પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: પરીક્ષિત રાજા પૂછે છે:- અઘાસુર ( Aghasura ) વધની કથા બાળકોએ પોતાની માતાને એક વર્ષ પછી કેમ કહી? તેનું કારણ શું? પરીક્ષિતે આ પ્રમાણે પ્રશ્ર્ન કર્યો એટલે શુકદેવજીને ( Shukdevji ) ભગવાનની આ અદ્ભુત રહસ્યમય લીલાનું સ્મરણ થયું. શુક્દેવજીને પણ સમાધિ લાગી છે. થોડીવાર પછી પ્રયત્ન ધીમે ધીમે ફરી બ્રહ્મદ્દષ્ટિ પ્રાપ્ત થતાં શુકદેવજીએ રાજાને કહ્યું:-શ્રવણ કરો રાજન્! બ્રહ્મા, ગોપબાળકોનું અપહરણ કરી ગયેલા અને એક વર્ષ પછી ગોપબાળકો બ્રહ્મલોકમાંથી પાછા આવ્યા. તેથી તેઓએ આ કથા પોતાની માતાને એક વર્ષ પછી કહીં.
શુકદેવજી તેરમા-ચૌદમા અધ્યાયમાં વિસ્તારથી આ કારણ સમજાવે છે.
ચાર પ્રકારે ભગવાન રાસ રમે છે. પરમાત્માનું નામ છે. રસ.રસો.વૈ સ: પરમાત્મા દિવ્ય રસ સ્વરૂપ છે. તેની સાથે મિલન
એ રાસ. રાસ એટલે બ્રહ્મમિલન, બ્રહ્મસંબંધ. રાસ એટલે શ્રીકૃષ્ણ ( Shri Krishna ) સંબંધ.
જીવ ઈશ્વર સાથે એક બને તો કૃતાર્થ થાય.
ગાયોની ઇચ્છા હતી કે પ્રભુ સાથે એક થવું છે. આ કેવી રીતે બને? શ્રીકૃષ્ણ વાછરડાં બની સ્તન પાન કરે. ગાયોને
વાછરડાં ધાવે છે.આ અદ્વૈત કેવું છે તે બીજો કોઇ જાણી શકે નહીં. એ ગાય જાણે અને વાછરડાં જાણે. ગાયોની ઈચ્છા હતી, કનૈયો
વાછરડુ બની અમને ધાવે. અમે તેને ચાટીએ. અમારો બ્રહ્મસંબંધ થાય, આ અધ્યાયમાં ગાયો સાથે બ્રહ્મસંબંધ છે.
ગોકુળમાં ( Gokul ) વૃદ્ધ ગોપીઓ હતી, તેમની ઇચ્છા હતી અમે કનૈયાને રમાડીએ. આ ગોપીઓ મનથી શ્રીકૃષ્ણને મળતી.
માનસિક મિલનમાં આનંદ છે. પણ પ્રત્યક્ષ મિલનની ઉત્કંઠા આ ગોપીઓને થાય છે. આ અધ્યાયમાં એ વૃદ્ધ ગોપીઓ સાથે
બ્રહ્મસંબંધ છે.
અધાસુરના પેટમાંથી વાછરડાઓ અને બાળકો બહાર આવ્યાં. બાળકો કનૈયાને કહે, કનૈયા, અમને ભૂખ લાગી છે,
અમારે જમવું છે-શ્રીફૃષ્ણ ભગવાન પણ મિત્રોને કહેવા લાગ્યા, સુંદર યમુના તટ છે. આપણને ભૂખ લાગી છે. ચાલો આપણે
યમુના કિનારે પંગત પાડીએ અને અહીંજ ભોજન કરીએ અને વાછરડાં ભલે નિરાંતે ચરે.
બાળકો સાથે ભોજન કરવા બેઠાં. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ ચારે બાજુએ પદ્મવ્યૂહથી બાળકો સાથે ભોજન કરવા બેઠાં
છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૪૯
કમળની મધ્યમાં કમળનો ગાભો હોય છે. નાની પાંખડીઓ આ ગાભા પાસે હોય છે, મોટી પાંખડીઓ આ નાની પાંખડીઓને
અડકેલી હોય છે. પ્રત્યેક બાળકોને ઇચ્છા છે, મારે શ્રીકૃષ્ણને સ્પર્શ કરીને બેસવું છે. કનૈયાને મારા ઘરની સામગ્રી આરોગાવીશ.
કનૈયાના મુખમાં મારે કોળીઓ મુકવો છે. દૂર બેસે તો તે કેમ થઈ શકે? કમળના ગાભાની જેમ મધ્યમાં શ્રીકૃષ્ણ છે. પરમાત્માએ
દરેક બાળકને એવો અનુભવ કરાવ્યો કે તેઓ એની પાસે છે.
રાસલીલામાં ( Raslila ) પ્રત્યેક ગોપીઓને અનુભવ કરાવ્યો કે હું તારી પાસે જ છું. તે જ પ્રમાણે ગોપબાળકોને પદ્મવ્યૂહની રચના
કરી અનુભવ આપ્યો કે હું તારી જ પાસે બેઠેલો છું. ઈશ્વર દૂર જાય તો આનંદ મળતો નથી. પ્રત્યેક ગોપબાળકોને સ્પર્શનો આનંદ
આપ્યો છે. બ્રહ્મસ્પર્શ વગર આનંદ નથી.
પ્રેમમાં એવી શક્તિ કે નિરાકાર સાકાર બને છે. નિષ્કામ ઈશ્વર પણ સકામ બને છે. જીવ ઈશ્વરનો મિત્ર છે. કનૈયો
મિત્રોને સમજાવે છે:- બીજાને આપીને તમે ખાવ. એકલા ખાનારને બિલાડીનો અવતાર મળે છે. એકલા છાનામાના ખાવું એ
પશુધર્મ છે. એકલા કદી ન ખાઓ.
ઇશ્વર સર્વને એક સરખો આનંદ આપે છે. મનુષ્ય વિષમતાથી આપે છે. આપવામાં વિસમતા રાખે છે. જીવ જોઈને આપે
છે. પરમેશ્વર જોયા વગર આપે છે. ઇશ્વર જીવને લાયક સમજીને આપે છે. ત્યારે જીવને લોભ છૂટે છે. જીવનો મોહ છૂટે છે. અરે,
ઇશ્વર આપવા બેસે છે ત્યારે બે હાથવાળો લેતા થાકી જાય છે.
યજ્ઞશ્રમભૂગ્:-ઈશ્વર યજ્ઞના ભોકતા છે. યજ્ઞમાં આવાહન કરવા છતાં પણ ઘણી વાર પરમેશ્વર ભોજન કરતા નથી.
ત્યારે આજે સાક્ષાત્ પરમાત્મા શ્રીકૃષ્ણ, બાળકો સાથે ભોજન કરે છે. પરમાત્માને વશ કરવાનું સાધન પ્રેમ છે. ઉત્તમમાં ઉત્તમ
વસ્તુ ભગવાનને આપવી એ જ ભક્તિ છે. એ જ શુદ્ધ ભાવ છે.
ગોપબાળકો કનૈયાને કહે છે:-લાલા, આ જલેબી હું તારા માટે લાવ્યો છું. કનૈયો જવાબ આપે છે, હું એકલો નહિ ખાઉં.
થોડું થોડું સર્વને આપ. થોડું હોય તો પણ થોડો ભાગ બીજાને માટે કાઢી રાખવો.
બીજો કહે, કનૈયા, મારી માએ તારે માટે બરફી બનાવી છે. ત્રીજો કહે છે કનૈયા, મારી માએ તારા માટે દહીંવડાં બનાવ્યા
છે. કનૈયો ભોજનમાં વિનોદ કરે છે. ભોજનમાં વિનોદ થાય તો વિશેષ આનંદ આવે છે. કનૈયો કહે આની મા પણ દહીંવડા જેવી
જાડી અને બાપ સુદામા જેવો દુર્બળ છે. સર્વ બાળકો હસે છે.