પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: પરમાત્મા મળે છે. પણ જો અહંકાર થાય તો હાથમાં આવેલા પરમાત્મા છટકી જાય છે. સાધકને પરમાત્મા મળે છે,
એટલે સાધકને થાય છે કે મને ભગવાન મળ્યા છે. થોડી ઠસક આવે છે. તેથી સાધનામાં ઉપેક્ષા થાય છે. પરિણામે હાથમાં
આવેલા ભગવાન છટકી જાય છે. સાધના કરો પણ સાધનાનું અભિમાન ન કરો. નિષ્કામ થયેલી બુદ્ધિમાં અહંભાવ આવે છે, ત્યારે
ઈશ્વર છટકી જાય છે.
ગોપીઓએ ( Gopi ) યશોદાને કહ્યું:-મા! તમે ગણપતિની ( Ganapati ) બાધા રાખો, ગણપતિ બુદ્ધિ સિદ્ધિના માલિક દેવ છે. તે કનૈયાની બુદ્ધિ સુધારશે. યશોદાએ ( Yashoda ) ગણપતિની બાધા રાખી.
કનૈયાએ વિચાર્યું કે મારે ગણપતિનો મહિમા વધારવો છે. મંડળના બાળકોને કહ્યું:-આપણે હમણાં કાંઈ પ્રવૃત્તિ કરવી
નથી. લાલો બહાર પણ નીકળતો નથી. યશોદા માને છે, ગણપતિદાદાએ મારા લાલાની બુદ્ધિ સુધારી છે.
એક સમયે ગોવાળિયાએ યશોદાજીને ફરિયાદ કરી:- કૃષ્ણે માટી ખાધી છે.
કૃષ્ણ કહે:-મા! મેં માટી ખાધી નથી, આ બધા જૂઠું કહી રહ્યા છે.
નાહં ભક્ષિતવાનમ્બ સર્વે મિથ્યામિશંસિન: ।
લાલાએ માટી ખાધી નથી. વ્રજરજ ખાધી છે. માતાએ તો માટીનું પૂછેલું એટલે લાલાએ શું ખોટું કહ્યું? વ્રજરજ એ માટી
નથી, તુલસીજી એ ઝાડ નથી, ગંગાજી એ પાણી નથી.
શ્રી વલ્લભાચાર્યજી કહે છે:-જ્ઞાન માર્ગ અનુસાર ભગવાન કાંઈ ખાતા નથી. ભક્તિમાર્ગી વૈષ્ણવોરૂપી ગોવાળો કહે છે,
ભગવાને માટી ખાધી. ભક્તો માને છે કે ભગવાન આરોગે છે.
મુખદર્શનને બહાને યશોદાને વિશ્વરૂપનાં દર્શન કરાવ્યાં. પરંતુ ઇશ્વરનાં સ્વરૂપનું જ્ઞાન, લીલામાં વિઘ્ન કરે છે એટલે શ્રી
શુકદેવજી ( Shukdevji ) વર્ણન કરે છે. વૈષ્ણવીં વ્યતનોન્માયાં પુત્ર સ્નેહમયીં વિભુ: ।
પોતાની પુત્રસ્નેહવાળી વૈષ્ણવી યોગમાયાનો એના (યશોદાના) હ્રદયમાં સંચાર કરી દીધો. એટલે યશોદાને કૃષ્ણના ( Krishna)
સાચા સ્વરૂપનું ભાન થતું નથી. ફરીથી તેઓ કૃષ્ણને પોતાનો પુત્ર માનવા લાગ્યા.
પૂતનાએ અનેક બાળકોને મારેલા. પૂતનાના વધ સમયે તે અનેક બાળકો, પૂતનાના સ્તન મારફત પ્રભુના પેટમાં ગયાં.
અવિદ્યાના સંસર્ગમાં આવેલા જીવોનો ઉદ્ધાર સંતના ચરણની રજ વગર થતો નથી. ગોકુળમાં અનેક ઋષિઓ ગાયો થઈ આવેલા.
તેમના ચરણની રજ હું પેટમાં ઉતારું એટલે મારા ઉદરમાંના જીવોનો ઉદ્ધાર થશે. તે જીવોનો ઉદ્ધાર કરવા શ્રીકૃષ્ણે માટી ખાધી.
પ્રભુના હ્રદયમાં જઈને રહેવું અથવા પરમાત્માને હ્રદયમાં રાખવા એ નિરોધ કૃષ્ણલીલા. એ નિરોધલીલા છે. આત્મા
નિરાકાર અને મુકત છે, છતાં મનને લીધે તેને બંધન થાય છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૪
ભગવાન મર્યા પછી નહીં. પરંતુ મર્યા પહેલાં મુક્તિ આપે છે. પ્રભુપ્રેમમાં હ્રદય પીગળે એટલે મુક્તિ છે. પ્રભુપ્રેમમાં સંસાર
ભૂલાય એટલે મુક્તિ છે. મન મરે એટલે મુક્તિ મળે છે. મન મરે એટલે નિરોધ થાય અને નિરોધ થાય એટલે મુક્તિ મળે. મુક્તિ
મર્યા પછી મળતી નથી. મર્યા પહેલાં મળે છે.
જેને જીવતાં મુક્તિ ન મળે, તેને મર્યા પછી મુક્તિ મળવી કઠણ છે. શરીર ઇન્દ્રિયોની હયાતીમાં જેને ભજનાનંદ પ્રાપ્ત
થાય છે તેને શરીર છોડયા પછી પણ પરમાનંદનો અનુભવ થાય છે.
ભાગવતશાસ્ત્ર ( Bhagavata Shastra ) એવું નથી કે મર્યા પછી મુક્તિ આપે. મર્યા પછી મુક્તિ મળી છે, તેનું પ્રમાણ શું? મહાપુરૂષો તેથી મુક્તિને
જીવન મુક્તિ કહે છે.
આ દેહ અને ઇન્દ્રિયોને સંબંધ હોવા છતાં શરીર અને ઇન્દ્રિયોની હયાતીમાં મુક્તિ મળવી જોઈએ. મુક્તિના બે પ્રકાર છે :
(૧) વિદેહ મુક્તિ અને (૨) કૈવલ્ય મુક્તિ.
કમળ જેમ પાણીથી અલિપ્ત રહે છે. તેમ જ્ઞાની પુરુષો સંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત રહે છે.
જગત ન દેખાય એટલા માટે, જ્ઞાની પુરુષો આંખ બંધ કરીને બેસે છે. પણ જગત એવું છે કે આંખ બંધ કર્યા પછી પણ
દેખાય છે. અંદરનો સંસાર શરૂ થાય છે. બહારનો સંસાર ભક્તિમાં વિઘ્ન કરતો નથી. પણ જે સંસાર મનમાં છે, તે વિઘ્ન કરે છે.
મનમાંથી સંસારને કાઢી નાંખો, તો લાભ છે.
નાવડી રહે છે જળમાં પણ નાવડીમાં જળ આવે તો તે ડૂબે છે.
જ્ઞાની પુરુષો સાવધ રહે છે કે બહારનો સંસાર મનમાં આવે નહિ.
સંસાર બાધક થતો નથી. વિષયોનું ચિંતન કરતાં વિષયોમાં જે આસક્તિ ઉત્પન્ન થાય છે તે બાધક થાય છે. સંસાર સુખ
આપે છે તે કલ્પના માત્ર બાધક છે.
જ્ઞાની પુરુષો શરીરનો આવશ્યક વસ્તુ તરીકે સ્વીકાર કરે છે. પણ સંસારનું સુખ એ સાચું સુખ નથી. તે કેવળ ભાસ માત્ર
છે, એમ સતત ઘ્યાન રાખે છે.
દ્દશ્ય પદાર્થમાંથી દ્દષ્ટિ હઠી જાય અને દ્દષ્ટામાં દ્દષ્ટિ સ્થિર થાય છે, ત્યારે આનંદ મળે છે. દ્રશ્યના દ્રષ્ટાને સાક્ષી કહે
છે. દ્દશ્ય એ દુ:ખરૂપ છે. દ્રષ્ટા માત્ર આનંદરૂપ છે. દ્રશ્યમાંથી દ્રષ્ટામાં સ્થિર કરશો તો, આનંદ મળશે.