પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ઉત્ક્ષેપણં ગર્ભગતસ્ય પાદયો: કિં કલ્પતે માતુરધોક્ષજાગસે ।
બ્રહ્માજી ( Brahmaji ) કહે છે કે મારું શરીર પંચતત્વોનું બનેલું છે. પરંતુ તમારું શરીર પંચતત્વોનું બનેલું નથી. તે તો કેવળ
આનંદસ્વરૂપ છે. ભગવાન આનંદમય છે.
ખાંડના રમકડાં ખાંડમય હોય છે. તે હાથી કે ઘોડા નથી હોતા. ખાંડના હાથીના બે પગ તોડીને ચામાં નાંખો તો તે ચા
થઈ જાય. રમકડાનો ખાંડનો હાથી ખાંડમય હોય છે, તેમ નિર્ગુણરૂપમાંથી સગુણરૂપ થયેલા પરમાત્મા પણ આનંદરૂપ છે.
ભગવાન શ્રીકૃષ્ણનું ( Shri Krishna ) શરીર પૂર્ણ આનંદમય છે. શ્રીકૃષ્ણથી આનંદ જૂદો નથી.
નિરાકાર આકાર ગ્રહણ કરે, તોપણ સ્વરૂપ તે જ રહે.
અહો, વ્રજની ગાયો તથા સ્ત્રીઓ ઘણી ધન્યવાદને પાત્ર છે, કે જેઓનાં દૂધ અર્થાત સ્તનપાનનું. હે પ્રભો! આપે વાછરડાં તથા છોકરાં રૂપ થઈને અત્યંત હર્ષપૂર્વક પાન કર્યું-આપને તૃપ્ત કરવા યજ્ઞો પણ સમર્થ નથી.
ગોકુળ વૃન્દાવનમાં ( Vrindavan ) હર કોઇ જન્મે તે મહાભાગ્યશાળી છે. હે કૃષ્ણ! જ્યાં સુધી મનુષ્યો આપની ભક્તિ કરતા નથી, ત્યાં
સુધી જ તેઓને રાગ, દ્વેષ, વગેરે ચોરરૂપે, ઘર, કેદખાનું અને મોહ પગની બેડી જેવા છે, પરંતુ ભકત બન્યા પછી તો તે રાગ વગેરે
જ મોક્ષ આપનાર થાય છે. સર્વ પ્રાણીઓનો આત્મા શ્રીકૃષ્ણ જ છે. આ કૃષ્ણથી સંપૂર્ણ જગત વ્યાપ્ત છે.
જે મનુષ્યો મુરારિ ભગવાનનાં ચરણો રૂપી પલ્લવરૂપ વહાણનો આશ્રય કરે છે, તેઓને માટે આ સંસારસમુદ્ર વાછરડાંના
પગલાં જેટલો ઊંડો છે. એટલે કે તેઓને માટે સંસારસમુદ્ર તરવો બિલકુલ કઠણ નથી. તેઓ વિના પ્રયાસે સંસારસાગર તરી જાય
છે.
ભક્તિ વગર કેવળ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરે, તો તે ફોતરાં ખાંડવા જેવું છે. તેમાં કાંઈ ફળ મળે નહીં. ભક્તિ જ મોક્ષ
આપનારી છે.
બ્રહ્માજી વંદન કરી, સ્તુતિ કરી ક્ષમા માંગે છે. બ્રહ્માજીએ ભોજનમાં ભંગ કરેલો એટલે સ્તુતિ પૂરી થઇ, તોપણ બ્રહ્મા
સાથે ભગવાન બોલ્યા નહીં. કોઈના ભોજનમાં અને નિદ્રામાં ભંગ એ પાપ છે.
બ્રહ્મલોકમાં બાળકો સુતેલાં, તેઓ એક વર્ષ પછી જાગ્યાં એટલે તેઓને થયું આ લીલા આજે થઈ છે.
એક વર્ષ આ પ્રમાણે આ લીલા ચાલી એટલે અઘાસુરવધની કથા એક વર્ષ પછી ગોપબાળકોએ પોતાની માતાઓને
કહેલી.
કેટલાક મહાત્માઓ આને બ્રહ્મા મોહનિવારણ લીલા કહે છે. ત્યારે શ્રીધર સ્વામીએ ( Shreedhar Swami ) આ લીલાનું નામ સર્વોદય લીલા રાખ્યું છે. જે આનંદ નંદ-યશોદાને આપ્યો, તેવો આનંદ ગાયોને, વાછરડાઓને, ગોપીઓને, ગોપબાળકોને આપ્યો, માટે આ
સર્વોદય લીલા ( Sarvodaya Leela ) છે.
સાધન કરવાથી ચિત્તશુદ્ધિ થાય છે. અને પછી ઈશ્વર પ્રાપ્તિ થાય છે. શ્રીકૃષ્ણ એ પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ છે. તેથી દરેક
શક્તિઓનું પ્રાગટય થયું છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૫૫
બીજા અવતારો એ અંશાવતારો છે પણ રામ અને કૃષ્ણ અવતારો એ પરીપૂર્ણ અવતારો છે.
નૃસિંહ અવતારમાં ક્રિયાશક્તિ જ પ્રગટ કરેલી. તે અવતારમાં જ્ઞાનશક્તિ ગુપ્ત છે. ઈતર અવતારમાં પણ એક એક
શક્તિનો આવિર્ભાવ દેખાય છે, અને બીજી શક્તિઓ ગુપ્ત છે.
શ્રીકૃષ્ણે એક એક લીલામાં એક એક દેવનો પરાભવ કર્યો છે. વત્સહરણલીલામાં બ્રહ્માનું અભિમાન ઉતાર્યું. બ્રહ્માનો
પરાભવ કર્યો. ગોવર્ધનલીલામાં ( Govardhan Leela ) ઈન્દ્રનું અભિમાન ઉતારી તેનો પરાભવ કર્યો. રાસલીલામાં કામનું અભિમાન ઉતાર્યું, કામનો પરાભવ કર્યો.
એક દિવસ કનૈયો માને કહે મા, હું મોટો થયો, મા, હવે હું ગાયોને ચરાવવા લઈ જાઉં? યશોદા લાલાને સમજાવે-બેટા,
તું હજુ નાનો છે. જરા મોટો થા, એટલે તને ગોપાળ બનાવીશ. સારું મુહૂર્ત જોઇ ગોપાળ બનાવીશ. તે જ વખતે શાંડિલ્યઋષિ ત્યાં
આવ્યા. યશોદાએ શાંડિલ્યઋષિને પૂછ્યું. લાલાના જન્માક્ષર જોઈ તેને ગોપાળ બનાવવાનું મુહૂર્ત જોઈ આપો. કાર્તિકમાસ શુકલ
પક્ષે અષ્ટમી તિથિ. ગોપાલાષ્ટમીને દિવસે કનૈયો ગોપાળ થાય છે. કનૈયાને તે દિવસે બહુ ઉતાવળ થઈ. લાલાને ઊંઘ આવતી
નથી.
મા! હું ગાયોની પૂજા કરીશ. મા! મને ગાયો બહુ વહાલી લાગે છે.
પ્રાતઃકાળમાં સ્નાન થયું. શાંડિલ્યઋષિ આવ્યા. કનૈયો ગાયોની પૂજા કરે છે. ગાયોને આજે ઘણો આનંદ થયો છે.
અમારા માલિક આજે અમારી પૂજા કરે છે. ગાયોને ફૂલની માળા પહેરાવી, મિઠાઈ ખવડાવી. ગાયોએ આશીર્વાદ આપ્યાં. અમારાં
લાલાનો જયજયકાર થાય.
પ્રભુએ સંપત્તિ આપી હોય તો ગાય રાખજો. આજના સંપત્તિવાન ગાય રાખતા નથી. ઘરમાં કૂતરો રાખે છે. ફરવા જાય
ત્યારે પણ મોટરમાં કૂતરાને સાથે લઈ જાય છે. આપણાથી તો બીજુ શું કહેવાય! આ બીજા જન્મની તૈયારી છે. કૂતરા સાથે
અતિસ્નેહ કરે તો તેમાં વાસના રહી જાય, અને બીજો જન્મ કૂતરાનો મળે. કૂતરાનો તિરસ્કાર ન કરશો. કૂતરો આંગણે આવે તો તેને
રોટલો નાંખો પણ તેના ઉપર અતિશય પ્રેમ ન કરો.