને કહે છે:-તું બહુ સુંદર છે. હું તારો પતિ છું. કનૈયો બોલવામાં ચતુર છે.
કનૈયો તેને કહે છે, રાત્રે રાસમાં આવજે.
કોઇ દેવ એવો છે કે રસ્તે ચાલતી કોઈ સ્ત્રીને કહે કે તું મારી છે ને હું તારો છું? કનૈયો સર્વનો પિતા છે, પતિ છે, અને બાળક પણ છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૫
નારાયણ મર્યાદા પુરુષોત્તમ છે. ત્યારે આ કનૈયો પુષ્ટિ પુરુષોત્તમ છે.
કનૈયો કરે છે તેવી લીલા મનુષ્ય તો શું, દેવો પણ કરી શકે નહિ. શ્રીકૃષ્ણ દેવોના પણ દેવ છે.
એક સખી દહીં, દૂધ, માખણ વેચવા નીકળી છે. કૃષ્ણપ્રેમમાં દેહભાન ભૂલી છે. બોલવું જોઈએ દહીં લો, માખણ લો.
પણ માખણ શબ્દ યાદ આવે જ નહિ. તેની બુદ્ધિમાં માધવ હતો, એટલે બોલવા લાગી, કોઈ માધવ લો, કોઇ ગોવિંદ લો.
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી,
ચૌદ ભુવનના નાથને મટુકીમાં ઘાલી,… ભોળી રે
ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે,… ભોળી રે
શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રે,… ભોળી રે
નાથ-અનાથનાને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે,… ભોળી રે
વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે,… ભોળી રે
મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે,… ભોળી રે
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઊભા પેખે રે,… ભોળી રે
ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે,… ભોળી રે
ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે,… ભોળી રે
દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે,…. ભોળી